હલામણ જેઠવા અને સોનરાણી


                          હલામણ જેઠવા અને સોનરાણી
એક કાળે બરડા પંથકમાં જેઠવાના સમયમાં ઘૂમલી રાજધાનીનો દરરજો ભોગવતું હતું, ઘુમલી માટે સાહિત્યકારો તથા ઈતિહાસકારોએ અનેક શબ્દો પ્રયોજ્યા છે જેમકે ગુલ્મિકા,ભૂમિલીકા,ભૂતાબીલિકા,ભુમલી,ભૂમૃતપલ્લી,ભૂતાંમ્બલી વગેરે.એ ઘુમલીના એક  જેઠવા રાજકુમારની આજ અહી વાત કરવી છે એ યુગમાં રાજકુમાર અને રાજકુમારી કેવી બુદ્ધિમતાથી એકબીજા એકબીજાની પસંદગી કરતા હતા,ને એકબીજાની શક્તિનું માપ કાઢીને પરણતા હતા. 
        હલામણ જેઠવા એ ગજકર્ણ જેઠવાના પુત્ર હતા અને તેને શિયાજી જેઠવાએ પાલક પુત્ર તરીકે રાખેલને હલામણ જેઠવાને બાલંભાના રાજાની ચતુર અને સ્વરૂપવાન વિદ્વાન રાજકુંવરી પરણવાની હતી.
        એ સમયે ભલે જયારે રાજકુમાર ને રાજકુમારીઓ એકબીજાને જોઇને મળીને,ઓળખીને લગ્ન નહોતા કરતા પણ એ સમયે એક એવો સરસ ઉમદા રિવાજ હતો કે રાજકુમાર કે રાજકુમારી એવી કોઈ યુક્તિ કે પ્રયુક્તિ કે પંક્તિઓ કરતી કે એને જે યોગ્ય રીતે પૂર્ણ કરી શકે સમજી શકે તેની સાથે જ પોતે પરણશે નહિતર એ કુંવારા રહેશે.
         બાલંભાની કુંવરી સોનરાણીએ એક પદ લખીને બારોટો મારફત દેશ પરદેશ મોકલ્યું હતું અને કહ્યું કે આનું બીજું પદ જે પૂરું કરી શકશે તેની સાથે પોતે પરણશે,બાકી નહિ પરણે.આ પદ આખા કાઠિયાવાડને ગુજરાતના રાજદરબારમાં બારોટોએ મોકલ્યું  ત્યારે ઘુમલીના હલામણ જેઠવાએ સોનરાણીનું એ અધૂરું પદ પૂરું કરી તેની પ્રતિજ્ઞાને જીતી તેનું દિલ પણ સાથોસાથ જીતી લીધુ.
સોનરાણીને હલામણ જેઠવાએ સોરઠો પૂરો કરતા તેની જ  સાથે પરણવું હતું પણ વચ્ચમાં કૈક બદલાય ગયું ને આ સમયે હલામણના કાકા શિયાજી જેઠવા સોનરાણીના રૂપથી મોહિત થયા અને પોતે સોનરાણીને પરણવાની ઈચ્છા કરી અને આ પદ પોતે પૂરું કર્યું છે એમ કહેવડાવ્યું પણ સોનરાણી તો હોશિયાર હતી એમ થોડી છેતરાય,આથી સોનરાણીએ બીજું પદ મોકલ્યું એ શિયોજી પૂરું ન કરી શક્યા,આથી સોન શિયોજીને નહિ પણ એ પદ પ્રુરુ કરનાર હલામણ જેઠવાને જ પરણવાનું નક્કી કરે છે.
        સોનરાણીએ જે પદ રચી તેને પૂરું કરવા માટે આહવાન આપી બારોટને દેશદેશાવર મોકલેલ તે પદ એમ હતું કે
ઘડવણ ઘડ્યા એરણ આભડ્યા નહિ.
જેનો ભાવાર્થ એમ થાય છે કે એવી કઈ ચીજ છે કે જેને એરણનો સ્પર્શ થયો નથી તેમ બીજી કોઈ પણ રીતે ઘડાયા નથી છતાં ઘડેલ જેવા લાગે છે.આ પદનો જવાબ હલામણે મોકલ્યો તે એમ હતો કે
                      સરવણ સ્વાત તણા મળે તો મોતી નીપજે.
જેનો અર્થ  છે કે તે ચીજ મોતી છે અને તે સ્વાતી નક્ષત્રમાં ઝીણો વરસાદ પડે તો નીપજે છે.
આ ઉપરાંત સોનરાણીને  શિયાજી એ આ સોરઠાના જવાબો મોકલ્યા એમ કહ્યું  ત્યારે જે સામા સોરઠા રચી એના જવાબો પૂછ્યા હતા એ આ પ્રમાણેના હતા.
શિયા સરોવર દેખાડ,જ્યાં પાણી કે પાળ નહિ,
પંખી વળીયા ડાળ,તાસ તણે કોળાબડે
જેનો અર્થ એમ થાય છે કે જ્યાં પાણી નથી તેમ જ પાળ નથી એવું કયું સરોવર છે જેને કાંઠે ઉગેલા ઝાડની ડાળો પર પંખીઓ ઝૂલી રહ્યા છે. જવાબ- કાન અને તેમાં રહેલી તોટી.
ચાર પગો ને ચોસલો,નરને નામે નામ,
અમે મંગાવું જેઠવા,હોય તમારે કામ.
જેનો અર્થ જેને ચાર પગ અને ચોરસ આકાર છે ને તે નર જાતિનો શબ્દ છે,હું તે વસ્તુ મંગાવું છું કેમ કે તે આપણે વિવાહમાં કામની છે. જવાબ –બાજોઠ
અધ સુકું અધ લીલું,ત્રાંબાવરણું જેહ,
અમે મંગાવું જેઠવા,આણીને આપો એહ.
જેનો અર્થ કે જે વસ્તુ અર્ધી લીલી અને અર્ધી સૂકી છે ને જેનો રંગ તાંબા જેવો રતાશ પડતો છે હે જેઠવા રાણા હું મંગાવું છું તે તમે મંગાવી આપો. જવાબ –નાળિયેર.
માથું ફોડે નાં મરે જેની આંખ ફોડે જીવ જાય,
અમે મંગાવું જેઠવા જળમાં પેદા થાય.
જેનો અર્થ કે જેનું માથું ફોડવાથી નહિ પણ આંખ ફોડવાથી મરે છે અને વળી જળમાં પેદા થાય છે હે જેઠવા રાણા અમે એ મંગાવીએ છીએ.જવાબ –શેરડી.
જયારે સોનરાણી આ ખોટા જવાબો જાણી ગઈ અને શિયાજી સાથે ન પરણી ત્યારે શિયાજીએ હલામણને  દેશવટો દેતા એ તો મોઢું લાલ રાખી ને વિયોગી હૈયે સિંધમાં જતા રહ્યાને  રાજપૂતો ને તો અનેક રાણીઓ હોય એમ માનીને  સોનરાણીને ભૂલીને  ત્યાં દેવળદેવી સાથે પરણ્યાને તેનાથી બે સંતાનો થયા,બીજીબાજુ દેશવટાને સાત વર્ષ થયા ત્યાં શિયાજી જેઠવા મૃત્યુ પામતા હવે સોનરાણી ઉપરથી બંધન ગયું અને એ સ્વતંત્ર થયા ત્યારે એ પોતાના મનના માણીગરને શોધવા નીકળી પડ્યા ને જોતજોતામાં હલામણને સોનરાણીએ સિંધ માંથી શોધી કાઢ્યા ને જેને પાછા ઘુમલી લાવીને રાજગાદીએ બેસાડ્યા ને આ એક સાચા પ્રેમનો અને વિદ્વતાનો વિજય એક નારીએ કર્યો.
        સોનરાણી અને હલામણનાં આખરે લગ્ન થયા અને સોનરાણીએ હલામણ જેઠવાને વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં વરમાળા પહેરાવી ત્યાં તો એને ચારે કોઠે દીવા થયા કે આહા આ તો શું સ્વરૂપવાન છે ને ત્યારે હલામણ જેઠવાને માટે તે મનમાં જ બોલી ઉઠી કે
 નવરો દીનોનાથ, હરખે હલામણ ઘડ્યો,
તે બેઠો  પાસ,બહોતેર બરડાનો ધણી,
મોતીની માળા હૈયે તારે હલામણ,
કંકોળેલ કાયા,જુવાની તારી જેઠવા,
એક છે ઇન્દ્ર રાજિયો,બીજો માધવ જાણ,
ત્રીજો હલામણ જેઠવો,વેણુ ધણી વખાણ,
આંગળીએ ચોગઠ વળે,નહિ વેઢો કે વળ,
કેમ વખાણું રૂપ હું,જાણે માધવ નળ.
        સોનરાણી અને હલામણ જેઠવાની વચ્ચે બોલાયેલા કેટલાક સોરઠા આજે વાંચતા એ યુગના એક પ્રેમી યુગલના ભાવ અને સમજ શક્તિ ને બુદ્ધિમતા ઉપર આફરીન થઇ જવાય છે કે એ સમયે કેવા કેવા ભેજા કામ કરતા હશે અને વગર શાળા કોલેજ કે વિશ્વ વિદ્યાલય માં ગયા વિના આવું વર્ણનને  એ ભાવો વ્યકત કરી શકતા હતા.
વ્હાલા વિજોગી વાંસ,અહી શે અવગુણે અપાયા,
ભણને ભોમનો ભ્રાત,સંદેશો કઈ સોનનો,
અસુરો ઉભો પરખાણો,હલામણ મારું નામ,
ગજ્કરણનો બેટડોને,ઘુમલી મારું ગામ,
હલામણ હિલોળ,હવે દુઃખના દરિયા છલ્યા,
અમારી પાંજરકી પરોળ,વિષમશી વેણુના ધણી,
હૈયે હુતિ હામ,જાણે સુખડા માણશું,
પણ કરમે કાળો પહાણ,ભૂખરો હોય તો ભાંગીએ
પછી તો હલામણ જેઠવા અને સોનરાણી ઘુમલીના ગાદીપતિ બન્યા,પછી તેણે પ્રજાને એવી પાળી પોષી ને સુખી કરી ને સોન અને હલામણના નામે ઇતિહાસમાં પ્રસિદ્ધ બન્યા.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર