આલા ખાચરનો ન્યાય –ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
આલા ખાચરનો ન્યાય –ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
એક જમાનો હતો રાજાઓ,અધિકારીઓ,ન્યાયાધીશો જ પ્રજાના દુઃખોને પોતાના જ દુઃખો સમજીને તેના
માટે તનતોડ મહેનત કરી અંધાર પછેડો ઓઢી કે છુપી બાતમી કઢાવી સત્ય ન્યાય તોળી
પ્રજાને દુઃખ મૂક્ત કરવામાં પોતાનું ગૌરવ સમજતા હતા અને એના માટે પોતાને પડતા અનેક
કષ્ટો વેઠી પોતાનું પદ શોભાવતા,કદી પોતાના પદને લાંછન લાગવા દેતા નહિ.
જસદણ પંથકમાં ચોમાસું ચાલ્યું જાય છે,ભાદરવો આસો મહિનો
ચાલ્યો જાય છે, અનાજના ખેતરો પૂર્ણ યુવાનીએ લથબથ ઝૂલી રહ્યા છે,પંખીડાઓ આ મબલખ પાકના ડુંડે ઝૂલતા ઝૂલતા જાત જાતના મધુર અવાજ
કાઢી રહ્યા છે,પાંદડાઓ એક કાળે લીલા માંથી પીળાશ પકડીને હવે ખરતા જાય છે,પણ ડુંડાઓમાં તો
જાણે સાચા મોટી પાક્યા હોય એવા તગમગી રહ્યા છે,જાણે કે આખી સીમ આંનદના હિલોળા લઇ રહી છે.
આવા સમયે ખેતરની વચે તૂટમુટ મેડો છે,મેડાને આછા પાતળા
લાકડા કડબ ને ઝીપટાના ઝાંખરા પાથરીને મેડાને બેસવા લાયક કર્યો છે.મેડા ઉપર એક
ફાટેલ પટલાણી પોતાના તીણા સ્વરે આ ખેતરના લહેરાતા પાક ઉપર પક્ષીઓને ગોફ્ણિયાના ઘા
કરી ઉડાડતી જાય છે,ફાટેલ પટલાણીની આંખો આખા ખેતરમાં બાજની જેમ ફરતી રહે છે,જ્યાં વૈયા,ચકલા,હોલા જોવે
ત્યાં ફરરર કરતો ગોફણિયો રમરમ કરતો જવા દે છે.
એવામાં પટલાણીની
નજરે કૈક માણસ જેવું દેખાતા હાથના નેજવા કરી તેને ઓળખવાનો પ્રયત્ન કર્યો તો તેને
ઘોડેસવાર જણાયો મારો બેટો અહી રાત દી ટાઢ તડકો વેઠી અથાગ મહેનતે પાકને ઉજેર્યો હોય
અને આ વળી આ કયો અસવાર ઉભા પાકને ખૂંદે છે.આટલું જોતા તો પટલાણીની ડાગળી ખસી ગઈ
અને પહાડ જેવા અવાજે રાડ પાડી કે એ ઈ કયો છે એલા બહાર નીકળ કે ગોફણિયો રમરમતો આવવા
દવ, ન જોયો હોય જાણે
મોટો અસવાર થઇ ગયો છે તો પટમાં ઘોડો ખેલવને અહી ખેડૂતોના ખેતરો ખૂંદે છે ને મોલાત
ને નુકશાન કરે છે.
પણ ઘોડેસવાર
પટલાણીના એકપણ વેણને ગાંઠ્યા વિના કે ડર્યા વિના આગળ જ પગલા ભર્યા જાય છે તો
પટલાણીને વધુ ક્રોધ ચડ્યો એલા બેરો છો કે બે માથાળો છો, હું કેટલી પડકારા
કરું છુ ને તું તો સામો જ હાલ્યો આવે છે પણ જોજે હો મારા ખેતરનું પાંદડું હલશે કે
ભાંગશે તો તારી પાયમાલી થઇ જશે હો. છતાં અસવારને કઈ અસર નથી ને એ તો આગળ આગળ આવતો
જ જાય છે હવે તો અસવારે ઘોડો છુટો મૂકી ખેતરમાં આડફેટીયા ડાંફો ભરતો ભરતો મેડા તરફ
આવ્યો,ત્યાં તો પટલાણી
લાલ હિંગોળીયા જેવી થઇ ગઈ કે એલા આ કોઈ રાંડીરાંડ નું ખેતર નથી હો,આ જમી વાહે જસદણનો
ધણી દાંતાળો બેઠો છે.
સમજતો જ નથી,જો તારી આ રાવ જસદણના દરબારમાં કરીશ તો તને
ઘાણીએ ઘાલી તેલ કાઢશે કાં મીઠાની રાબ પાઈ પાઈને રીબાવીને મારશે,આટલું પટલાણી બોલી
રહી ત્યાં તો ઘોડેસવાર મેડાની પાસે આવી શાંત ચિતે ઉભો રહ્યો તેના મોઢા ઉપર જરાય
ક્રોધ નથી માત્ર એણે એટલું પૂછ્યું કે આ ખેતર છે કોનું.
બાઈ કહે અરે જાને લપ્યા તારે વળી આ નુકશાન કર્યા પછી શી
પંચાત જો હમણાં મારા ધણીને બોલાવીશ ને તો તને જસદણની જેલ ભેગો કરશે.અહી રાજ આલા
ખાચરનું છે જેણે તારા જેવા અનેક માથાભારેના વળ ઉતાર્યા છે કૈક ને હદપાર કર્યા છે,તો જટ બહાર નીકળી
જા.
અસવાર કહે હશે હશે બસ મારી ભૂલ થઇ ગઈ પણ એતો કહે આ ખેતર છે
કોનું,પટલાણી કહે એ નથી
કહેવું નથી કહેવું જાને હવે .
આખરે અસવાર તો પાછા વળી વળી ગયા પણ તેની છાતીમાં ટાઢકનો
શેરડો ફૂટે છે કે વાહ વાહ પ્રજા છે તો લોઠકીને રાજાના દમામને વટને ઓળખતી જ
છે.
આલા ખાચર જ્યાં આગળ વધ્યા ત્યાં એક ખેડૂ મળ્યો કે બાપુ રામરામ,પણ બાપુ અટાણમાં આ ક દસ્યમાં ક્યાં
?દરબાર કહે મન થયું
કે લાવને મોલ પાણી જોઈ આવું,ખેડૂત કહે હા હા બાપુ બવ સારું કર્યું તમારા જેવાના પરતાપે મોલપાણી તો બહુ જ
સારા છે,દરબાર કહે સારું
સારું પણ કોઈની રંજાડ બંજાડ તો નથી ને એલાવ તો કેજો હો, હું આ જોવા જ
નીકળ્યો હતો.
ખેડૂત કહે ના ના બાપુ આલણબાપુના રાજમાં પાંદડું ય કોઈ ન
હલાવી શકે હો અમારે તો રામના રાજ છે.
હવે દરબારે ખેડૂને બીજો પ્રશ્ન કર્યો કે ઓલું ખેતર કોનું છે,અરે બાપુ ઈ તો
પટલનું, તો મેડે કોણ
હોકારે છે,એની વહુ હશે હો બાપુ કહે પણ માળી બહુ બટક બોલી હો તીખી તો મરચા જેવી, ખેડૂ કે હા બાપુ
અમારું વરણ ઉગેલા મોલને બળતો ભાળે પછી તેને ભાન ન રહે હો એમાં અમારા એકના એક દીકરા
જેવું જ હેત દેખાય અમને ખેડૂને.
દરબાર તો આ બધું જાણી જોઈને જતા રહ્યા ત્યારે આ ખેડૂત મેડે જઈને
પટલાણીને કહે અરે ભાભી તું તો અક્કલમઠી છો, એ અસવાર નોતા એ જસદણનો ધણી હતો હેં સાચું કયો છો ખાવ મારા
સમ.અરર મેં તો તેમને ન કેવાના કેવાય કડવા વેણ કીધા તો હવે તો મને શે જસદણના રાજમાં
જીવતી રેવા દેશે.
ખેડૂત કહે ભાભી કઈ વાંધો નહિ તમે તો અજાણતા જ દીધી છે ને એમ
તો આપડા બાપુ દેવનો અવતાર છે સાગર પેટા છે. પણ ભાઈ બાપુ દરબારમાં બોલાવે તો
શું કવ.
જયારે બીજી બાજુ આલા ખાચરે દરબારગઢમાં જઈ ન્યાયાધીશને
બોલાવી પૂછ્યું કે આપણા રાજમાં ગાળો દેનાર ને શું શિક્ષા થાય છે, ન્યાયાધીશ કહે
તેને પેલીવાર હોય તો રાજમાં રૂબરૂ બોલાવીને ઠપકો દેવાય, ન્યાયાધીશ કહે પણ
બાપુ આપને આજે કોણે ગાળો દીધી કે આપે કઈ ગુનો કર્યો છે?તો,બાપુ કહે મેં ઉભા
પાકમાં ઘોડો હાંક્યો તો આટલું સાંભળતા ન્યાયાધીશ કહે તો બાપુ એ ગુનામાં આપણા
રાજમાં મોલને નુકશાન કરનારને તો હદપાર કરીએ છીએ. પણ ના બાપુ આપ તો ધણી છો તમે તેમ
કરી શકો છો તો ઠાલો અફસોસ કરો નહિ.ત્યાં તો દરબાર બોલ્યા કે ન્યાયાધીશ સાહેબ
“ હું ધણી ખરો પણ
મારી જાતનો, નહિ કે પ્રજાનો,હું તો સેવક છુ હું જ કાયદો કરુને હું જ તોડું એ ક્યાંનો ન્યાય,કાયદો તો રાજાને
રંક બંને માટે સરખા જ હોય હો”
આલા ખાચરે પોતાને આ ગુનાસર રૂપિયા પાંચનો ન્યાયાધીશ આગળ દંડ
કરાવ્યો અને એ દંડની રકમ માંથી પેલી પટલાણીને કાપડું ને સાડલો લઇ આપવા હુકમ કર્યો.
બીજા દિવસે ન્યાયાધીશે પેલી પટલાણીને દરબારની કચેરીમાં
બોલાવવા નો હુકમ કાઢ્યો તો બાઈ તો હાથ જોડીને લાજ કાઢીને ઉભી રહી.દરબારે સવાલ
કર્યો તે દિવસે ખેતરે મેડા ઉપર તમે જ હતા?.હા બાપુ તમે મને ઓળખતા હતા ? ના ના બાપુ મારા જેવી અભાગણીના ભાગ્યમાં તમને ઓળખવાનું
કયાંથી ગજુ હોય.
અચ્છા ઠીક તો જાવ પણ હવે યાદ રાખજો હું હોવ કે ગમે તે હોય
આપણે બોલવામાં મર્યાદા રાખવી,બાઈ કહે બાપુ મને માફ કરો આપ અમારા માવતર છો હું તો કછોરૂ
કેવાવ.
આલા ખાચરે સિંહાસન
પર બેઠાબેઠા કહ્યું કે જાવ તમારો ગુનો માફ પણ મારા ગુના બદલ તમને આ કાપડું અને
સાડલો ભેટ આપું છું મેં તમારા ખેતરમાં ઘોડો હાંકી કાયદાનો ભંગ કર્યો હતો. આટલું
સાંભળતા તો પટલાણી હસતા હસતા સડસડાટ દરબારગઢની માઢમેડીનો દાદરો ઉતરી ગઈને ગામમાં
જઈ આલા ખાચરબાપુ ના ગુણગાન ગાતી થઇ ગઈ.

Comments
Post a Comment