ભાડેરનું ધીંગાણું- ડૉ .પ્રદ્યુમ્ન ખાચર
ભાડેરનું ધીંગાણું- ડૉ .પ્રદ્યુમ્ન ખાચર
કંઈ કાઠીનો દીકરો ઉભો હોયને કોઈની માં બેન કે દીકરીની લાજ થોડી લુંટાય? કંઈ
કાઠીનો દીકરો ઉભો હોયને ગામની આબરૂ થોડી જવા દેવાય? કંઈ કાઠીનો દીકરો ઉભો હોયને
કોઈ ગરીબને થોડો લુંટાવા દેવાય ?
રાજાશાહીનો ય એક
જમાનો જરૂર હતો પણ ક્યારેક ગામના ગામ એકબીજા શાસકોની વચે ગંજીફાની જેમ ટીપાતા જતા
હતા,આજે અહીના રજવાડામાં ગામ હોય તો કાલે વળી બીજા રજવાડામાં એ ગામ હોય,એ જમાનામાં
બિચારી પ્રજા તો ક્યારેક એ ફેકાફેકીમાં જ રણ ગોવાળિયારૂપ બની જતી હતી.
આવી
ફેકાફેકીમાં ધારી પાસેના ભાડેર ગામમાં એક ઘટના બની ગઈ પણ ત્યારે ભાડેરના કાઠી
દરબારોએ એ કશું જ જોયા વિના પોતાના પ્રાણ પ્રજા માટે પાથરીને કાઠી કુળને તથા સુરજનારાયણને
શોભાવ્યા.મૂળ ભાડેર ગામ વાળા દરબારોનું પણ કાઠી દરબારોમાં અંદરોઅંદરના ભારે ડખા અને કજિયા આથી કંટાળીને
દરબારે ભાડેર ગામને બળતું ઘર કૃષ્ણાર્પણ
કરે એમ ગાયકવાડ સરકારને અઘાટ વેચાણે આપી દીધું કે તો જ આ બલા ટળશે ને એ પણ બધા જોતા
જાય કે ઓહો માળું ભારે કરી હો.
આ વાતના છેક વાવડ
ઓખા મંડળ સુધી પહોચી ગયા કે વાળા દરબારે તો હવે ભાડેરની પ્રજા માટે માથું નહિ જ
મારેને ?એમ માનીને વાઘેરોએ ભાડેરને નિશાન બનાવવા નક્કી કર્યું હવે વાઘેરો એ ભાડેરને તો આંકડે બેઠેલું મધ માની ને
લુંટવાનો વિચાર કર્યો કે ગાયકવાડ સરકાર તો વડોદરામાં બેઠી છે ને ભાડેરનો રણીધણી તો
અત્યારે કોક ભાંગલ પસાયતો હશે તો જવામાં કઈ વાંધો જ નથી,વાઘેરો તો ચડ્યે ઘોડે ભાડેર પુગી ગયા.
પણ
ભાડેરની કમનસીબી પણ જુવોને કે એ સમયે ગામનો પસાયતો પણ ધારી કોઈ સરકારી કામે ગયો છે.ત્યારે વાઘેરો તો
ગામમાં ગરીને મંડ્યા ગભરુ ને હરણીના બચા જેવા ભોળા પટેલીયાઓને દબાવવા માંડ્યા કે
કાઢી આપો માલ નક્કર આ કાળા મોઢાવાળિયું તમારી સગી નહિ થાય,તમારા એકના એક દીકરાના
કાળજે પણ તેને ફૂટતા શરમ નહી થાય હો.તો એથી વધુ અકોણા વાઘેરો કહે છે માલ નહી કાઢો
તો ગામને સળગાવી દેશું.
આટલું
કરતા કરતા તો વાઘેરો ગામના ઘરે ઘરના લબાચા ફેંદે છે પણ કોઈ કાવડિયા કે ઘરેણા હાથ
પડતા નથી,ત્યારે ખીજાય ને મંડ્યા ઘરમાં જે કોઇ હોય તેને પકડી પકડીને મારવા કે કાઢી
દ્યો છો કે ન કરવાની કરીએ.
ભાડેરની
શેરીઓમાં કાળો બોકાસો બોલી ગયો અને બકરાની વાઘમાં દીપડો પડેને જેમ સુનકાર છવાય જાય
એવો સુનકાર બજારોમાં છવાય ગયો,પણ બિચારા ભોળુડા માણસો કેટલોક માર સહન કરે,ઓય માં
ઓય માં અરે હવે રહેવા દયો અમે તમારી ગા છીએ હમણાં બધું જ કાઢી આપીએ પણ મારવાનું રેવા દ્યો એમ કરગરી રહ્યા છે.
બરાબર
આ કાગારોળ વખતે જ ગામના મૂળ ધણી એવા વાળા દરબાર અને તેના સબંધી વિસામણ લાલુ ગામના
પાદરની આંબલી વાડીએ કોહ જોડાવી રહ્યા છે ને
વોળદાનવાળાની વાડીએ સાથી પાણીના નાકા વાળી
રહ્યો છે તેની દેખરેખ રાખી રહ્યા છે.,આ ત્રણ કાઠી દરબારો સિવાય ગામમાં કોઈ મોટેરું
ભાડેરમાં નથી કોક પ્રસંગે બધા ગામ બહાર
ગયા છે.દરેક ગઢમાં બાયું માણસ સિવાય કોઈ જોરુકું નથી.
પણ
ગામમાં દેકીરો બોલે છે અને બહાર જુવે છે ત્યાં તો બચારા લોકો ટીપાઈ રહ્યા છે તે
તરત જ ગઢમાંથી એક માં ક્ષત્રિયાણીને લાજે એ રીતે તલવાર લઇ નીકળ્યાને જ્યાં માત્ર
ત્રણ જણા હાજર હતા ત્યાં જઈ ખબર પહોચાડ્યા કે “અરે વાઘેરો ગામ ભાંગે છે અને જો આ
વાઘેરો જો દરબારગઢ તરફ વળે તો આપણી આબરૂ જશે હો ને દુનિયા દાંત કાઢશે કે અંગ્રેજો
આવતા કાઠી,ગરાસિયા તો સાવ રાંક થઇ ગયા છે.”
આવી
બધી વહટી ચાલે છે ઘડીક તો શું વિચારે છે કે ભલે ને લુંટે હવે ક્યાં ભાડેર આપણું છે
જશે તો ગાયકવાડની આબરૂ જશે તેના માટે આપણે થોડું સામેથી મરવા જવાય. ? ને વળી
ગાયકવાડને તો અભિમાનના છોગા ચડી ગયા છે તો તેનું અભિમાન પણ ઓગળી જાય કે વાઘેરો હજુ
તમારાથી દબાયા નથી.
પણ
કાઠીના ખોળિયા આવી ચર્ચા કરે પણ એ જોઈ તો ન શકે,આથી બધાએ વિચાર કર્યો કે જો આપણા
જીવતા જીવ આવું બને તો તો સૂરજનારાયણની આંખોના તેજ ઝાંખા લાગે હો,ના હો આપણે એવું
ગાયકવાડનું આડું અવળું જોવું જ નથી ને બસ આ જીવતરને જીવી જાણ્યું કરવા હવે ગામ
માટે ખપી જવું એ જ એક ઉપાય દેખાય છે.
કંઈ
કાઠીનો દીકરો ઉભો હોયને કોઈની માં બેન કે દીકરીની લાજ થોડી લુંટાય? કાઠીનો દીકરો ઉભો હોયને ગામની આબરૂ થોડી જવા
દેવાય? કાઠીનો દીકરો ઉભો હોયને કોઈ ગરીબને થોડો લુંટાવા દેવાય ?
આવી
બધી અનેક વાતોને મેણા કે મહર અને એકબીજાને પેલા કાઠીયાણિએ પાનો ચડાવ્યો ત્યારે
બધાને સાવ હાડોહાડ લાગી આવ્યું કે આ સમયે આપણે ગામને બચાવવા નહિ ચડીએ તો તો કાઠી
કુળનું નાક કપાય હો આ સારું નહિ.
બરાબર
આ સમયે ધારી ગયેલો પસાયતો ભાડેર આવી પહોચ્યો ને ત્રણ કાઠી દરબારો અને એક પસાયતો એક સુરે નીકળ્યા કે
હવે તો વાઘેરો સામે ખપી જ જવું છે,આ માટે તેમણે ભંગી વાસમાં જઈ ગલા ઢોલીને કહ્યું
કે એલા ઉઠ ઉઠ રીડ પડી છે તો માંડ બુંગીયો ધ્રીંજાંગ ધ્રીંજાંગ
વગાડવા તો જ ગામના ખોળીએ સુતેલી મરદાય
જાગશે.
ગલા
ઢોલીએ તો પોતાના બાવડામાં બળ હતું એટલા જોરથી ઢોલની દાંડીઓ માંડી પીટવા,પળવારમાં
તો વાઘેરોના ટોળા હતા ત્યાં આવી ચડ્યાને કહે એય એલાવ ગામનો લુંટેલો માલ પાછો મેલી
દ્યો છો કે નહી બાકી આવો સામા અમારું પાણી માપવા, પણ એય રણછોડરાયના ઓખાના વાઘેર
હતા ને એમ કંઈ સીધા તો થોડા આવા વેણ
સાભળીને માની જાય ને બધું પાછુ આપી દે, ત્યાં તો ધીગાણું જામ્યું વાઘેરો અને કાઠીઓ
વચે ઝમકાર બોલ્યા.
વોળદાનવાળા
એ સોય ઝાટકીને એક કોદાળી મૂકી ત્યાં તો એક વાઘેરની બત્રીસીના ચૂરે ચુરા કરી
નાખ્યા,ત્યાં તો વાઘેરે સમય પારખીને પોતાની જામગરીને પેટાવીને એ ગોળી વાળા દરબારનો
જીવ લેવા છોડી પણ વચમાં આ ગોળી ગલા ઢોલીએ જીલી લીધીને ત્યારે વાળા દરબારે ઢોલીને
માટે રંગ ચડાવતલ વેણ કહ્યા કે વાહ વાહ ગલા તે તો ભાડેરના પાણીને દીપાવી જાણ્યું
હો,મારા ગામનો રખેહર નબળો ન જ હોય. આખરે બીજા વાઘેરોએ પોતાની બીજી જામગરી
વાળિયુંને અજમાવી તે વોળદાનવાળા અને વિસામણ લાલુ ને પસાયતા એ પણ જય ભાડેર જય ભાડેર
કરતા કરતા પ્રાણ છોડી દીધા.
આજે પણ ભાડેર
ગામના ચોરાએ ગામને માટે પ્રાણ દેનાર આ
ચારેય જણના પાળીયાઓ મોજુદ છે, ગામ લોકોનું કહેવું છે કે ગલા ઢોલીનો પાળિયો ગામ બહાર હતો પણ તે આજ કાળની
ગર્તામાં વિલીન થઇ ગયો છે પણ ગામ લોકોની જીભે જરૂર કંડારાયેલો છે. આ પાળિયાઓ સતત
એમ કહેતા જાય છે કે આનું નામ કહેવાય ખાનદાનીને ધરતીપ્રેમ,વતનપ્રેમ.
સૌજન્ય- હરસુરભાઇ ઓઘડભાઈ વાળા- લુંઘીયા
Comments
Post a Comment