હોથલ પદમણી
હોથલ પદમણી
આજે અહી વાત કરવી છે વચને અને પ્રેમે
બંધાયેલ એક બેલડીની કે જેનું નામ છે ઓઢો જામ અને હોથલ પદમણી,સિધી ભાષામાં હોથલ નો
અર્થ સુંદર થાય છે.
ઓઢો જામ એ કચ્છના કિયોર કકડાણાના મનાઈનો
સૌથી નાનો પુત્ર હતો,ઓઢાને તેના મોટા ભાઈ જામ હોથીની રાણી મિણલદે એ દેશવટો અપાવ્યો
હતો કારણકે એ ઓઢાના રૂપ ઉપર વારી ગઈ હતી પણ ઓઢો તેની મેલી મુરાદ માટે સહમત ન થતા
આખરે સ્ત્રી ચારિત્ર્ય કરી પોતાના પતિ હોથી જામ પાસે લખમણ જતિ જેવા નાનાભાઈને કાળા
કપડા પહેરાવીને કાળા ઘોડા ઉપર દેશવટો અપાવવામાં સફળ નીવડી,દેશવટો દેવરાવતા પણ
મિણલદે કહે ઓઢા હજુ જો માની જા તો પાછો વાળી લઉં પણ અસલ મિજાજી એમાં ડગ્યો જ નહિ.
નિંગામરો સાંગણ રાજપૂત હતો હોથલ તેને જંગલમાંથી પ્રાપ્ત
થઇ હતી અને તે સંતાનહીન હોવાથી તેને પુત્રી તરીકે જ રાખી હતી ,હોથલ પાલક પિતાના ધલુરાના
પાદશાહનું વેર વાળવા પુરુષવેશે ઘેરથી નીકળી ગઈ હતી એમાં એક દિવસ હોથલ ચકાસર તળાવના
પાણીમાં વાસુકી નાગ જેવા ચોટલાના વાળ છુટા મૂકી પાણીમાં તરતી એવા સમયે ઓઢાએ તેને
જોઈ હતી અને એ પછી પાછી ઓઢાએ દેશવટા દરમ્યાન પુરુષવેશમાં જોઈ હતી પણ તેને થયું કે
આવો તે કઇ પુરુષ હોય ?પણ ઓઢો એની વીરતા અને વ્યક્તિત્વથી અંજાય ગયો.હોથલની
ચારુત્વભરી મીઠી બોલી અને શરીરનો બાંધો સૌષ્ઠવ ભર્યો અને કંઠમાં કોયલ જેવી મીઠાશ હતી. ઓઢાને પણ પ્રતિજ્ઞા હતી
કે માસિયાઇ ભાઈ વિશળદેવને આપેલ વચન મુજબ નગરસમોઇના
બાંભણિયા બાદશાહ પાસેથી સાત વિસુ સાંઢયુ પાછી વાળું નહિ ત્યાં સુધી હું ઓઢો જામ
નહિ અને હોથલ પુરુષ વેશે પ્રાપ્ત થતા આ પ્રતિજ્ઞા પૂરી કરી અને એજ રીતે હોથલએ પણ
તેના પાલક પિતાનું વેર વાળી લીધું અને એ સમયમાં બને વચ્ચે પ્રેમ થયો અને અંતરના
દ્વાર ખુલી ગયા. ઓઢો જામ અને હોથલ પદમણી બને રૂપરૂપનો અંબાર છે અને પ્રેમમાં પડી
પરણ્યા ત્યારે તેમણે એક શરત કરી હતી કે તમારે કદી પણ કોઈને કહેવાનું નથી કે મારા
ઘરમાં છે એ હોથલ પદમણી છે અને જો કહેશો તો દિવસથી આપણે બન્નેએ એકલા પડી જ રહેવાનું
રહેશે. આ પછી તો બને લગ્નગ્રંથીથી જોડાયા અને
તેને ત્યાં આભને ટેકા દે એવા પુત્રો અવતર્યા.
પરંતુ એમાં એક દિવસ બન્યું એવું કે ઓઢા
જામના બે દીકરા જેસલજી અને જખરોજીએ પીરાન પાટણમાં માણસખાઉં એક સિંહને મારી નાખ્યો
તો રાજવીએ તેમનું બહુમાન કર્યું અને કહ્યું કે વાહ ભલા કુમાર બને પણ તેનું મોસાળ
ક્યાં અને કોણ છે એ તો કહો તે આવા બહાદુરો
એની કુખે પાક્યા.
આથી ઓઢા જામ મુંજાયા કે આ તો ભારે કરી
અમારી પ્રતિજ્ઞા તૂટશે તે માંડ્યા ગોટા વાળવા તો કોક અદક પાસલું બોલ્યું કે છે
કંઈક દાળમાં કાળું લાગે છે ?
આટલું સાંભળતા તો એ બેય કુંવરોનો મગજ
સાતમા આસમાને ચડી ગયો અને કહે બાપુજી કહી દયો સાચી વાત ઓઢો જામ કહે અરે એમાં ફાયદો
નથી પણ બેય કુંવરો કહે અરે ભલેને પૃથ્વી ફાટી જાય પણ અમારું મોસાળ છુપાવવું ન
જોઈએ,આથી ન કોઈ ઉપાય રહેતા ઓઢા જામે કહ્યું કે આ બને હોથલ પદમણીના પુત્રો છે.
આ વાતની હોથલને ખબર પડતા તેણે પોતાની
શરત મુજબ વિજોગ સ્વીકાર્યો અને એક માર્મિક પત્ર લખી મોકલ્યો કે ઓઢા જામ હવે હું
કનડાના ડુંગરમાં ચાલી જાવ છું તો શોધતા નહિ પણ આ કુમારોના લગ્ન ટાણે કંકોત્રી જરૂર
પહોચાડજો. હોથલ કનડાના ડુંગર ઉપર એવો વલોપાત કરતી અને ઝૂરતી કે ડુંગરની ધકો પણ
રીતસર ગાજી ઉઠતી હતી.પણ પોતાની ટેકને માટે બળતી ઝૂરતી વિરહની વેદનામાં સાવ પડી
ભાંગી હતીને બેય ચાતકોની જેમ ઝૂરતા રહ્યા.
ઓઢાને પણ એટલો જ વિજોગ ખૂંચે છે અને કહે
છે કે
ભૂડું લાગે ભોયરું ધરતી ખાવાને ધાય,
ઓઢા વિણ એકલું,હવે કનડે કેમ રેવાય.
આનો બીજો કોઈ ઉકેલ પણ હતો નહિ પોતાની
શરતનું પાલન કરવું જ પડે તેમ હતું,આથી ઓઢા જામે સ્વીકારી લીધું અને કચ્છમાં આવી
ગયો પણ હોથલ વિના એક પળ પણ સરખી જાતી નથી.
આથી બન્ને જોરાવર દીકરાઓને ચિતા થાય છે
કે બાપુજી આપ જેવો સમર્થ શુરવીર પુરૂષ આ
રીતે કાં સાવ ઢીલાઢફ લાગે આ અમારાથી તો જોયું જાતું નથી બોલો આપનું આ દુખ ભાંગવા
શું કરીએ પણ પિતા ઓઢા જામ કશું જ કહેતા
નથી
પરંતુ પછી ખબર પડી કે જો અમારા લગ્ન થાય
તો હોથલમા પાછી આવે આથી બાપે બેય દીકરાના લગ્નની તૈયારી કરી અને હોથલને કંકોતરી
લખી તેડાવી.બંને ભાઈના લગ્ન ધામધૂમથી થયા અને જયારે લગ્ન પૂર્ણ થયા ત્યારે ઓઢાને
ફાળ પડી કે હોથલ તો હવે પાછી ચાલી
જશે,ત્યારે નવી આવનાર ખાનદાન વહુએ જયારે હોથલને
પગે લાગી ત્યારે હોથલ બોલી કે બોલ બેટા શું માંગે તે આપું ત્યારે સન્નારી એ કીધું માં અમને આપની સેવા
કરવાની સદભાગ્ય સાંપડે એવી તક આપો.આથી હોથલ આ વહુના માટે રોકાય ગઈ અને ઓઢા જામને
પણ પૂર્ણ અવતાર મળ્યો.કોઈ વાર્તાકારો વળી એમ પણ કહે છે ઓઢા જામે હોથલના વિરહમાં જુરી જુરી દેહ પાડી નાંખેલ પણ
હોથલ પંખણીનું રૂપ ધારણ કરી અંતરીક્ષમાંથી
ઓઢાનો દેહ ઉપાડી આવી હતી.
ઓઢાએ મણિયારો ગઢ બંધાવ્યો હતો,આજે પણ
કૈયારી કોઆસર પાસે ઓઢા જામ અને હોથલનું અને જખરા અને જેસલનું સ્થાનક છે.
ઓઢા અને હોથલ વિશેના કેટલાક દુહાઓ મળે
છે જે આજે પણ કલાકારો હરખે હરખે ગાઈ છે.
ધરા વિણ ધાન ન નીપજે,
કળ વિણ માડુ ન હોય
ઓઢા ઘેર જેસલ જખરો જન્મ્યા,
ઇ હોથલ પદમણી હોય.
જખરા મન જંપિયો પણ જ્પેતી નઈ ઝાર,
ભીતરમેં ભડકા બળે,તેજી બાફ નીકરેલી બાર
જખરા મન જંપિયો પણ જ્પેતી નઈ ઝાર,
ચમતા ચીરેન ન્યાર,પકોમાં પીરિયન જો.
નોંધ- આ વાર્તામાં આવતો કનડો ડુંગર એ સોરઠનો નહિ પણ કચ્છનો
હોવાની વધુ સંભાવના છે પણ છતાં લોકોએ કાઠિયાવાડમાં હોથલનો ગાળો અને ભોયરું વગેરે
નામ આપ્યા જ છે.
સાહેબ, અંદાજિત સમય જાણી શકાય ?? કેટલા વરસ પહેલા ની આ વાત છે ??
ReplyDelete