વાલો કેસરિયો – ડૉ. પ્રદ્યુમ્ન ખાચર


વાલો કેસરિયો ડૉ. પ્રદ્યુમ્ન ખાચર
ઘોડાનો એક સોદાગર કેવો કરમી અને ધરમીને દયાળુ  નીકળ્યો તેની વાતના મંડાણ કરવા છે જેનું નામ છે વાલો  કેસરિયો, જેનું મૂળ વતન તો હતું ઇડર પણ કાઠિયાવાડમાં તેના મામાને ત્યાં વસીને ઠરી ઠામ થયેલ.,ઘોડાની વિવિધ જાતો અને ઘોડાની તમામ બાબતોનો એવો તો માહેર કે તેણે જે ઘોડાની પરીક્ષા કરી હોય કે કિમત આંકી હોય તેમાં એક દોરાવાય ફેર ન પડે.
જેના પૂર્વજો તો કાઠિયાવાડ અને રાજસ્થાનને પણ ઘોડા પુરા પાડતા હતા,વાલા કેસરિયાનો વેપાર મોટે ભાગે ગાયકવાડ સરકારના તાબામાં જ ચાલતો હતો,ઘોડાઓ ખરીદે પણ કોણ કે જેના બાવડામાં બળ હોય? કઈ નમાલા કે માય કાંગલા  ઘોડા ન ખરીદે ?એથી ઘોડાના વેપારમાં તો ખૂબ જ જાગૃતિ રાખવી પડેને ક્યારે કોને અને કેમ ખોટું ન લાગી જાય એ બધું જોવું પડે પણ એ બધું જોતા જોતા પણ એક દિવસ વાલો કેસરિયો છેતરાય ગયો અને તેના ૨૬૦૦૦ રૂપિયા સલવાય ગયા કેમેય કરીને રૂપિયા આવે નહિ ત્યારે આખરે વાલા કેસરિયાએ પોતાના કુળદેવી ચામુંડામાતાને માનતા કરી કે જો માડી મારા રૂપિયા પાછા અપાવે તો તારા ચોટીલાના ડુંગરે માથે જે ખુલ્લા ફળા છે ત્યાં મંદિર ચણાવું અને જયપુરની મૂર્તિઓ સ્થાપુ.જેવી વાલા કેસરિયાએ આ માનતા કરી કે તરત જ માતાજીએ જાણે કે તેનું કામ હાથમાં લીધું અને એ સમયે જ વાલા કેસરિયાને વડોદરાનું તેડું આવ્યુ કે તમે અશ્વ વેચાણના તમામ ચોપડાને પુરાવા લઈને હાજર થાવ.
વાલો કેસરિયો તો ગયો વડોદરાને ત્યાં કચેરીમાં વાલા કેસરિયાએ પોતાના અશ્વના વેચાણના પાઈએ પાઈ નો હિસાબ કિતાબ રજૂ કરીને સાબિત કર્યું કે મારા રૂપિયા બાકી છે જ .
આટલું સાબિત થતા તરત જ ગાયકવાડ સરકારે ચૂકવી આપવા હુકમ કર્યો અને મોટી રકમ હોવાથી સીબંધીના માણસોના પહેરા હેઠળ વાલા કેસરિયાના ડેરા તંબુએ રકમ હેમખેમ પહોચાડવામાં આવી.
આ ઉઘરાણી અને કોર્ટ કચેરીના કામ વખતે વાલો કેસરિયો એક એવી ઘટનામાં આવ્યો કે તેનાથી તેનુ  જીવન  જ વગવાળું અને કાઠિયાવાડના દેશી રજવાડામાં માન મોભાવાળું થઇ પડ્યું ને તેનો પડ્યો બોલ રાજા રજવાડાઓ જીલવા માંડ્યા હતા.
એ ઘટના એમ બની હતી કે જયારે વાલો કેસરિયો વડોદરા હતો ત્યારે તેને એક આરબ જમાદાર સાથે ઓળખાણ થયેલીને ત્યાં જ વાલા કેસરિયાની બેઠ ઉઠ રહેતી હતી એવામાં એક દિવસ આરબ જમાદાર એક વિધવા બાઈને ખખડાવે છે કે જેના ઘણી દેવાજીએ આ આરબ પાસેથી વ્યાજે પૈસા લીધેલ ને તે મરી જતા તે ન ભરાતા આરબ તો ઉલાળા મારે છે કે મારે પૈસા જોઈએ હું બીજું કશું ન સાંભળું,બાઈ બિચારી કે અરે આ મારો છોકરો ભણે છે ને ખર્ચા જાજા છે આવક નથી પણ કાલ સવારે દીકરો ભણીગણીને મોટો થાશે પછી તમારા સવાયા પૈસા ભરી દઈશું એની ના નથી.પણ વ્યાજ વાળા આવી કાકલુદી તે શેની માને.આરબના મગજમાં બાઈની કાકલુદીની જરાય અસર થતી નથી પણ ત્યાં કાઠિયાવાડનો દયાળુ અને બીજાના દુઃખને પોતાના સમજનારો અને પરગજુ એવો આ ચારણ વાલો બોલ્યો કે એલાવ આ બાઈ કોઈ ખાનદાન કુળની લાગે છે હો એ તો તમે જુવો.
ત્યાં તો આરબનો મગજ વધુ ફાટ્યોને કહે એલા પરદેશી તું શું આમાં વચમાં ડાહ્યો થા છો જો તું દાતાર અને દયાનો સાગર હો તો તું જ તેનું લેણું ભરી દે લે .આરબના આવા અવળા વેણ સાંભળતા તો વાલા કેસરિયાના મગજમાં કડાકો બોલ્યો કે તો હા લે તો જ એ મારી બેન માનીને પૈસા ભરી દઉં પણ તારી આ લૂલી બોબડી જબાનને તાળું માર તો બસ છે.એમ કહી તરત જ પોતાની વાંસળી છોડીને તેમાંથી ખણખણાટ કરતા પેલી વિધવા બાઈના પૈસા આરબને ચૂકવી દીધા. આ પૈસા ચૂકવાતા પેલી બાઈતો જોઈ જ રહી કે શું ભગવાને આ ચમત્કાર કર્યો કે હું આ અજાણ્યો માણસ આપણા પૈસા આ રીતે ચૂકવી દયે.
આરબ અને વાલો કેસરિયો તો કાવા કસુંબા લઇ છુટા પડ્યા પણ બાઈ શેરીના નાકે રાહ જોઇને ઉભી હતી કે હમણાં મારો ભાઈ નીકળે ને તેના હું ઓવારણા લઉં.જેવો વાલો નીકળ્યો કે બાઈએ હડી કાઢી દોટ મૂકીને તેની પાસે આવી આંખ માંથી શ્રાવણ ભાદરવો વહેવડાવવા લાગી કે અરે મારા વીરા તમે તો આજ મારી લાજ રાખી,મારા ઘણીનું લાંબુ ગામતરુંને આ છોકરો નાનો ને મારી ભીડ તમે પૂરી આપી.
તો તમે મને તમારું સરનામું આપો આ પૈસા મારો છોકરો મોટો થયે ધંધે ચડ્યે હું જરૂર ચૂકવી દઈશ. વાલાએ ઘણી આનાકાની કરી કે ના બેન મારે પૈસા પાછા લેવા નથી પણ છતાં બાઈ ન માની તો વાલાએ રેશમિયાનું સરનામું એક ચબરખી પર લખી દીધું.
પણ માણસ કહે છે ને કે કોઈનું રાખ્યું મેલ્યું કદી અફળ જતું જ નથી ને તે જરૂર કામ આવે જ છે ને બન્યું એવું કે એ વિધવા બાઈનો દીકરો તો ભણી ગણીને વડોદરા રાજ્યના  અમરેલી પ્રાંતનો સુબો બન્યો.
એ સુબો એટલે પ્રખ્યાત વિઠોબા દેવાજી કે જેની નિમણુંક અમરેલી પ્રાંતના સુબા તરીકે થઇ ત્યારે તો કાઠિયાવાડમાં સોપો પડી ગયો કે અરર વિઠોબા આવે છે એવો કડક અને ઠાવકો માણસ.
વિઠોબાને એક દિવસ તેની ઘરડીમાં  બોલાવીને કહે છે કે બેટા તને ખબર છે કે તું અહી સુધી ભણીગણી કેમ પહોચ્યો એમ કહીને આખી વાત માંડે છે ત્યાં તો કાળજાળ સુબાની આંખમાંથી  દડદડ આંસુડા પડી ગયા કે શું વાત છે માં આવો પરગજુ માણસ એ કાઠિયાવાડનો હતો,તો તો હું એને આકાશ પાતાળ માંથી શોધીને આપણું ઋણ ઉતારીશ,ત્યાં તો માં એ પોતે સાચવી રાખેલ વાલા કેસરિયાનું સરનામું આપ્યું કે લે આ તેનું ગામ ને નામઠામ.
આથી વિઠોબાએ તો તરત જ પોતાના લાવ લશ્કરને હુકમ કર્યો કે ચલો પંચાળમાં ચોટીલા જવાનું છે,આવ્યો પડાવ ચોટીલાને ચાર દફેદારને રેશમિયા વાલાને તેડવા મોકલ્યા પણ એ રીતે કે જાણે કોઈને એમ જ થાય કે આ રીતે વાલાને હાજર થવાનું ફરમાન કાં. તેડવા જનારા બિચારા આ દફેદારોને કોઈ વાતની ખબર નથી કે વિઠોબા આને શું કામ તેડાવે છે તે તો બિચારા રેશમિયા ગામમાં જઈ ડંડા પછાડે છે ને બોલે છે કે ક્યાં ગયો વાલો કેસરિયો.
ત્યાં તો વાલો કેસરિયો સામે જ આવતા વેત જ એની આભા અને ચહેરાનો દેખાવ અને વિવેકથી દફેદારો અંજાય જ ગયા કે ના હો આ તો કોક રુઆબદાર માણસ છે.દફેદારોએ કહ્યું કે આપને ચોટીલા થાણે વિઠોબા સુબા બોલાવે છે ઘડીક તો વાલો વિમાસણમાં પડી  ગયો કે મને વળી શું કામ બોલાવે ?પણ થયું ચાલોને મોટા માણસ બોલાવે તો જવું જોઈ જે હોય તે,આવ્યા બધા ચોટીલા બન્ને ની મુલાકાત થઇ સુબો કહે તમે જ વાલા ખીમા કેસરિયા,વાલાએ ખૂબ જ આદરથી કહ્યું હા સાહેબ એ જ હું છું.ત્યાં તો વિઠોબાએ સામેથી દોટ મૂકી વાલાને બથમાં લઇ લીધોને ભેટી જ પડ્યોને આંખ માંથી અશ્રુની ધારા વહેવા લાગી  કે અરે ચારણ તમે તો મારા ભગવાન છો તમે હતા તો જ હું અહી પૂગ્યો એમ કહીને પોતાની માના  પૈસા તેણે ભરી દીધા ની વાત કરી,વાલો કહે અરે મેં તો મારી બેન માનીને નાની એવી કાપડાંની  કોર જ આપી હતી તેને બહેને આટલા વર્ષે યાદ રાખીને ખુદ તમે પણ તેનો ખોળો શોભાવનાર નીકળ્યાને મને અહી સુધી સામે ચાલીને મળવા આવ્યા તે મારા માટે તો સદભાગ્ય અને રખાવટ અને સંબંધોના ઇતિહાસની વાર્તા સમાન ગણાય.
આ પછી તો વાલા કેસરિયાને અમરેલીના સુબા સાથે ગાઢ પાકા સંબધો બંધાયેલાને કાઠિયાવાડના અનેક રજવાડાના આંટીઘુંટીવાળા સંબંધો વાલો કેસરિયો વચે પડીને ઉકેલાવી આપતો જેમકે આણદપુરના વિસામણ ખાચર અને બીજા દરબારોને પેશકસી ન ભરાવાને લીધે બાન પકડી અમરેલી લઈ ગયેલા ત્યારે  ભારા નાગેયા નામના ચારણે વાલા કેસરિયાને કહી તેની ભલામણ થતા દરબારોને છોડી મૂકવામાં આવેલ,આથી આણદપુર દરબારે ભારા નાગેયા ચારણને ૪૦૦ વિઘા જમીન ઇનામમાં આપી પણ એ રખાવટવાળા ચારણે ન સ્વીકારી મિત્રતા અને દરબારનું માન જાળવ્યું કે બાપુ આપ તો અમારા રાજા છો મારે આ ઇનામ આ રીતે ન લેવાય.
વાલા કેસરિયાને તો પછી કાઠિયાવાડની પેશકસીઓ ઉઘરાવવાનું પણ કામ ગાયકવાડ સરકારે સોંપેલ ને તેને ગરણી ગામ અઘાટ આપવામાં આવ્યું હતું.
 વાલા કેસરિયાનું પછી એવું જબરું માનપાન અને સ્થાન કાઠિયાવાડમાં થઇ પડતા નવાનગરને ખટક્યું અને નવાનગર વાલો પેશકસી ઉઘરાવવા ગયો ત્યાં જામ તરફથી દગો કરવામાં આવ્યોને તે અદ્ધકચરો થઇ ગરણી આવ્યો અને ધીમા ઝેરને કારણે વાલાનું મૃત્યુ થયું પણ તેની આ બધી વાતો ઈતિહાસને પાને અને લોકમાનસમાં કાયમ રહી ગઈ.ચોટીલાના ડુંગર પર માતાજીનું મંદિર અને ચોટીલાના કાળાસર પાસે ઠાગનાથ મહાદેવનું મંદિર વાલા કેસરિયાએ બંધાવેલ  છે. :  સૌજન્ય મૂળુભાઈ પાલિયા







Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર