કાઠિયાણીના વેરના વળામણા-ડૉ.પ્રદ્યુમ્ન ખાચર


  કાઠિયાણીના વેરના વળામણા 
                                                  ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
           ગારિયાધાર એનું જુનું મૂળ નામ ધારપર.એમાં ભોજરાજાની લગોલગ ઉભો રહે તેવો રાજા નોંધણજી રાજ ભોગવીને હિલોળા કરે છે.દાતારી વીરતા,ઉદારતા તો મોરલીધરે તેનામાં ઠાંસીઠાસીને એવી ભરી છે કે તે કયાય પાછા પડે તેમ નથી.
      એક વખત અકડેઠઠ કચેરી જામી છે એવામાં ચારણ કવિ ઈસરદાનજી આવ્યાને તેણે તો માંડ્યા એક પછી એક દોહા કહેવા માંડ્યા ત્યાં તો નોંધણજીને ફોર્યું ફાલવા લાગીને ૧ હજાર કોરીનું દાન કર્યું ત્યારે ચારણ મહાત્મા કહે અરે રાજન હું આવું દાન લાખપસાવ સિવાયનું લેતો નથી,તો નોંધણજી કહે અરે કાલે લાખપસાવ પછી કંઈ બોલો. રાજપૂતની ટેકને તો ભગવાન પણ મિથ્યા ન કરી શકે હો ?
      પરતું સામે બેઠેલ કામદાર લાખપસાવના દાનનું નામ સાંભળી ઢીલોઢફ થઇ ગયો ને ધોતિયું ઢીલું થઇ ગયું કે મારો રાજા લાખપસાવ કાઢશે કયાંથી ?કામદારે ઘણી આંખો કાઢી ડોળા કાઢ્યા પણ એ રાજપૂતનો દીકરો એ વાણિયાથી ડરે ખરો .
      જયારે કવિરાજ ગયા ત્યારે નોંધણજીને તેમના કામદાર મળ્યા કહે બાપુ લાખપસાવમાં તો હાથી દેવો પડે એતો આપડી પાસે નથી ને આપ કયાંથી કાઢશો ? અરે કામદાર એમાં મુંજાણા છો શું ? આપડા મિત્ર કાઠી બાપુ ખેરડીના લોમા ખુમાણની ગજ્શાળામાં બાવન હાથી ઝૂલે છે ત્યાંથી લઇ આવશું બસ. કામદાર કહે અરે બાપુ જેવી આપની મરજી રાજાને તો અમારાથી બીજું કઈ કેવાય નહીને ?
      નોંધણજીના મોટા કુંવર અરજણજીને બીજા દિવસે ખેરડીના લોમા ખુમાણને  ત્યાં હાથી લેવા મોકલ્યા.તે ખેરડી પહોચ્યા તો ખરા પણ લોમા ખુમાણ હાજર નથી તે ગામતરે ગયા છે તો હાથી છોડી જવાનો હુકમ કોણ કાઢે? અરજણજીએ  મહાવતોને ધાકધમકી આપી કે છાનામાના બે હાથી કાઢી દયો નહીતર મુંડા લાલ કરી દેશું.હાથી તો આ રીતે અરજણજી હાંકી આવ્યા પણ એ વાતની તેણે પિતાને વાત કરી તો કહે વાંધો નહિ લોમાકાકાને તો આપડે મનાવી લઈશું.
      જયારે બીજે દિવસે હાથી આવ્યા બાદ ઈસરદાસજીને લાખપસાવના દાન દેવાતા કવિઓ બિરુદો  દેતાને બિરદાવલી ગાતા થાકતા નથી.એ પછી બીજે દિવસે ઈસરદાસજી પોતાના ગામ જવાસિયા પાછા આવ્યા ત્યાં પણ આ લાખપસાવની વાત માંડતા ત્યાના ભીમસિંહજીની કુંવરીએ મનોમન નક્કી કરી નાખ્યું કે પરણું તો નોંધણજીને જ બાકી કુંવારી  રહું.
      પેલી બાજુ બળુકો,જોરાવરને જેનાથી પૂરું ગુજરાત અને મુઘલોને સુલતાનો  પણ ધ્રૂજી ઉઠતા હતા એવો લોમો ખુમાણ ગામતરેથી ઠાલે હાથે પાછા ફરતા એક તો મનમાં ખીજને રોશ ભરેલોને એમાં  આ રીતે બે હાથી લઇ ગયાનું સાંભળતા તો તેના મગજમાંથી ધુવાડા નીકળવા માંડ્યાને પોતાની વીસ હજારની ફોજને સાબદી કરીને સીધો ઘેરો ઘાલ્યો ધારપરને.
      રાજપૂતો લોમા સામે સામી છાતીએ લડ્યા પણ ફાવ્યા નહિને લોહીની નદીઓ વહેવા લાગી. લોમાની ઇગોરશાહપીરના આશીર્વાદ વાળી તલવારે નોંધણજીના સાત કુંવરોના માથા વાઢીને ભેગા કર્યા નોંધણજી ના બધા રાણીઓએ કુવામાં પડી જૌહર કરી રાજપૂતાણીના ખોળિયાને શોભાવ્યું.
        આ સમયે નોંધણજીને નર્બદ પાંચાળીયે સલાહ દીધી કે બાપુ હવે ભાગો ત્યારે વગર વિચાર્યે ભાગ્યા તો ખરા પણ અડધા રસ્તે વિચાર આવ્યો કે કદી રાજપૂતનો દીકરો પીઠ બતાવી ભાગે ?અને ત્યાં ગળે તલવાર ચલાવવા ચકમકતી કાઢી ત્યાતો નર્બદ પાંચાળીયે તલવાર પકડી લીધી કે હં હં બાપુ આ શું કરો છો. આમ  હોય મોર હશે તો પીંછા આવશે જ . આથી નોંધણજીએ પ્રાણ ત્યાગ ન કર્યો અને ગારીયાધાર છોડીને હાલી નીકળ્યા છે .
        બરાબર આ સમયે જ્વાસીયાના ભીમસિંહજીના કુંવરી રૂપરૂપનો અંબારને  ગુણનો ભંડાર હોવાથી દેશદેશાવર માંથી માંગા આવવા માંડ્યા પણ કુંવરીએ પ્રતિજ્ઞા લીધેલી કે પરણું તો નોંધણજીને જ .
        ખૂબ રાહ જોઈ નોંધણજીની તો રાજકુમારી વધુ હાંફળી ફાફળી થઇ બીજી પ્રતિજ્ઞા કરી કે છ મહિનામાં હવે નોંધણજી ન મળે તો તેના પૂતળાને ખોળામાં લઇ સતી થઇ જઇશ. આમાં બનવા કાળે બન્યું એવું કે એક દિવસ રાજકુંવરી શિવ મંદિરે ગઈ છે ત્યાં દાસીને ઠેસ વાગતા દાસી બોલી ઉઠી કે મરે મારો પીટ્યો નોંધણજી.
આટલું સાંભળતા તો બાવાએ ફટાક કરતા દાસીને ધોલ ખેચી કાઢી આ વાતની કુંવરીને ખબર પડતા તે કળી ગઈ કે તે જરૂર નોંધણજીની નજીકનું કોક હોવું જોઈએ તો જ એ ખીજાય ને ધોલ મારે .
        આખરે એ બાબતે તપાસ કરતા એજ નોંધણજી નીકળ્યા અને કુંવરી સાથે પછી તો ધામધૂમ થી લગ્ન કરાવ્યાને થોડા સમયમાં તો કલૈયા જેવા બે કુંવરો નોંધણજીને ત્યાં જન્મ્યા.પણ લાંબા સમયે વતનની યાદ આવીને  આવ્યા પાછા કાઠીયાવાડમાં  જ્યાં લોમા ખુમાણના દીકરા રૂખડ ખુમાણને હરાવ્યો ને મારી નાખ્યો.
        આથી લોમા ખુમાણે પોતાના વ્હાલા દીકરાનું વેર લેવા પોતાના  માસીયાઈભાઈને બોલાવી તૈયારી કરવા માંડી. આથી નોંધણજીના દરબારમાં  ખબર પડી કે લોમો ખુમાણ કદી આપણને સખે રહેવા નહિ દે હો તો સમાધાન કરી લેવું જોઈ.
        આમાં  વચે વહટી કરનાર તરીકે નર્બદ પાંચાળીયો પડ્યો કહે હું આપનું સમાધાન કરાવી દઈશ કારણકે ખીમા સાંડસુરની માં મારી ધરમની બહેન થાઈ છે તે સમજાવટ કરાવશે.
 નર્બદ પાંચાળીયાને નોંધણજી આવ્યા ખીમા સાંડસુરની ડેલીએ ઓળખાણ કરાવી ત્યાં તો પેલી      કાઠિયાણીને થયું કે લોમો જાણે કે હમણાં આના રાઇ રાઇ જેવડા કટકા કરી નાંખશે કે તું અહી કયાંથી ?
આખરે કાઠિયાણીએ  ખીમા સાંડસુરને બોલાવ્યો ને તેને પણ કટાર કાઢી પણ કાઠિયાણી કહે અરે મારો ધરમનો ભાઈ છે ને આનું સમાધાન કરાવ જા લોમા ખુમાણ પાસે .
        ખીમો સાંડસુર  લોમા ખુમાણ પાસે ગયોને યુક્તિ કરી પૂછ્યું કે હે લોમાભાઈ અત્યારે નોંધણજી આવે તો શું કરો ?લોમો ખુમાણ કહે કટકા.આ તક જોઈ કાઠિયાણી બહાર નીકળી આવ્યાને કહે અરે રાખો રાખો આંગણે આવનારને તે કોઈ મારતું હશે .
        લોમો ખુમાણ કહે તો તું મારી લાકડીને કંધોતરને મારનારને ગળે બથ ભરી મળું એમને ?
        કાઠિયાણીએ વળી કાઠીકળા વાપરી કે તમે તેના સાત સાત દીકરા મારી નાખ્યા તે કોઈ એને વધારાના હતા ? એનું રાજ લઈ લીધું જયારે આપણો તો એક દીકરો મરયો તો હવે પસ્તાવો કરો, આપડે કાંધાજીના ગોહિલ કુળ સાથે પેઢીઓથી સબંધ છે તે તો વિચારો તમે તો તેના પર દાટો વાળ્યો. કાઠિયાણી તો માંડ્યા બાજવા મહર બોલવા અંતે એટલુ જ  બોલ્યા કે બગડેલી બાજી સુધારવી એ તમારા હાથમાં છે.
        આટલું પાકું કરી લેતા ખીમા સાંડસુરે કહ્યું કે અરે અરે આ આવ્યા નોંધણજી,લોમો ખુમાણ કહે અરરર તે જ આ કીમિયો કર્યો લાગે છે ? અત્યારે કાઠિયાણીની ઈચ્છા મુજબ લોમા ખુમાણ અને નોંધણજી બને બથું ભરી મળ્યા અને નોંધણજીએ  લોમા ખુમાણ ના  પગમાં તલવાર મૂકી દીધી અને સમાધાન થયું. અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું રાજપૂતી રીત મુજબ નોંધણજીએ મેઢા અને માંયધાર લોમા ખુમાણના દીકરાને વેળાવદર,ખીમા સાંડસુરને બે ગામ ભંડારિયા અને ઢોકળવા નર્બદ પાંચાળીયાને આપવામાં આવ્યા હતા.
        આવા હતા વેરના વળામણાં અને કાઠિયાણીની કળા .
       





Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર