વાંસવડનો વીર વાણિયો ધોળો શેઠ


                     વાંસવડનો વીર વાણિયો ધોળો શેઠ
કાઠિયાવાડની ધરતી ઉપર મહમદ બેગડાની સતા આવીને આજુબાજુના નાના રાજ્યોને સરદારો અજગર બકરા ગળે એમ ગળવા માંડ્યા કે તેની પાસેથી મોટી મસ ખંડણી ઉઘરાવવા માંડ્યા ને એ યુગમાં બિચારા નાના રાજ્યોની એવી કોઈ તાકાત પણ નહોતી કે મગરમચ્છ જેવા સુલતાનો કે સરદારોની સામે ચુ કે ચા કરી શકે,આથી દરેક રાજ્યો સુલતાનો કહે તેમાં જ હા ની હા ને ના ની ના કર્યે જતા હતા પણ કોઈને એક બનીને આ સરદારોની સામે થવાનું સુજતુ જ નહોતું કે આપણા બાપના મલકમાં આ બીજેથી ચડી આવેલા સર્વેસર્વા થઇ ગયા.
પંદરમી સદીમાં વાંસાવડ ગામની સતા વીકા સરવૈયા પાસે હતી તે પ્રજાના હિતમાં સતા સંભાળીને શાંતિથી રહેનારા હતા પરંતુ મહમદ બેગડાની જીત પછીથી સોરઠમાં ક્યાંય શાંતિ રહી નહિ અને પવનવેગે વારંવાર સરદારો ખંડણી ખંડણી કરતા ચડી આવતા હતા જેમાં બિચારી પ્રજા રિબાતી હતી ને મુસલમાની ફોજથી તો ધરા પણ ધ્રુજી ઉઠતીને ઘોડાના ડાબલાના અવાજે ડુંગરાઓ પણ ડોલી ઉઠતા હતા.
આ સમયે સોરઠના સરદાર તરીકે ફાટેલ પિયાલા જેવા સલાબતખાનને નીમ્યો હતો તે આખા કાઠિયાવાડમાંથી ખંડણી ઉઘરાવવાનું કામ કરતો હતો.એક દિવસ સલાબતખાનની નજર વાંસાવડ ઉપર પડી અને તેણે પૂછ્યું કે શું ?હાંડા જેવું આ ગામ ખંડણી ઉઘરાવ્યા વગરનું છે માણસો કહે હા ખંડણીભરી જવા માટે કાસદ મોકલ્યો હતો પણ ત્યાંના દરબાર વીકા સરવૈયાએ વળતા સમાચાર દેવડાવ્યા કે આ વર્ષ દુષ્કાળનું છે મોલાત પાણી સારા નથી તો આ વર્ષની ખંડણી બાકી રાખો તો બહુ સારું બાકી તો તમારી પાનશેરી તો ભારે જ છે આવો જવાબ સાંભળી સલાબતખાનનું મોઢું રાતુંચોળ ઘોલર મરચા જેવું થઇ ગયું અને ખીજમાં ને ખીજમાં બોલ્યો કે શું અમે વાંસાવડમાં મોળું વર્ષ મોકલ્યે છીએ,ખંડણી તો ટાઈમે ભરવી જ પડે અને સાંભળી લ્યો કે કાલ સવાર સુધીમાં છાવણીએ ખંડણીની રકમ નહિ પહોંચી તો વાંસાવડને  ધમરોળી નાંખીશ અને ગાભા ચૂંથીને પણ ખંડણી લીધે પાર કરીશ.
સલાબતખાન  ખીજમાં ને ખીજમાં આવું બોલી તો ગયો પણ પછી તેને એક વિચાર આવે છે કે વીકા સરવૈયા પાસે ઠરેલ બુદ્ધિનો ધોળો શેઠ નામનો વાણિયો કામદાર છે એને પહેલા સાંચવી લીધા જેવો છે.આથી પોતે ચાલબાજી કરી અને ખંડણીના ઉઘરાણીના કાગળમાં લખ્યું કે આવતી કાલે સવારે કામદાર ધોળા શેઠને છાવણીમાં હાજર કરજો. એ પછી કાસદ મારતે ઘોડે વાંસાવડ પહોચ્યો અને વીકા સરવૈયાના હાથમાં સલાબતખાનનો હુકમ આપ્યો ત્યાં તો પેટનો દીકરો ગુજરી જાય અને બાપના મોઢે જેવી મેસ વળી જાય એમ એનું મોઢું પડી ગયું અને હાંફળા ફાંફળા થઇ ગયા અને કહે જલ્દી કામદારને બોલાવો જેવા કામદાર આવ્યા કે વીકા સરવૈયાએ કડક ભાષામાં લખાયેલા હુકમની વાત કરી અને કહ્યું કે જો આવું થાય તો મારું કુળ અને ખોડિયાર લાજે પરંતુ વાણિયો શેઠ ચપળ અને હોશિયાર હતો તો એને કહ્યું  બાપુ શું કઈ હું જીવતો બેઠો હોઉં અને કોની મજાલ છે એ વાંસાવડની પ્રજા ઉપર હાથ ઉગામે તો તો પછી ઇ ટાણે મને પણ મોતને વ્હાલું કરતા આવડે જ છે હો.બીજે દિવસે સવારે લંગાળા ગામની પાદરની સલાબતખાનની છાવણીએ ધોળો શેઠ પહોચી ગયો અને જોવે છે ત્યાંતો કેટલાય આરબો,મકરાણીઓ ફાટી આંખે બેઠા છે એવા તો એ જોરાવર છે કે એને જોનાર માંથી એનું અડધું બળ હાલ્યું જાય,આ લોકો ધોળા શેઠને બરાબર ચકાસી ચકાસી સલાબતખાનની પાસે લઇ ગયા અને સલાબતખાનને ધોળા શેઠે કુરનીશ બજાવી કહ્યું કે હું જ વાંસાવડનો કામદાર સલાબતખાન હસ્યો ઓહ તમે ધોળા શેઠ અરજ કરવા આવ્યા કે ખંડણી ભરવા આવ્યા ધોળા શેઠે દુષ્કાળની અને ખંડણી મોકૂફ રાખવાની ફરીવાર વાત કરી અને કહ્યું સલાબતખાનજી તમારે તો આખું સોરઠ  ઘેર છે,જયારે અમારે તો વાટકીમાં શિરામણ હોય,સલાબતખાન કહે ઇ મારે કઈ સાંભળવું નથી અને તમારે તમારા ઉપર કઈ વિશ્વાસય રાખવો નથી સાંભળી લ્યો આજે જ વાંસાવડ ઉપર મારા સૈનિકો ચડી ચુક્યા છે અને તે વસુલાત કરીને પાછા વળશે.આવું સાંભળતા તો ધોળા શેઠને એકદમ ઝાટકો લાગ્યો કે શું મારે જીવતે જીવ વાંસાવડ લુંટાશે પણ વાણિયાએ મોઢાની એકપણ રેખા ફરવા ન દીધી અને કઈક રસ્તો શોધવા વિચારે ચઢ્યો અને સલાબતખાનને કહે છે,નામદાર આપ તો મોટા રાજના ધણી છો અમારી વસ્તીની ઉપર સારું વસ્ત્ર પણ નથી અને તમને કઈ વિચાર થાય છે તે આમ બળજબરી પૂર્વક ખંડણી ઉઘરાવવા નીકળો છો,સલાબતખાન કહે અમે કઈ એવી દયા કે પરિસ્થિતિ કે ગરીબીને સમજીએ નહિ આ બધું તમને વાણિયાને સોંપ્યું.
સલાબતખાનનો આવો જવાબ સાંભળી ધોળા શેઠ કહે ઠીક તો હવે હું રજા લઉ ત્યાં તો સલાબતખાન ખડખડાટ હસવા લાગ્યો કે હું શું મૂર્ખો છું કે તને અત્યારે વાંસાવડ જવા દઉ અને અત્યારે વાંસાવડમાં તું નથી તો મારી ફોજ શાંતિથી લુંટશે.
ધોળા શેઠે પહાડ જેવડો નિસાસો નાંખ્યો અને બોલ્યો કે હટ ભૂંડા આમ દગો કરવો હતો ને સલાબતખાનની આંખ મંડી લાલચોળ થવા અને મુસલમાની લશ્કરને માંડ્યો ભાંડવા કે આવા દગાખોર નીવડશો એવી ખબર નહોતી.
સલાબતખાન વાણિયાનો ગુસ્સો પારખી ગયો અને પઠાણોને કહ્યું જલ્દી પકડી લ્યો આને એટલામાં તો વાણિયાએ પળવારની પણ ચૂક પાડવા દીધા સિવાય સલાબતખાનના અંગરક્ષકની તલવારની ઝપટ મારીને પડાવી લીધી અને સલાબતખાનના ગોરા ગોરા ગળા ઉપર રાખી દીધી અને કહ્યું કે કહી દે તારા માણસોને ત્યાં જ ઉભા રહે નહીતર આ તારા મોતની વાટ જોતી આ સગી નહિ થાય ત્યાં તો સલાબતખાનને પરસેવો છૂટી ગયો અને મોત સામે ઘુમરીયું મારતું દેખાણું એટલે સલાબતખાને બધા માણસોને હટી જવા કહ્યું અને છાવણીના બધા માણસો જોતા રહ્યા અને કામદાર સલાબતખાનને આગળ આગળ ચલાવતો રહ્યો અને છાવણી બહાર જ્યાં પોતાનો ઘોડો બાંધ્યો હતો ત્યાં ઘોડા ઉપર બેસી સલાબતખાનને ધક્કો મારી બંદુકની નાળમાંથી ગોળી છૂટે એમ છુટી ગયો.થોડીવારમાં મારતે ઘોડે વાંસાવડમાં આવ્યો ત્યાં તો વાંસાવડમાં કાળી નાગણીયુ જેવી તલવારો સામસામે અથડાય રહી છે એવામાં ગામ લોકો ધોળા શેઠને આવતા જોઈ ગયા,બીજી બાજુ ધોળા શેઠનો ભાઈબંધ જેઠો કુંભાર પરણીને આવતો હતો અને હજુ ગાડા હેઠો ઉતર્યો ન હતો તે પણ પોતાના ગામને લુંટાતું જોઈ તાજી પરણેલ કુંભારણને આવજો કહી તલવાર લઇને મળ્યો.વાંસાવડની બજારમાં લડવા બધાએ જેઠાને ખૂબ વાર્યો કે તું પાછો વળી જા તારા હાથે હજુ મીંઢોળ છુટ્યો નથી અને ધોળો શેઠ જેઠો કુંભાર બેય સામસામે આવી ગયા,જેઠાએ કીધું ધોળા શેઠ આજ તમને મૂકી ને ભાગું તો આ ભોમકા લાજે અને મેં પણ આ વાંસાવડનું જ પાણી પીધું છે હો.થોડી જ વારમાં જેઠા કુંભાર,ધોળા શેઠ અને ગામ લોકોએ મળીને મુસલમાની ફોજના માથા વાઢી લીધા પણ એક વિકરાળ મકરાણીની તલવારે ધોળા શેઠનું માથું વાઢી લીધું પણ ધોળા શેઠે ગામને લુંટાતું જરૂર બચાવી લીધું.
નોંધ આજે પણ વાંસાવડના પાદરમાં ધોળા શેઠનો કોઠો કહેવાય છે ત્યાં ધોળા શેઠ પડ્યા હતા અને ધોળા શેઠની પાછળ જીભની માનેલ ચારણ બાઈ આઈ રાજબાઇએ માથા પછાડીને પોતાના ભાઈ પાછળ જીવ આપી દીધો,આ ધોળા શેઠના પરિવારજનો મુંબઈમાં ગોડા અટકથી વિખ્યાત છે.
કથા બીજ સૌજન્ય – લખુભાઈ ગઢવી જૂનાગઢ

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર