ભાઈ બહેનની શહાદત – ડૉ .પ્રદ્યુમ્ન ખાચર
ભાઈ બહેનની
શહાદત – ડૉ .પ્રદ્યુમ્ન
ખાચર
પોરબંદરની પાસે આવેલું નાનું સરખું દોથા જેવડું ગામ છે કાંટવાણા,ગામ ઐતિહાસિક અને પાણીયાલુ છે ગામમાં રાઠોડ અટકના સંધીઓ ત્યારે વસતા
હતા એમાં એક દિવસ એ બધા સંધી જુવાનડાઓ ગામને પાદર પોતાના માલઢોરને કુઈ માંથી પાણી
સીંચી સીંચીને પાઈ રહ્યા છે ને એકબીજા હાકલા પડકારા કરતા કરતા ખાખા ખીખી કરી રહ્યા
છે ને જુવાની તેમને આંટો લઇ ગઈ છે .
બરાબર આ સમયે જ રાણપરના એક ખાંટ જુવાનને તૈયાર થઈને માભો પાડતા
નીકળવાનું થયું, જુવાન એવો રૂપાળો અને માંસલ દેહ ધરાવે
છે કે તેને જોઇને કોઈને પણ અટકચાળો કરવાનું મન થાયને તેમાં વળી આણે પૂરો શણગાર
સજ્યો છે ને હાથમાં કાળી ડિબાંગ સીસમની લાકડી શોભે છે,હવે જુવાની છે તે જુવાનીયાઓને તો બીજું શું ગમે ? અહીના સંધી જુવાનડાઓને આ ખાંટ યુવાનની લાકડી ગમી ગઈ ને આ ખાંટ
વટેમાર્ગુને કહ્યું એય જુવાન આ લાકડી મૂકતો જા,પણ એ થોડો રાંડી રાંડનો જમાઈ હતો કે તે પોતાની લાકડી અહી હાથે પગે
લાગીને મૂકી દે કે જાવ ભાઈ લઇ જાવ હું બીજી લઇ લઈશ.આ લાકડીની માંગણી થતા તો જુવાન રાતોપીળો થઈને ધગેલ તાંબા જેવો થઇ ગયો
અને તાડૂક્યો કે એમ કાઈ લાકડી બાકડી ન મળે હો, મારી લાકડી
ઝુંટવનારની માં એ તો સવાશેર સુંઠ ખાવી પડે,આટલું સાંભળતા
સંધી જુવાનડાઓ વધુ અથરા થવા માંડયાંને જ્યાં એક જુવાનડો લાકડી ઉચકાવવા દોડે છે
ત્યાં તો ખાંટ જુવાને પોતાની ભેટેથી જતરડો છોડીને તેનાથી રમરમ તો પાણો ફેંક્યો
ત્યાં તો એક સંધીના સાંથળના હાડકા ભાંગતો નીકળી ગયો તે સંધીઓના હાકાબાકા બોલી ગયા
અને ગભરાયા આ જુવાન તો ભારે બળુકો છે અન્ય સંધીઓએ પગ ભાંગેલા સંધીને ફાંટમાં
નાખીને ગામમાં લઈ જવા નીકળ્યા ત્યારે ખાંટ જુવાને સંધીઓને પડકારી કહ્યું કે હું
રાણપરનો ખાંટ છુ ને અમરદડ મારી વીરપસલી બહેનને તેડવા જાવ છુ,બે દી માં પાછો વળું છુ જો પાછા લાકડી ઉચકાવવાનો હરખ હોય તો પાછા
હાલ્યા આવજો.
આટલું બોલી ખાંટ જુવાન તો અમરદડને માર્ગે વેતો થયો રસ્તામાં હાલતો
હાલતો વિચારે છે કે આપણે કાંટીયાવરણ વાળા આવા જ રહ્યા કાઈ વગર વિચાર્યે કોકને બસ
પડકારો ફેંકી દેવા શું આ કઈ આપણા ગામનું પાદર છે ? આવા વટના ફાડિયા થવાના દાવ
ખેલાય ?પણ હશે જે થયું તે હવે તો પાછુ હટાય જ નહિ તે અમરદડથી પાછા વળતા જો સંધી
જુવાનડાઓ પાછા મળે તો તેને ભરી જ પીવા પડશે એમ કઈ થોડા પારોઠના પગલા ભરાયને મનમાં
મનમાં બોલતો જાય કે જેને મરતા આવડે એને જ પ્રજા ધણી ધારીને માન દે છે નહિ કે માંય
કાંગલાઓને. અમરદડ પહોચી ગયો,ખાંટ જુવાનને ક્યાંય ચેન પડતું નથી ચારેય દિશાઓ ભમે છે મનમાં ઉછાળા
આવે ને બેસે છે તેને ડર લાગ્યો કે ક્યાંક બહેનના ઘરે મારો આ ઉદ્વેગ જાણી જશે તો
ભારે થઈ.હવે બહેનના ઘરે ગયા વિના ચાલે તેમ નથી
તે બહેનને ત્યાં ગયો પણ માં જણી બહેન થોડી
ઉપાધિને ઓળખી ગયા વિનાની રહે એણે તરત જ કહી દીધું કે મારા વીરા કે તું ઉદાસ કેમ છો
તારા ડીલે કા તેજ નહિ ?
આથી ભાઈએ કાંટવાણાને પાદર જે નાની અમથી વાત માંથી જે ઝઘડો થયો તેની
માંડીને વાત કરી કે આમ બન્યું છે ને હું એ સંધીઓને આમ કહીને આવ્યો છુ એ પણ બહેનને
કહી દીધું બહેન તરત જ ભાઈની વાત ને સમજી
ગઈ ને તે એની જ સગી બહેન હતી તે મોરના ઈંડા ચીતરવા થોડા પડે? તે કહે વાંધો નહિ ભઈલા હું ગામમાં સગા વ્હાલાને કોઈને ખબર ન પડે તેમ
મુખી પાસેથી તલવાર લઇ આવું છુ તેની જરૂર પડશે જ.
આખરે બીજા દિવસે ભાઈ બહેન સંપીને પૂરી તૈયારી અને વટ સાથે હાલી
નીકળ્યાને જ્યાં કાંટવાણાના ઝાડવા દેખાણા ત્યાં બહેને નેજવા કરી ને જોયું તો ઝાડવા
હેઠે મોટું ટોળું ભાળ્યું..
આ સંધી જુવાનડાઓની પાસે અસાબાપીરના મુંજાવર ભલુશા ફકીર પણ છે,આ લોકોએ ભાઈ બહેન ને ભાળતા મોળા પડી ગયા કે માળો નીકળ્યો તો
વચનપાલકને વટનો કટકો હો,એકલી બહેન સાથે મરદના ફાડિયાની જેમ હાલ્યો
જ આવે છે પણ સંધીઓના મનમાં થઇ છે કે એ બિચારા બે જણા શું કરશે? આપણે તો આટલા બધા ને ગામ
આખું છે તો થોડું બીવાય,ભાઈ બહેન અને સંધીઓ સામસામે આવી ગયા ખાંટ કહે મારી બહેનને આઘેરેક
ગામ સુધી મૂકી આવવા દો પછી પાછો આવીને હિસાબ પતાવીએ ત્યાં તો સંધીઓને થયું કે ખાંટ
તો પાણીમાં બેસી ગયો ને આવા લફરા લણી આજીજી કરે છે પણ સંધીઓ માન્યા નહિ ત્યારે
ખાંટ કહે તો આવી જાવ એક એક મેદાનમાં ને જુઓ ભાઈડાનો રંગ.
સંધીઓ એમ તો હતા વટ વાળા તો એક એક જ પટમાં આવ્યા ને એક પછી એક ને
ખાંટ લાકડીઓનો બુથરાટો બોલાવતા પાકલ ચીભડાની જેમ માથા ફાડતો જાય છે એક પછી એક
જુવાનો માટેની જમદુત જેવી લાકડીએ ટીપાતા જાય છે,ત્રણ સંધી પડ્યા પછી ચોથા જુવાનનો વારો આવ્યો તેણે ખાંટને સોય
ઝાટકીને લાકડી મારીને ભોંય ભેગો કરી દીધો તોય ખાંટ જુવાન પાછો અડપ દઈને ઉભો થાય છે
આ સમયે ફકીર ભલુશા પોતે ધર્મનો સાક્ષી રહ્યાનું ભૂલીને એણે સંધીઓને કહ્યું એલાવ તૂટી
પડો આ સમયે ધીંગાણાની શરતનો છડેચોક બહેનની
નજર સામે જ ભંગ થયો આથી બહેનને પણ જુદ્ધ ચડ્યુંને તે હાથમાં તલવાર લઈને માંડી
સંધીઓના ડોકા વેતરવાને ભલુશા ફકીરને પણ ભોં ભેગો કરી નાખ્યો એવામાં એક બચી ગયેલા
સંધીએ જોગણી જેવી બહેનના માથામાં ઘા કરતા
તેની ખોપરી ફાટી ગઈ અરરર માડી કરતી ધડામ કરતી પડી આ દ્રશ્ય જ્યાં ભાઈએ જોયું ત્યાં
તો તેના બત્રીસ કોઠે ક્રોધ વ્યાપ્યો એટલો ઘાયલ છે છતાં બહેનના મારતલ માથે છેલ્લો
ઘા કરીને તેને પણ યમલોક પહોચાડ્યો અને પોતે પણ હાંફતા હાંફતા જય અંબે જય અંબે કરતા
ત્યાં જ મૃત્યુ પામ્યો. આજે પણ કાંટવાણા ગામને પાદર આ બન્ને
ભાઈ બહેનના પાળિયા અને અગિયાર સંધીઓ અને
ભલુશા ફકીરની કબર આ ઘટનાની યાદ આપતા આવા વેર કે ઉતાવળિયા પગલા ભરશો નહિ તેનો સંદેશ
આપી રહી છે.
Comments
Post a Comment