ભૂચરમોરીના યુદ્ધના સ્થળે ત્રણ ઈતિહાસ- સંશોધકોનું સન્માન
પ્રાસગિક લેખ –
ડો. ધીરૂભાઈ પી.વાળા મંત્રીશ્રી સૌરાષ્ટ્ર કચ્છ ઈતિહાસ
પરિષદ,જૂનાગઢ.
ભૂચરમોરીના યુદ્ધના સ્થળે ત્રણ ઈતિહાસ- સંશોધકોનું સન્માન
અખિલ ગુજરાત રાજપૂત યુવાસંઘ દ્રારા ગુજરાતના
ઈતિહાસક્ષેત્રના ત્રણ સંશોધકો સ્વ.શ્રી જયમલ્લ પરમાર, સ્વ.ડો.શંભુપ્રસાદ દેશાઈનું
મરણોત્તર અને ડો.પ્રદ્યુમ્નભાઈ ખાચરનું સન્માન કરવાનો કાર્યક્રમ ભૂચરમોરીના
યુદ્ધના સ્થળે તા.૧૭-૦૮-૨૦૧૪ને રવિવારના રોજ યોજાશે.જેમાં બે ઈતિહાસકારો જૂનાગઢના
હોય તેમનું જૂનાગઢના નગરજનો વતી આવકાર અને અભિનંદન કરીએ છીએ.આ પ્રસંગે ભૂચરમોરીનો સંક્ષિપ્ત ઈતિહાસ અને
ઈતિહાસકરોનો પરિચય કેળવીએ.
જામનગરના ધ્રોલ પાસેના ભૂચરમોરી નામના
સ્થળે અકબરના સુબા અઝીઝ કોકા અને જામ સતાજી વચ્ચે ઈ.સ.૧૫૯૧માં લડાઈ થઈ હતી.એનું
કારણ એવું હતું કે ઈ.સ.૧૫૭૩માં અકબરે ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજા પાસેથી જીતી
લીધું પણ જયારે સુલતાન મુઝફ્ફરશાહે ફરી અમદાવાદ,સુરત,ભરૂચ જીતી લીધા એ સમયે
મુઘલોનો ગુજરાતનો સુબો અબ્દુલ રહીમખાન તેમને રોકી ન શકતા અકબરે ગુજરાતને શાંત
પાડવા પોતાના દૂધભાઈ મિરઝા અઝીઝ કોકાને ગુજરાતના સુબા તરીકે મોકલ્યો જેણે સુલતાન
મુઝફ્ફરશાહને પકડી લીધો પણ સુલતાન મુઝફ્ફરશાહ થોડા સમયમાં ત્યાંથી ભાગી ગયો.
સુલતાન મુઝફ્ફરશાહ ખરેડીના શાસક લોમા ખુમાણના આશ્રયે ગયો અને ત્યાંથી પછી જામ
સતાજીનાં આશ્રયે ગયો.પણ અકબરે પોતાના ભાગી ગયેલા કેદીને પકડવા આકાશ પાતાળ એક કર્યા
અને મુઘલ લશ્કર રવાના કર્યું અને તે લશ્કરના નેતા તરીકે નવરંગખાનને નીમ્યો પરંતુ નવરંગખાનને
જામ સતાજીએ સુલતાન મુઝફ્ફરશાહને સોંપી દેવાની સ્પષ્ટ ના પડી દીધી કે સુલતાન અમારો
આશ્રિત છે તેથી અમે તેને સોપીયે તો અમારા ક્ષત્રીય ધર્મને લાંછન લાગે.આ વાટાઘાટો
ખૂબ જ ચાલી પણ તેમાં કશું ન થયું અને જામ સતાજી સુલતાન મુઝફ્ફરશાહને સોંપવા એકના
બે ના થયા તેથી આખરી ઉપાય મુઘલ લશ્કર વિરમગામથી જામનગર તરફ આગળ વધ્યું ત્યારે એક
મત મુજબ જામે યુક્તિ વાપરી કે આ લશ્કર જામનગર પહોચે તેને આપણે જ સામા ચાલીએ તો
જામનગરની તો ખુવારી ન થાય અને જામનગરનું લશ્કર પણ ધ્રોલ સુધી સામું જ આવી ગયું અને
ત્યાં અકબરના સૈન્ય અને જામના સૈન્ય વચ્ચે લડાઈ થઈ.આ યુદ્ધમાં જામના પક્ષે ૩૦૦૦૦
અને અકબરના પક્ષે ૧૦૦૦૦નું લશ્કર હતું.આ લડાઈ વિક્રમ સંવત ૧૬૪૭ (ઈ.સ.૧૫૯૧)માં થઈ
હતી તેનો અભીલેખીય પુરાવો યુદ્ધના મેદાનમાં રહેલો ગોપાલ બારોટનો પાળિયા લેખ આપે
છે. આ વીર શહીદો ભૂમિ ભૂચરમોરી ખાતે ૨૨ વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્રારા
ભૂચરમોરી શહીદ શ્રધાંજલી કાર્યક્રમ યોજવામાં આવે છે.
જયમલ્લ પરમાર : ગુજરાતની
લોકસંસ્કૃતિના આજીવન આરાધક,સંશોધક અને સંપાદક જયમલ્લ પરમારમાં સાપ્તાહિક ‘ફૂલછાબ’ના આનુવંશીક સંસ્કારો હતા.નાનપણથી
લોકજીવન વચ્ચે આળોટી ને મોટા થયેલા જયમલ્લભાઈ ૧૯૨૭થી લોકસાહિત્યના સંગ્રહનો આરંભ
કરે છે.૧૯૨૫ થી ૧૯૭૫ના પાંચ દાયકાના દીર્ઘપટ ઉપર તેમની સંશોધન યાત્રા વિસ્તરેલી
છે.ગુજરાતમાં લોકસંસ્કૃતિના વિવિધ પાસાઓ ઉપરના પદ્ધતિસરના અભ્યાસનો આરંભ જયમલ્લ
પરમાર થકી થયો હતો.દેશના અગ્રીમ હરોળના સ્વાતંત્ર્ય સૈનિક,સશસ્ત્ર ક્રાંતિકારી,કર્મશીલ
લેખક, પત્રકાર એમ જીવનના વિવિધ ક્ષેત્રોમાં તેમની એકધારી ગતિ રહી હતી.સાપ્તાહિક ‘ફૂલછાબ’માં સદા ત્રણ વર્ષ તેઓ ઝવેરચંદ મેઘાણીના
સાથીદાર તરીકે રહ્યા હતા.૧૯૫૦માં સાપ્તાહિક ‘ફૂલછાબ’નું દૈનિકમાં રૂપાંતર કરી તેઓ રાજકોટ
લાવ્યા અને સાડા પાંચ વર્ષ પ્રથમ તંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.લોકસાહિત્ય,
સંતસાહિત્ય, ઈતિહાસ, ખગોળ,પક્ષીપરિચય, નવલકથા,નાટક,કાવ્ય,
બાળસાહિત્ય,સંસ્મરણો, આત્મકથા એમ
સાહિત્યના વિવિધ ક્ષેત્રે તેમણે કરેલા વ્યાપક તેમજ સમૃદ્ધ ફળસ્વરૂપે ગુજરાતને ૬૩
પુસ્તકો મળ્યા છે.
ડો.શંભુપ્રસાદ દેશાઈ: ડો.શંભુપ્રસાદ
દેશાઈ સરકારી અધિકારીઓમાં એક તેજસ્વી મણકા હતા. પ્રભાસપાટણના પ્રસિધ્ધ દેશાઈ
પરિવારમાં તેમનો જન્મ થયો. પિતા હરપ્રસાદ દેશાઈ જૂનાગઢ નવાબના ઉચ્ચ અધિકારી
હતા.શંભુપ્રસાદભાઈ બી.એ.,એલ.એલ.બી. થઈ ૧૯૩૩માં જૂનાગઢ રાજ્યની કામગીરીમાં દાખલ
થયા. ૧૯૬૬માં અમરેલીના કલેકટર પદેથી તેઓ નિવૃત થયા. ૩૩ વર્ષ જૂનાગઢ રાજ્ય ઉપરાંત
સૌરાષ્ટ્ર,મુંબઈ અને ગુજરાત રાજ્યમાં જવાબદારીભર્યા વિવિધ હોદ્દાઓ ઉપર તેઓ રહ્યા
હતા.ઈતિહાસ અને સંશોધનનો જીવ,એટલે જે વિસ્તારમાં ફરજ બજાવતા હોય ત્યાંના ઈતિહાસની
પારાવાર સામગ્રી એકત્ર કરી હતી.
ઈતિહાસ, પુરાતત્વ, લોકસાહિત્ય, વાર્તા
વગેરેના ૪૦ પુસ્તકો શંભુપ્રસાદ દેશાઈ તરફથી ગુજરાતને મળ્યા છે. ‘સૌરાષ્ટનો ઈતિહાસ’, ‘પ્રભાસ અને સોમનાથ’, ‘જૂનાગઢ અને ગિરનાર’, ‘ગુજરાતની સલ્તનત’, ‘માંગરોળ’, ‘કનરાનો કેર’, ‘ઈતિહાસ દર્શન- ૩ ભાગ’,પિતૃ તર્પણ, ‘ગીર’, વગેરે તેમાં મુખ્ય છે.તેઓએ ઈતિહાસ અને સંસ્કૃતિના
સંશોધન માટે સૌરાષ્ટ્ર કચ્છ ઈતિહાસ પરિષદની સ્થાપના કરી હતી. હાલમાં એ સંસ્થા
મંત્રી તરીકે હું સંભાળી રહ્યો છું.
ડો.પ્રદ્યુમ્નભાઈ ખાચર: આ યુવાન
ઇતિહાસકારનો જન્મ ૧૯૬૯માં ચોટીલા પાસેના સણોસરા ગામમાં થયો હતો. ઈતિહાસમાં એમ.એ.
અને પીએચ.ડી. થયા બાદ છેલ્લા બે દાયકા કરતા વધારે સમયથી અધ્યયન,અધ્યાપન અને સંશોધન
ક્ષેત્રે કાર્યરત છે.હાલ જૂનાગઢની ડો.સુભાષ મહિલા કોલેજમાં ઈતિહાસ વિભાગના અધ્યક્ષ
ફરજ બજાવી રહ્યા છે.તેઓ પીએચ.ડી.ના માન્ય ગાઈડ છે.સરકારની ઈતિહાસ પુરાતત્વ વિષયક
કેટલીક સમિતિઓમાં સભ્યપદે ડો.પ્રદ્યુમ્ન ખાચર સેવા આપી રહ્યા છે. તેઓ સતત અધ્યયન
અને સંશોધન રત રહીને માત્ર ૨૨ વર્ષની કારર્કિદીમાં ૪૫ વર્ષની યુવાવયે ૨૨ જેટલા
પુસ્તકો સમાજને આપ્યા છે.જેમાં ‘કાઠી ઈતિહાસ અને
સંસ્કૃતિ’, ‘ભૂચરમોરીની લડાઈ’, ‘કાઠીઓ અને કાઠિયાવાડ’, ‘ગિરનારનો ઈતિહાસ’, ‘કાઠિયાવાડના રાજવીઓ’, ‘તવારીખ’
‘સૌરાષ્ટનો ગૌરવવંતો ઈતિહાસ’, ‘તસ્વીરોમાં જૂનાગઢ’, ‘ગિર ગિરનારના મંદિરો’, ‘ગ્રંથો અને શિલાલેખો’, ‘સૌરાષ્ટ ગુજરાતના શાસકોની વંશાવલીઓ’,સોરઠ સરકાર નવાબ મહાબતખાનજી’ વગેરે મુખ્ય
પુસ્તકો આપણને પ્રાપ્ત થયા છે.તેઓએ ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ જેવા અપ્રાપ્ય ગ્રંથને અધ્યયન અને સંશોધન કરીને
સુધારા વધારા સાથેની સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરી સંશોધકો માટે સુલભ બનાવ્યો છે.ડો.ખાચરના
પુસ્તકો ન્યાયાલયમાં,સમાજના ઘરોમાં,તથા જુદી જુદી સંસ્થાઓ અને સરકારી ઓફિસોમાં
તેમજ ઈતિહાસ સંશોધકોને ખૂબ જ ઉપયોગી નિવડ્યા છે. તેઓએ સૌરાષ્ટ્ર કચ્છ ઈતિહાસ પરિષદના મંત્રી તરીકે ૧૫
વર્ષ સેવા આપી કેટલાક ગ્રંથોનું પરિષદ દ્રારા પ્રકાશન કર્યું છે.અને યુવા
વિદ્યાર્થી સંશોધકોને પ્રરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા છે. ડો.પ્રદ્યુમ્નભાઈ
ખાચર સાહેબનું મેં વિદ્યાર્થી, અધ્યાપક,
સંશોધક, લેખક, ઇતિહાસકાર, કટારલેખક અને વક્તા તરીકે પ્રમાણભૂત અને તટસ્થ અધ્યયન
કરી ‘ઇતિહાસનો આરાધક’ નામના પુસ્તકનું આલેખન કરી તેમના ઈતિહાસ સંશોધનના અનુભવને લોકો સમક્ષ મૂક્યો
છે.તેથી મારા માટે તો ગૌરવની વાત છે કે ખરેખર ઈતિહાસ સંશોધનની ધૂણી ધખાવીને બેઠેલા
ઇતિહાસના આરાધકનું સન્માન થઈ રહ્યું છે.
Comments
Post a Comment