દેવાયત પંડિત


                                      દેવાયત પંડિત  
કાઠિયાવાડમાં અનેક વીરપુરુષો,શુરવીરો,જાણકારો અને ભવિષ્યવેતાઓ અને પરોપકારી રાજાઓ થયા છે એમાંથી આજ એક સચોટ ભવિષ્યવેતા સંતની વાત કરવી છે,કે જેની ઘણી ખરી આગમ વાણી સાચી પડી છે.પોરબંદર પાસેના ગોરાણા ગામમાં ત્રિકમ ગોર હતા તે આહીરોના કુળગોર તરીકે કામ કરતા હતા અને અબોટી બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ હતા.
આ ત્રિકમ ગોરને ઉદા નામે એક દીકરો હતો તે એક દિવસ જંગલમાં નીકળ્યો ત્યારે તેને બાળક રડવાનો અવાજ સંભળાયો તો તેને એમ લાગ્યું કે હશે કોઈ વટેમાર્ગુનું બાળક.પરંતુ બાળકનો રડવાનો અવાજ બંધ થતો નથી ને રડી રડીને તેનો અવાજ પણ બેસી ગયેલો ઘોઘરો લાગે છે.આથી ઉદાએ તો જંગલમાં આગળ ચાલી તપાસ કરી ત્યાં તો એક હીંચકામાં ફૂલ જેવું બાળક જોયું અને આજુબાજુ એના માબાપની તપાસ કરી પણ તેને ક્યાંય કોઇપણનો પતો લાગ્યો નહિ તો ઉદાનો થયું કે નક્કી આ બાળકને કોઈ ત્યજી જ ગયું છે તો ચાલ ભગવાનની ઈચ્છા આપણને આ બાળક દેવાની લાગે છે એમ માની એને ઉઠાવી લઇ ઘેર આવીને તેની પત્ની મોતીબાઈના ખોળામાં આપ્યું ને આખી માંડીને બનેલી વાત કરી.
આ બાળક અનાયાસે દૈવયોગે મળેલ હોવાથી જેનું નામ દેવો પાડવામાં આવ્યું,ઉદા અને મોતીબાઈએ દેવાને ખૂબ લાલનપાલન કરી મોટો કર્યો પણ થોડા સમયમાં પહેલા મોતીબાઈ અને પછી ઉદો મૃત્યુ પામ્યા પણ ઉદો મરતી વેળાએ તેમના દીકરાને ભલામણ કરતો ગયો કે આ દેવાનું ધ્યાન રાખજો તેને કોઇપણ જાતનું ઓછુ આવવા દેતા નહિ.
દેવો પણ ઘરમાં એટલો બધો સંપીને રહે છે કે ન પૂછો વાત માલઢોર ચારે છાણ વાસીદા કરેને ઘરનું હર્યુંભર્યું રાખે.
પરંતુ માલધારીનો જીવને એક દિવસ એક ગાયએ સાવ દૂધ જ દોહવા ન દીધું એમાંથી દેવા ઉપર શંકા પડી કે આ દૂધ વેચી નાંખે છે કે કોઈને આપી દે છે એમ કહી દેવાને  ધમકાવ્યો,આથી દેવાને એ ગાયનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું તો તેને ધ્યાને આવ્યું કે ગાય રોજ એક વડલા નીચે ઉભી રહેતા તેના ચારેય આંચળમાંથી આપોઆપ ત્યાં દૂધ વહી જતું.
દેવો કહે હહ હવે કારણ જડ્યું જ્યાં તેણે પાંદડા હટાવી જોયું તો શિવલિંગ મળી આવ્યું અને પોતે ત્યાં ત્રણ ચાર દિવસ શિવની સાધનામાં જ બેસી ગયો.આથી મહાદેવ તેમને પ્રસન્ન થયા તો તેણે વરદાન માંગવા કહ્યું તો દેવો કહે મારે પરણવું છે પણ એ કોઈ સામાન્ય સ્ત્રીને નહિ અપ્સરાને પરણવું છે,આથી ભગવાન પણ મુંજાયા કે માળું આણે તો ખરી કરી છે ને કઈ.
આથી પાર્વતી અને ભોળાનાથે તેનો ઉકેલ લાવવા કહ્યું કે જૂનાગઢની આથમણી દિશામાં પરીઓનું તળાવ છે ત્યાં રોજ અપ્સરાઓ ન્હાવા આવે છે ત્યાં જઈ તેના કપડા દાગીના લઈને ભાગી છુટને પછી એ લેવાની માથાકૂટમાંથી તારું કામ થઇ જશે.દેવાએ તો આ પછી પરી તળાવેથી અપ્સરાના દાગીના અને કપડા ચોરી લીધા અને એ લઈને પાર્વતીજીને બતાવ્યા,થોડા સમયમાં બધી અપ્સરાઓ અને દેવલદે ત્યાં આવ્યા અને કહ્યું કે અમારા કપડાને દાગીના પાછાં અપાવો.
આથી દેવાને બોલાવવામાં આવ્યો તો તે કહે મારે આમાંથી એક અપ્સરાને પરણવું છે તો વાત આગળ ચાલે બોલો છે મંજુર.આ વાત સાંભળતા તો અપ્સરાઓ રાતીચોળ થઇ ગઈ કે એલા તારા હાલ હવાલ જો અને જીભ સંભાળીને બોલ.પણ એમની કોઈ દલીલો ન ચાલતા દેવલદેએ વૃદ્ધ ડોસીનું રૂપ ધારણ કરી લીધુને એ પરણવા તૈયાર થયા તેને એમ કે દેવો ડોસીને કેમ પરણશે,પરંતુ દેવાએ તો એ ડોસી રૂપે રહેલા દેવલદેને જ પસંદ કર્યા અને ભગવાનની હાજરીમાં દેવા અને દેવલદેના લગ્ન થયા.
પરંતુ આ લગ્ન સમયે દેવલદેએ ભગવાન પાસેથી વચન લઇ  લીધું કે મારા પતિ મારા પર કદી વ્હેમાંશે નહિ અને જે દિવસે વ્હેમાંશે ત્યારે મારે તેમની સાથે સંબંધ પૂરો કરી પરત સ્વર્ગમાં આવતું રહેવાનું.
આ શરત ભોળાનાથે મંજુર રાખી અને દેવાને એવો અમૃત પ્યાલો પાયો કે દેવાને કોઠે કોઠે વેદો,પુરાણો,શ્રુતિઓ અને શાસ્ત્રો જ્યોતિષ બધું જ આપોઆપ કમાલની જેમ પ્રફુલ્લિત થઇ ઉઠયું અને એ દેવાયત પંડિત તરીકે ઓળખાવા લાગ્યો,આથી દેવાયતે અનેક શિષ્યો બનાવ્યા.આ પછી એક દિવસ ભગવાન પઠાણના સ્વરૂપમાં દેવલદેના ઘેર આવ્યા અને આ વાત માંથી દેવાયતને વહેમ પડ્યો અને દેવાયતે તેમને ન કહેવાના વેણ કહેતા આકાશ ડોલવા લાગ્યું ધરતી ધ્રુજવા લાગી ત્યારે દેવાયતને સાચી વાત સમજાણી,પણ દેવળદેના કરારનો ભંગ થયો લાગે છે અને તેણે શંકા કરતા તે પાછાં સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા,પણ દેવાયત માથા પછાડવા માંડ્યો કે અને કહેવા માંડ્યો કે તમે જાવમાં હું મારા પ્રાણ કાઢી નાખીશ તમારા વિના.
આથી ભગવાને કહ્યું કે તને ફરીવાર દેવળદે નાહરગઢમાં મળશે,આથી દેવાયત પંડિત પોતાના શિષ્યો સાથે નીકળીને નાહરગઢ શોધવા નીકળ્યા.હવે દેવાયત પંડિતને ક્યાય ચેન પડતું નથી ખાવું પીવું અને ઊંઘવું પણ હરામ થઇ ગયું છે,પરંતુ આખરે દેવળદેને શિષ્યોએ ગોતી કાઢ્યા અને જ્યાં દેવાયત પંડિતને રથ જોડીને લઇ જવા નીકળ્યા ત્યાં વચ્ચે રથનું પૈડું તૂટતા એ સંધાવવા બાજુના ગામમાં લુહાર શોધવા નીકળ્યા તે તેમને મજેવડી ગામે દેવતણખી નામે લુહાર ભક્ત મળ્યા.પણ એ કહે આજ તો હું કોડ નહિ ખોલું આજ એકાદશીનો અગતો છે,બધા કહે અરે ભગત ખેડૂતના કામ માટે અગતો હોય આ તો મહાસમર્થ પંડિતનું કામ છે એ આખા  કાઠિયાવાડમાં પૂજાય છે.
દેવતણખીને થયું એ ગમે તેવા પંડિત હોય એમાં મારે શું,હું આજ નહિ કામ કરું,આથી બધા દેવાયત પંડિતને જ દેવતણખી નામના લુહારને ઘેર લઇ આવ્યા તો  પણ દેવતણખી ટસના મસ ન થયા,તેથી અનેક વિનંતીઓ કરી અરે ધમકી પણ આપી દબાણ કર્યું પણ ન માન્યા.
પણ એક ઉપાયે દેવતણખીએ ચૂલ ચાલુ પેટાવી અને ધમણ દેવાયત પંડિત પાસે ખેચાવી અને રથના ધરાને લાલચોળ કરીને કહે લ્યો હવે કરો આના ઉપર ઘણનો ઘા,ત્યાં તો દેવાયત પંડિતને થયુ કે માળો એક સામાન્ય લુહાર મારી પાસે કેવી મજુરી કરાવે છે પણ શું કરવું,જ્યાં ઘણ ઉંચો કરવા ગયા ત્યાં એરણ જમીનમાં આપમેળે બેસી ગઈ માળું હવે શું કરવું ત્યાં તો દેવતણખી સમજી ગયા કે લ્યો આ ધરાને મારા ગોઠણ પર રાખી કરો ઘણનો ઘા.
આવી વાત સાંભળતા દેવાયત પંડિતને પોતાની પાંડિત્યનું અભિમાન ઓગળી ગયું અને તેમણે શરણાગતિ સ્વીકારી લીધી અને એ પછી ઘણના એક જ ઘા થી ધરીનો સાંધો થઇ ગયો ત્યારે દેવતણખીએ કહ્યું  જાવ સતીની ખોજમાં નાહરગઢ તરફ આગળ વધો,આ બીજો ચમત્કાર દેખાતા દેવાયત પંડિતે કહ્યું કે અરે આપને તો આ બધી વાતની ખબર છે તો એ કહો નાહરગઢ ક્યાં આવ્યું ત્યારે દેવતણખી કહે એ વાત જોવો સામે ઘોડિયામાં મારી બે વર્ષની પુત્રી છે એ કહેશે.આટલું જોતા તો દેવાયત પંડિત સાવ નરમ થઇ ગયા કે છે હો મારાથી પણ ચડિયાતા આ દુનિયામાં. હવે આ દેવાયત પંડિતની આગમવાણી પર એક નજર કરીએ.
પળીએ પાણી વેચાશે ઉકરડે દીવા બદલશે,
નારીઓ થાશે નઠારી જાડેજા જાળા ખોદશે,
કારડિયા કરમી કહેવાશે.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર