દુકાળીયા બાળકોની માં રામબાઈ


                               દુકાળીયા બાળકોની માં રામબાઈ
આજે એક એવી કોડભરી કન્યાની વાત કરવી છે કે જેણે સંસાર રસ માણવાને બદલે રખડતા ભટકતા માબાપ વિહોણા બાળકોની જનેતા થવાનું પસંદ કર્યું અને એ દુકાળીયા બાળકોને સાંચવીને મોટા કરી હર્યા ભર્યા સંસારમાં રમતા મૂકી દીધા.
        મોરબી પાસેના વાંટાવદર નામના નાના ગામમાં અડાભીડ અને આબરૂદારને પાંચમાં પૂજાય એવા જસા ચાવડા નામના આહિરને ઘેર ઈ.સ.૧૭૭૮માં રાજબાઇની કુખે એક દેવાંગી કન્યા જન્મી પણ કહેવાય છે કે એ બાળકી તો રૂપરૂપનો અંબાર જે એને જોવે એને આભ માંથી ઉતરી આવેલી ઈન્દ્રની અપ્સરા માને. એના જન્મ સમયે પરિવાર અને મોસાળમાં હરખની હેલી ચડી છે સૌ રાજી રાજી છે ને ચંદ્રની કળા વધે એમ એ વધવા માંડી.માબાપે એનું નામ રાખ્યું છે રામબાઈ  
        રામબાઈ જોતજોતામાં ભડભાદર થઇ ગઈ અને જેના અંગ અંગમાં રૂપ ઝરી રહ્યું છે અને પાંચ હાથ પૂરી અને પડછંદ કાયાવાળી દેહાલાલિત્ય જોતા એમ જ લાગે કે આ કોઈ જગદંબાનું સ્વરૂપ છે.પરંતુ ગમે તેવી રૂપાળી કે ગુણવંતી કન્યા હોય તોય દુનિયાના કોઈ માબાપ એને પોતાના ઘેર તો કઈ થોડા રાખી શકે એના હાથ પીળા કરવા જ પડે ને.આથી જસા ચાવડા અને રાજબાઈએ બધું સારું જોઇને એને ઉતમ આહિર કુળમાં પરણાવી દીધી પણ હજુ રામબાઈને આણું વાળીને તેડી ગયા નહોતા.
        બરાબર આ સમયે ઈ.સ.૧૭૯૪માં પારેવાના ઘેરાં ઉપર જેમ બાજ ત્રાટકે એમ કારમો દુષ્કાળ ત્રાટક્યો અને તાવડામાંથી જેમ ધાણી ફૂટે એમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા,ગાયો મકોડા ભરખવા માંડી અને માબાપ બાળકોને વેચવા માંડ્યા કે છુટા મૂકવા માંડ્યા.
        આથી મોરબી પંથકમાં આવા ત્યજાયેલા બાળકોના ઝુંડના ઝુંડ ફરે છે,આ છોકરાઓ રઝળી ભીખીને એક ચપટી ચણ માટે લોકોને એવા કાલાવાલા કરે છે કે એ જોઇ ન શકાય,જે બાળકો ભૂખ સહન કરી શકતા નથી એ બિચારા રખડતા ભટકતા જ કોઈ ઝાડવાની ઓથે જ કુમળો દેહ છોડી દેતાને કાગડા કૂતરા ને ગીધડાને મોઢે એ ચૂંથાતા હતા.પણ કોઈની ઉપર કોઈ દયા લાવે એવું રહ્યું નથી.
        આ છોકરાઓ તો બિચારા એકબીજાની ઓથે ઓથે એકબીજાના હાથમાં હાથ ભરાવીને ગામે ગામ રઝળ્યે રાખે છે કે અમને રોટલાનો કોઈ એકાદ ટુકડો આપો આપો.આવા દર્શ્યો જોઈ રામબાઈ થાકી ગયા છે અને વિચારે છે કે માળું માનવજાત કેવી નિર્દય થઇ ગઈ છે આ પહુડા જેવા ઈશ્વરના સ્વરૂપ સમાં  સામે પણ કોઈ જોતું નથી.એના જ્યાં ટોળા આવે ત્યાં તો ગામમાં દેકારો બોલે કે જો જો દુકાળીયાના ટોળા આવ્યા ,મારો મારો એને ભગાડો બાકી એ આપડું પણ ચોપટ કરી જશે. વળી કોઈ દયાવાન નીકળે તો એકાદ ટંક જેવું તેવું ખાવાનું આપે ને પછી તો તેને ભગાડી જ મૂકે.
        આવા સમયે જ રામબાઈને આહિર ડાયરો આણું તેડવા આવ્યા છે. જસા ચાવડાની ડેલીએ અલક મલકની વાતો થાય છે અને સામ સામાં ભલકારા દેવાય છે,ક્સરક ભુટાક ક્સરક ભુટાક કરતી ખરલો પણ કંસુબાઓ ઘૂંટી ઘૂંટી ને થાકી ગઈ છે,ચારેબાજુ આનંદની છોળો ઉડી રહી છે એવા ટાણે અચાનક જ રંભા જેવીને ઘરેણા ગાંઠે લથબથ રામબાઈ ડાયરાની સામે આવીને ઉભી રહી ગઈ ત્યાં તો ડાયરામાં સોપો પડી ગયો કે આ તે કાંઈ બાઈ છે કે આમ ઉઘાડે છોગ આવી ગઈ.
        કોઈ જ કાઈ બોલી શકતું નથી પણ રૂપાની ઘંટડી જેવા અવાજથી રામબાઈ ડાયરામાં આવી શરમાયા વિના બોલી કે લ્યો આ તમારા ઘરેણા.રામબાઈએ માથા માંથી,હાથ માંથી, પગ માંથી અને કેડેથી ઘરેણા ઉતારી ઢગલો કરી દીધો અને બોલી કે મામા હવે તમારા દીકરાને માટે બીજી આહિરાણી ખુશીથી ગોતી આપજો,મારે તો આ દીનદુઃખિયા ભૂખ્યા બાળકોની જનેતા બનીને જ અવતાર ગાળી નાંખવો છે.
        આમ એક આહિરાણી ભર્યા ડાયરામાં આવું બોલી પણ તેના મનમાં નિસ્વાર્થ અને સેવાનો દરિયો હિલોળા લેતો હતો,તે થોડાક ખીજાયેલા અને ઠરડાયેલા મરદ આહીરો એક પણ શબ્દ બોલી શક્યા નહિ.
        આ ધડવવછડ ચાલે છે ત્યાં તો દુકાળીયાઓનું ટોળું હાલ્યું આવે છે અને એની પાછળ પાછળ ગામના અલમસ્ત જુવાનડાઓ લાકડીઓ લઈને દોડતા આવે છે ને જેવા છોકરાવ મળ્યા કે એને દેવા માંડ્યા અને બોલવા માંડ્યા કે ભાગી જાવ અહી થી બીજે.
        આટલું સાંભળતા તો રામબાઈ તરત જ બહાર નીકળ્યા અને રામબાઈનો જીવ કળીએ કળીએ કપાવા લાગ્યો,આથી તેણે તરત જ વિચાર્યું કે આ દુકાળમાં મોટા મોટા ભૂપ પણ વસતિને ઝાકારો દેવા લાગ્યા છે ,તો ભલે ને મારે તો આને સાંચવવા જ છે અને ભેગા ફેરવવા છે અને એક જનેતાનો છાતી સરસો પ્રેમ આપીને મોટા કરવા છે.રામબાઈએ આખા વાંટાવદરને કહી દીધું કે હવે ખબરદાર કોઈએ દુકાળીયા બાળકો ઉપર હાથ ઉપાડ્યો છે કે તેને અહીંથી તગડયા તો. રામબાઈના આવા મલમપટ્ટા જેવા વેણ સાંભળતા તો દુકાળીયા બાળકોનું ટોળું રામબાઈની આસપાસ માના ખોળામાં સંઘરાય જેમ લપાય ગયું.
        રામબાઈ રાતે વિચારે ચડે છે કે આ બાળકોનો હાથ તો જાલ્યો પણ હું એને કેટલા દિવસ પાળી પોષી શકીશ પણ એને ઈશ્વર ઉપર પૂરો વિશ્વાસ હતો કે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે પણ કદી ભૂખ્યા સુવડાવતા નથી.
        જસા ચાવડા રામબાઈને ઘણી સમજાવે છે કે બેટા આજ તો આભ ફૂટ્યું છે અને સમુંદર ઉમટ્યો છે આપણે એને તો ન તાગી શકીએ,આ છોકરાવને કેમ કરી સાંચવીશ,એના કરતા એને નવા કપડા લતા પહેરાવી જમાડીને રજા દઈ દે બેટા.
        રામબાઈ કહે નહિ બાપુ હવે તો હું છોકરાવની માં ઠરી કહેવાવ કદી જનેતા પોતાના છોકરાને તરછોડે નહિ.આખરે રામબાઈ એકના બે ન થયા,ત્યારે એના માબાપે ભારે હદયે દીકરીની ઈચ્છા વધાવી લીધી.
        રામબાઈએ જતા જતા કહ્યું કે માં તમે મને આણું કરવાના હતા ને તો મને આણાં રૂપે જ બે ધોળી સાડી અને માળા,બેરખો,રામસાગર ને  ભિક્ષાપાત્ર લઇ આપો ને. આ બધી જ વસ્તુઓ રામબાઈની સામે હાજર કરવામાં આવી,ત્યારે રામબાઈએ હોંશેહોશે બધું જ ધારણ કરીને રામસાગરના સથવારે અને ભજનોના સૂર રેલાવતા રેલાવતા એ હાલી નીકળ્યા,તેની પાછળ પાછળ દુકાળીયાઓનું મોટું ટોળું પણ ચાલ્યું.
        એક સમયની અપ્સરા જેવી રામબાઈ પછી એક સફેદ કપડામાં પોતે પણ ભૂખ દુઃખ અને તાપમાં દેહને જાળી જેવો કરીને ગામડે ગામડે ભમીને તે છોકરાઓની ભૂખ ઠારી રહ્યા હતા. આખરે રામબાઈએ વવાણીયામાં પોતાની જગ્યા સ્થાપી અને લાલજી મહારાજની જગ્યાના કૃષ્ણદાસજી પાસે કંઠી બંધાવી હતી.એ પછી ત્યાં હરિહરનો કાયમી સાદ પડાવ્યો.રામબાઈએ ઈ.સ. ૧૮૭૬માં ૯૮ વર્ષની ઉમરે દેહ છોડ્યો પણ આજે પણ તેમની સ્થાપેલી જગ્યા ખૂબ જ વિકસતી અજરામર ઉભી છે.
        નોંધ -  બારોટના ચોપડા રામબાઈના પિતાનું નામ જસા ચાવડા લખે છે,બાકી અન્ય લેખકો એના પિતાનું  નામ માણસુર આહિર જણાવે છે.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર