સ્વાતંત્ર્ય ચળવળ અને સૌરાષ્ટ્ર – ડૉ.પ્રદ્યુમ્ન ભ.ખાચર
સ્વાતંત્ર્ય ચળવળ અને સૌરાષ્ટ્ર – ડૉ.પ્રદ્યુમ્ન ભ.ખાચર
સૌરાષ્ટ્રએ ભારતના
ઇતિહાસમાં અનેકવિધ પ્રકારની વિશેષતાઓ ધરાવે છે. સૌરાષ્ટ્રમાં નાના મોટા બધા મળીને
કુલ ૨૨૨ રજવાડાઓ હતા.આ રીતે નાના મોટા અનેક રાજકીય ટુકડાઓનું સંધાણ એટલે
સૌરાષ્ટ્ર.આ વિસ્તાર ભારતના અન્ય પ્રદેશોની તુલનામાં ખૂબ જ સમૃદ્ધ,સંસ્કૃતિપ્રિય
સભ્ય અને રસાળ ફળદ્રુપ હતો. સૌરાષ્ટ્ર દ્વીપકલ્પનું ક્ષેત્રફળ ૨૩૫૦૦ ચોરસ માઈલ અને
૩૬ લાખની૧ વસતિ હતી. આથી સૌરાષ્ટ્રની એક કાળે કેટલાકને અદેખાય
આવતી પણ સૌરાષ્ટ્રની પડતી થતા આ પ્રદેશ
૧૯મી સદીના પ્રારંભે સાવ પછાત અને
દુઃખ દર્દોથી ઘેરાયેલો,દબાયેલો અને અંદરોઅંદર મારાકાપી કરતો થઇ પડ્યો હતો.એવા સમયે
કેટલાક સંજોગો અને કારણોનું નિર્માણ થતા સૌરાષ્ટ્રમાં સ્વાતંત્ર્ય ચળવળ લોકોમાં
શરુ થઇ હતી.
સ્વાતંત્ર્ય
ચળવળના કારણો
(૧) સૌરાષ્ટ્રમાં
ઇ.સ. ૧૮૦૭-૦૮માં દેશી રજવાડાઓ સાથે બ્રિટીશ સરકારે વોકર કરાર કર્યા, તેથી આ
વિસ્તારમાં શાંતિ અને સલામતી સ્થપાય હતી અને હવે ઝઘડાઓ અને ટટા ફિસાદ બંધ થઇ ગયા
મારે તેની તલવારની જગ્યાએ કાયદાનું શાસન આવી ગયું,અત્યાર સુધી વારંવાર મુલકગીરી
ઉઘરાવવા ધાડેધાડા ઉતરી આવતા અને આ પ્રદેશને નુકશાન કરી ચાલ્યા જતા હતા હવે એ બંધ
થયું ને શાંતિનો કાળ આવતા લોકોએ રાહતનો દમ લીધો અને શિક્ષણ લઇ જાગૃત થયા.
( ૨ ) વોકર કરાર
થતા ઇ.સ. ૧૮૨૦-૨૨ માં રાજકોટ મુકામે બ્રિટીશ કોઠીની સ્થાપના કરવામાં આવી અને
પોલીટીકલ એજન્સી કાર્યરત થઇ ગઈ અને તેણે સૌરાષ્ટ્રમાં શાંતિ અને સલામતી માટે
કેટલાક પગલાઓ ભર્યા અને ઇ.સ. ૧૮૬૩ માં કર્નલ કિટીગ્જે દેશી રજવાડાના ૧ થી ૭ વર્ગો નક્કી કરી આપી૨
તેમની દીવાની અને ફોજદારી સતાઓ પણ નક્કી કરી આપી અને રાજાઓના ઝઘડા માટે
રાજ્સ્થાનિક કોર્ટની સ્થાપના કરી દેતા હવે નાના મોટા રજવાડાના ઝઘડા પર અંકુશ
મુકાયા અને સારું વાતાવરણ સર્જાતા લોકોએ આથી વધુ આગળનું વિચારી સ્વાતંત્ર્ય ચળવળ
શરુ કરી.
(૩ ) તા.૨૮-૧૨
૧૮૮૫ના રોજ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના સર એલન ઓક્ટોવિયન હ્યુમેં કરી તેનો
ઉદેશ તો ભારતીય પ્રજાની વિનતીઓ માંગણીઓ રજુ કરવા માટેનો હતો, પણ આ સંસ્થાએ તો
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું કામ હાથમાં લઇ લીધું. આ સંસ્થા પણ સૌરાષ્ટ્રમાં સ્વાતંત્ર્ય ચળવળ શરુ કરવા માટે
પ્રેરણારૂપ થઇ પડી હતી.
( ૪ ) પાશ્ચાત્ય
શિક્ષણનો ફેલાવો થતા હવે સૌરાષ્ટ્રમાં શાળાઓ શરુ થઇ ગઈ હતી અને તેમાં આપણા લોકો
પાશ્ચાત્ય કેળવણી લેવા માંડ્યા હતા તો તેમનામાં દેશ દુનિયાના વિચારો પ્રવેશવા
માંડ્યા હતા અને તેઓ સૌરાષ્ટ્રની કેટલીક અસુવિધાઓ અને અગવડતાઓ અને અન્યાય તરફ જાગૃત બન્યા હતા અને દેશી
રજવાડાની સામે બોલતા અને અવાજ ઉઠાવતા થયા હતા.
(૫ ) સૌરાષ્ટ્રના
કેટલાક રાજવીઓએ વિદેશપ્રવાસો કર્યા અને તેમણે વિદેશી ધરતી પરના કેટલાક સારા વિચારો
અને સગવડતાઓને પોતાના રાજ્યમાં લાવ્યા હતા,તેથી સ્વાતંત્ર્ય ચળવળને પણ બળ મળ્યું
હતું આ રાજાઓ નહીતર તો કડક હાથે જ આવી ચળવળોને ડામી દેત તેની જગ્યાએ લાખાજીરાજ જેવા ઉદારચરિત્ર રાજવીએ તો પોતાના
રાજ્યમાં પ્રજાપ્રતિનિધિ સભા સ્થાપી તથા ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ’ ભરવાની પરવાનગી આપી હતીને લોકશાહીના વિચારોને ઉતેજન આપ્યું
હતું.ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાની પ્રજાને પ્રજા પ્રતિનિધિ સભા અને ધારાસભા
આપી હતી.
(૬ ) ૧૯મી સદી
ભારતમાં સુધારાની સદી તરીકે જ આવી હતી અને રાજકીય સામાજિક અનેક સંસ્થાઓ સ્થપાય અને
તેણે કેટલાક સુધારા કર્યા જેને હિસાબે સ્વાતંત્ર્ય ચળવળને પણ બળ મળ્યું હતું.આ
સમયે એટલે જ શ્રીનવલશંકર પંડ્યાએ લખેલું કે “કાઠિયાવાડના રાજકારણની ખટાશ અને પાશ્ચાત્ય વિચારોની
ખારાશમાંથી કદાચ નવું ફ્રુટ સોલ્ટ પેદા થાય” ૩ થોડા
જ સમયમાં એમણે કહેલું એ સાચું પડ્યું.
( ૭) ૧૯મી સદીમાં
સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારણા કરનારી કેટલીક સંસ્થાઓ સ્થપાય હતી જેમકે સુપંથ
પ્રવર્તક મંડળી ૧૮૫૪, જ્ઞાનગ્રાહક સભા
૧૮૬૪ જેણે પ્રજાના વિચારો ઉન્નત કરવાનું કામ કર્યું હતું અને આ સાથે સાથે ‘સૌરાષ્ટ્ર દર્પણ’(ઇ.સ.૧૮૬૩)
અને ‘વિજ્ઞાનવિલાસ’ (ઇ.સ.૧૮૬૮) નામના
માસિક પત્રો શરુ થઇ ગયા હતા તેણે પ્રજાને ઢંઢોળીને પોતાના હક્ક હિસ્સા માટે અને
સામાજિક બાબતે જાગૃત કરી હતી
(૮) સૌરાષ્ટ્રમાં
સ્વાતંત્ર્ય ચળવળ શરુ કરવા માટે આ ઉપરાંતના અનેક કારણો જવાબદાર હતા જેમ કે રજવાડાઓના
અનેક પ્રકારના કરવેરા, અમુક રાજવીનો નાણાનો બેફામ દુરુપયોગ,પ્રજાને શાસન
ભાગીદારીથી અલિપ્ત,બંગભંગ ચળવળની અસર,ગાંધીજીનું ઇ.સ. ૧૯૧૫માં ભારત આગમન વગેરે
વગેરે.
આવા અનેક કારણો અને પરિબળોને લીધે
સૌરાષ્ટ્રમાં જાગૃતિ આવી અને અહીના લોકોએ સ્વાતંત્ર્ય ચળવળ શરુ કરી જેમાં શરૂઆતમાં
લોકોએ કેટલીક માંગણી મૂકી પછી રાજાઓના કેટલાક વિચારો,શોખ,કાયદાઓ,વલણો,સુધારાઓ સામે
જંગે ચડવા માંડ્યા. સ્વાતંત્ર્ય ચળવળમાં શું શું થયું હતું
સૌરાષ્ટ્રમાં સ્વાતંત્ર્યવીરો એ લોકોની માંગણીને વાચા આપવા
અને પ્રજાને નિર્ભય બનાવવા રાજાઓની દાદાગીરીને જુલ્મગીરી,આપખુદશાહીને નાબુદ કરવા અનેકવિધ
કાર્યક્રમો અને અનેક સત્યાગ્રહો કર્યા
હતા.રાષ્ટ્રાભિમાન અને સામાજિક ચેતનાને જાગૃત કરતા બુલંદકંઠે ગીતો ગાતા ગાતા નીકળતા હતા જેવા ગીતો જેમકે
હાક વાગી વલ્લભની
વિશ્વમાં રે, તાપ બળિયાને કીધા માત,
હાથ હેઠા પડ્યા
સરકારના રે,વધી સત્યાગ્રહીની સાખ રે. ૪
હિંદની વારે હરિ
વહેલા આવજો,સાથે અર્જુન ને લાવજો’
ટોપાવાળાનો ત્રાસ
અમને ઘણો રે.૫
તારા વાગે નગારા
હવે મોત ના રે ,હજી ચેતી લે ઓ સરકાર ૬
ડંકો વાગ્યો
રણવીરા શૂરા જાગજો રે.
ગામેગામ અને શહેરોમાંથી સત્યાગ્રહનો
પ્રચાર પ્રસાર કરતી હસ્તલિખિત અને છપાયેલ ગુપ્ત અને જાહેર પત્રિકાઓ કાઢવામાં આવતી
હતી.૭ સ્વાતંત્ર્ય ચળવળને વાચા આપવા માટે ગાંધીજી અને અમૃતલાલ
શેઠ, મનસુખ મહેતા,ઢેબરભાઈ વગેરેએ ‘સૌરાષ્ટ્ર’,‘યંગ ઇન્ડિયા’,’હરિજનબંધુ’,’નવજીવન’વગેરે માસિકોમાં લેખો લખ્યા અને તેના વાટે પ્રજામાં
જાગૃતિને સ્વાભિમાન પ્રગટાવવામાં આવ્યુ હતું.રાત્રીશાળાઓ, વાચનાલય,રાહત કાર્યો અને
પ્રજા જાગૃતિનું ને પ્રજાને જગાડવાનું તેમનામાં સ્વમાન પ્રગટાવવાનું કામ કર્યું
હતુ
સરધારનો શિકારનો સત્યાગ્રહ,ઇ.સ.૧૯૨૨ :
મુંબઈના
ગવર્નર સર જ્યોર્જ લોઈડ કાઠિયાવાડની મુલાકાતે ઇ.સ. ૧૯૨૨માં આવવાના હતા ત્યારે
રાજાઓએ તેમની આગતા સ્વાગત માટે રાજકોટ રાજ્યના સરધારના તળાવમાં બતકોના શિકાર
માટેનું આયોજન કર્યું પણ રાજ્કોટ રાજ્યમાં જૈનો અને વૈષ્ણવો જેવા બિન
માંસાહારી લોકોએ આ શિકાર પાર્ટીનો ખૂબ જ
વિરોધ નોધાવ્યો કે રાજ્યમાં શિકાર પ્રતિબંધક ધારો અમલમાં છે છતાં બ્રિટીશરોને ખુશ
કરવા આ પાર્ટીનું શા માટે આયોજન થાય છે ? તે ન થાય માટે મનસુખલાલ મહેતાએ ગવર્નરને
બે તાર કર્યા પણ કઈ જવાબ ન આવ્યો,૮ આથી લોકોએ નક્કી કર્યું કે
તો આપડે શિકારના દિવસે હજારો લોકો તેની વિરુદ્ધ દેખાવો કરવો આટલું થતા પોલીટીકલ
એજન્ટ ઉકળી ઉઠયોને કેટલાક ચળવળકારો ને જેલમાં પૂર્યા હદપાર કર્યા.જેના ખૂબ ઘેર પ્રત્યાઘાત
પડ્યાને સત્યાગ્રહ ઉગ્ર બન્યો રતિલાલ મયાશંકર રાવલની નેતાગીરી હેઠળ સત્યાગ્રહ વધુ
આગળ વધ્યો આ બધું અખબારોમાં બહુ ચર્ચાતા શાણા ગવર્નરે જ પરિસ્થિતિ પારખીને કાઠિયાવાડની મુલાકાત જ રદ કરી નાંખી.આ રીતે
પ્રજાનો બ્રિટીશ સતા સામે પ્રથમ વિજય થયો અને તેની બહુ મોટી અસર થઇ કે આપડે પણ
બ્રિટીશરોને હરાવી શકીએ ને આપણું મન ધાર્યું કરાવી શકીએ છીએ .
વઢવાણનો અખબારી સ્વાતંત્ર્ય માટેનો
સત્યાગ્રહ,ઇ.સ.૧૯૨૯.
કાઠિયાવાડનું
વિખ્યાત સાપ્તાહિક ‘સૌરાષ્ટ્ર મિત્ર’ રાણપુરથી નીકળતું હતું અને જેમાં રાજાઓ અને રાજાશાહીની ટીકા કરતા કડક લેખો ૯
આવતા હતા,એટલે રાજાઓ તે અખબારની સામે ખીજાયેલા રહેતા હતા આ સમયે નાના એવા વઢવાણ
રાજ્યે હિમત કરી પોતાના રાજ્યમાં આ સાપ્તાહિક લાવવા પર ઇ.સ. ૧૯૨૯માં પ્રતિબંધ લાદી
દીધો ત્યારે લોકોએ તેનો જોરદાર વિરોધ કર્યો સભાઓ ભરી ભાષણો થયા તેની પર રાજ્યે જોર
જુલમ કર્યા અને લોકોના વિરોધને ખાળવા દમનકારી પગલા લીધા,એ સમયે પ્રજાકીય
પ્રતિનિધિમંડળ ઠાકોરસાહેબ જોરાવરસિંહજીને મળ્યું અને તપાસ થતા અધિકારીની ભૂલ જણાતા
રાજ્યે અફસોસ વ્યક્ત કર્યો અને અધિકારીઓએ લોકોની માફી માંગી, આ રીતે પ્રજા પોતાનો
અવાજ અને માંગણી સ્વીકારાવતી બની એ આ સત્યાગ્રહની અગત્યતા છે.
ખાખરેચીનો ખેડૂત સત્યાગ્રહ,ઇ.સ.૧૯૨૯.
ખાખરેચીએ માળિયા
રાજ્યમાં આવેલ ગામ હતું માળિયાના શાસક રાજસિંહજી જાડેજાએ તેમના પોત્ર
હરિશ્ચંદ્રસિંહજીને રાજગાદી સોપી આપી હતી પણ અગાઉના સમયમાં થોડાક વધુ પડતા જુલ્મી
અને અમાનુષી વેરોઓ હતા જેવા કે રાજ્યના મહેમાનોને વિવિધ સગવડ પૂરી પાડવી,રાજ્યના જ
જીનીગ પ્રેસમાં કપાસ લોઢાવવો,૧૦ રાજમહેલના ચણતરમાં ખેડૂતોએ
વિવિધ સેવાઓ પૂરી પાડવી આવા અનેક કાયદાના હિસાબે ખેડૂતોની સ્થિતિ ખરાબ બની હતી અને
રાજ્ય શોષણકર્તા બની ગયું હતું..આથી રાજ્યભરના ખેડૂતો સંગઠિત થયા અને શરૂઆતમાં તો
રાજ્યને વિનંતિઓ કરી આખરે એ સફળ ન થતા લોકોએ મગનલાલ પાનાચંદ નામના વેપારીના
નેતૃત્વમાં નવેમ્બર ૧૯૨૯થી સત્યાગ્રહ શરુ થયો,રાજ્યે દમન કર્યું ધાક ધમકી
આપી,ખેડૂતો ઉપજનો વ્યાજબી ભાગ અને નીરણ આપવા સહમત થયા માત્ર વેઠ,દૂધ,છાણા ગાડા
આપવાની ના પાડતા હતા પણ આવું તો રાજ્ય સ્વીકારે તેમ નહોતું,આથી ખેડૂતો મક્કમ રહ્યા
રાજવીએ પોતાના કાયદા કે નિયમો ન પાળનારના દંડ કર્યા જપ્તી કરી,રાજ્ભક્તિ પત્રો પર
સહી કરાવી. રાજ્યે તો દમન વધાર્યે જ રાખ્યું ત્યારે વઢવાણના ફૂલચંદભાઈ ખાખરેચી
આવ્યા અને ખેડૂતોને બોધ આપ્યોને લડત આગળ વધારી રાજ્યે સમાધાન કરતા ફૂલચંદભાઈ પાછા ગયા ત્યાં તો
રાજ્યે સમાધાનનો ભંગ કર્યો. આથી સત્યાગ્રહ ઉગ્ર બન્યો રાજયે દમનનો દોર પણ છૂટો
મુક્યો લોકોના વાંસા તોડી નાખ્યા,કુદરતી હાજતે બેઠેલાને પણ માર માર્યા ,કાઠિયાવાડ
બહારથી પણ સત્યાગ્રહીની ટુકડીઓ આવી,ગાંધીજીનું પણ માર્ગદર્શન અને સહકાર મળ્યા જેના પડઘા
બ્રિટીશ સરકાર સુધી પહોચ્યા૧૧ આખરે ૫૮ દિવસ સત્યાગ્રહ૧૨
ચાલીને રાજ્યે નમતું જોખી સમાધાન કર્યું. આ રીતે ખેડૂતોનો પ્રથમ
સત્યાગ્રહ કાઠિયાવાડમાં સફળ થયો ને તેની બહુ મોટી અસર અન્ય સત્યાગ્રહો પર પડી હતી.
ધોલેરાનો મીઠા સત્યાગ્રહ,ઇ.સ.૧૯૩૦.
સવિનયકાનૂન ભંગની
લડતના એક ભાગરૂપે અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ આ સત્યાગ્રહ તા.૬-૪- ૧૯૩૦ના રોજ શરુ
થયો તેમાં ભાગ લેવા કાઠિયાવાડના ખૂણે ખાંચરેથી સ્વયંસેવકો આવ્યા હતા અને કુલ ૬
ઠેકાણે છાવણીઓ નાખવામાં આવી હતી જેમાં ૧૧૦૦ -૧૨૦૦ સ્વયંસેવકો ભેગા થયા હતાને ધોલેરાની
ખાડીમાં જઈ મીઠું ઉપાડી કાયદાનો સવિનયભંગ કર્યો હતો. આ સ્વયંસેવકો ઉપર બ્રિટીશ
સરકારે અનેક પ્રકારનો અમાનુષી ત્રાસ
ગુજાર્યો હતો ૧૩ જેમકે વૃષણ દબાવવા,તડકામાં ઉભા
રાખવા,ઢસડવા,લોહીવાળા ઘા પર મીઠું ભભરાવવું પણ છતાં સ્વયંસેવકો પોતાના હાથમાં
વાળેલી ચપટી મુઠીનું મીઠું છોડતા નહી અને બુલંદકંઠે શોર્યગીતો ગાઈને વાતાવરણને
દેશભક્તિથી રસબોળ કરતા હતા.ધોલેરાના સત્યાગ્રહમાં મનુભાઈ જોધાણીને બદલે ભળતા નામ
ઝવેરચંદ મેઘાણીને પોલીસે પકડી લીધા હતા અને તેનો કેસ ચાલતા ન્યાયાધીશ ઈશાનીએ બે વર્ષની ધંધુકાની ખાસ કોર્ટમાં સજા જાહેર કરી
હતી.ધોલેરામાં જેલ સજા પામેલ વ્યક્તિ યરવડા જેલમાં જ ત્રાસથી રતિલાલ સાંકળચંદ
વૈદ્ય મૃત્યુ પામતા૧૪ તે આ લડતના પ્રથમ સત્યાગ્રહી ગણાયા. આ
લડતને દેવો અને અસુરો વચેનો દેવાસુર સંગ્રામ કહ્યો હતો .
વિરમગામનો મીઠા સત્યાગ્રહ,ઇ.સ.૧૯૩૦.
આ સત્યાગ્રહ
ધોલેરાના સત્યાગ્રહની જેવો જ મણિલાલ વલ્લભભાઇ કોઠારીના નેતૃત્વમાં થયો૧૫ત્યાં
રોજ ટુકડીઓ મોકલીને મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવતો હતો ,આ સત્યાગ્રહના પ્રથમ
શહીદ થયા લાલજીભાઈ. આખરે ગાંધી ઈરવિન કરાર થતા આ સત્યાગ્રહનો અંત આવ્યો.૧૬
મોરબી સત્યાગ્રહ,ઇ.સ.૧૯૩૧.
અસહકારની ચળવળ બાદ
સ્વદેશી પ્રવૃતિને સારો એવો વેગ મળ્યો હતો તેમ છતાં સમય ચાલ્યો જતા મોરબીમાં
વેપારીઓએ પરદેશી કાપડનો વેપાર શરુ કર્યો,આથી વઢવાણથી ફૂલચંદભાઈ અને શિવાનંદજી તેનો
વિરોધ કરવા મોરબી આવ્યા તો રાજ્યે તેને પકડીને હદપાર કર્યા.આથી આ સત્યાગ્રહ શરુ
થયો અને વઢવાણથી સત્યાગ્રહીઓ મોરબીમાં ઉતરી પડ્યા,રાજ્યે તેના પર લાઠીઓ વીંજી આથી
સૌરાષ્ટ્રનો સિંહ ગણાતા અમૃતલાલ શેઠ આ પરિસ્થિતિ તપાસવા મોરબી આવ્યા અને સત્યાગ્રહ
વધુ જલદ બન્યો.આખરે રાજ્યે સ્વદેશી પ્રચાર અને વિદેશી બહિષ્કારની પ્રવૃત્તિ કરવા
દેવા માંડ્યુંને લોકો નો વિજય થયો.
વણોદ સત્યાગ્રહ,ઇ.સ.૧૯૩૧.
વણોદએ
સુરેન્દ્રનગર જીલ્લાના દસાડાની બાજુમાં મુસ્લિમ દરબાર મલેકનું (મૂળ રાઠોડ) રાજ્યહતું. ઇ.સ.૧૯૩૧માંઆ સત્યાગ્રહ
થયો ત્યારે ત્યાના દરબાર હુસેનમહમદખાનજી હતા તેણે વણોદના વતની વીરચંદભાઈ ભીખાભાઈ શેઠ પ્રત્યે અન્યાયી
અને તુમાખી ભર્યું વર્તન દાખવતા આ સત્યાગ્રહ થયો હતો.ધોલેરાના સત્યાગ્રહમાં સજા
પામેલા વીરચંદભાઈ ભીખાભાઈ શેઠ વણોદ આવતા રાજ્યે તેના ઉપર કેટલાક કડક પ્રતિબંધો
લાદયા પણ એજન્સીએ વચે પડતા એ પ્રતિબંધોના
હુકમો દરબારે રદ કરવા પડ્યા પણ તેમને આ થુકેલું ગળ્યા જેવું લાગતું અને ખટક્યા
કરતુ હતું એવામાં એક દિવસ સેવાદળનો ગણવેશ
પહેરવા બદલ વીરચંદભાઈ ભીખાભાઈ શેઠને માર મારવામાં આવ્યો આ બાબતમાંથી ગણવેશ
સત્યાગ્રહ શરુ થયો તે આ વણોદ સત્યાગ્રહ .
ધ્રોળનો ઝંડા સત્યાગ્રહ,ઇ.સ.૧૯૩૧.
ધ્રોળ રાજ્યમાં ૭૧
ગામનો સમાવેશ થતો હતો. આ રાજ્યમાં સત્યાગ્રહીઓ આગળના સત્યાગ્રહોનો વિજય સંદેશ
સમગ્ર ગુજરાતમાં ફેલાવવા માંગતા હતા ને તે લોકો વિજય સંદેશ ધ્રોળ રાજ્યમાં ફેલાવવા માંગતા હતા,આ સમયે ધ્રોળ રાજ્યની પરિસ્થિતિ ખરાબ
હતી,આથી ધ્રોળમાં જાગૃતિ માટે સભા ભરવાને ભાષણો કરવા પુરૂસોતમ ગોવિંદજી ઉદેશી
આવવવાના હતા પણ રાજ્યે સભાની મંજુરી ન આપતા તેઓએ સભા સ્થળે રાષ્ટ્રધ્વજ હાથમાં
રાખીને બેસી રહ્યા ત્યારે રાજ્યની પોલીસે આવીને તેમની પાસેથી રાષ્ટ્રધ્વજ ખુચવી
લીધો એ રાષ્ટ્રધ્વજ પાછો મેળવવા આ સત્યાગ્રહ થયો અંતે રાજ્યે રાષ્ટ્રધ્વજ પાછો
આપવો જ પડ્યો ૧૭તેથી સત્યાગ્રહ સફળ થયો.
ધાંગધ્રા સત્યાગ્રહ,ઇ.સ.૧૯૩૧.
ધાંગધ્રાના એક કાર્યકર
મોહનલાલ પિતાંબરદાસ સંઘવીએ રાજ્યના કેટલાક અવિચારી પગલાનો અને કાયદાઓનો વિરોધ
કર્યોને૧૮ રાજવીની સામે પડ્યા અને વેપારીઓનું એક મોટું ટોળું
ઉભું કરી ફરિયાદ કરવા રાજમહેલે ગયા પણ રાજ્યે તેને સાંભળવાને બદલે પકડી લીધાને ૩૬
કલાક ભૂખ્યા ગોંધી રાખ્યા પછી બળજબરીથી માફી મંગાવી છોડ્યા.ત્યારે સંઘવીએ રાજ્ય
છોડી વઢવાણ જતા રહ્યાને ત્યાંથી રાજ્ય સામેની લડત અને લખાણો ચાલુ જ રાખ્યા,૧૯
જયારે ધાંગધ્રામાં કાઠિયાવાડ રાજકીય પરિષદનું અધિવેશન ધાંગધ્રામાં
ભરવાનું નક્કી થયું પણ રાજ્યે આ અધિવેશન ભરવાની પરવાનગી ન આપી ત્યારે લોકો પરિષદ
અહી જ યોજવા હઠે ભરાયા,ત્યારે રાજ્યે તેના વિરુદ્ધ કડક પગલા લીધાને દમન ગુજાર્યું
ત્યારે લોકોએ ૨૧ -૯ -૧૯૩૧ને ધાંગધ્રા દીન તરીકે ઉજવવાનું નક્કી કર્યું,વળી સભા
સરઘસો નીકળ્યા.આ સત્યાગ્રહની અસરો બધે પહોચતા અનેક ગામના લોકો ધાંગધ્રા આવ્યાને
રાજ્યનો ૪ મહિના જોરદાર વિરોધ કર્યો પણ આ સત્યાગ્રહ નિષ્ફળ નીવડ્યો અલબત લોક
જાગૃતિ જરૂર વધી હતી.
પાંચ તલાવડાનો ખેડૂત સત્યાગ્રહ,ઇ.સ.૧૯૩૭- ૩૮.
ભાવનગર રાજ્યના
પાંચતલાવડા ગામે ઇ.સ. ૧૯૩૭-૩૮માં આ સત્યાગ્રહ થયો. અંટાલીયા ગામમાં ખેડૂતોનું એક
સંમેલન મળ્યું હતું તેમાં ત્રણ વ્યક્તિને ખેડૂતોને ઉશ્કેરવાના આરોપ હેઠળ ૩ મહિનાની
સજા અને હદપાર કરવામાં આવ્યા હતા પણ ત્રણેય જણે સજા ભોગવીને હદપારીના હુકમનો ભંગ
કર્યો,તેથી રાજ્યે પાછા પકડ્યા અને ૬ માસની સજા કરતા આ સત્યાગ્રહને વધુ ઓપ આપવા
પટ્ટાભી સીતારામૈયા અને ઢેબરભાઈ અને બળવંતરાય આવ્યાને લોકોને વધુ નિર્ભય બનવા હાકલ
કરી તેથી રાજ્યે તેનો હદપારીનો હુકમ રદ કરી જેલ મુક્ત કર્યા.
વળા સત્યાગ્રહ,ઇ.સ.૧૯૩૮.
વળામાં વખતસિંહજી
ગોહિલનું રહ્યું હતું તેઓ કમળેજ ગામના હીરાલાલની અસર હેઠળ ખૂબ જ હતા ને તેની
દોરવણીથી જ રાજ્યની ઘણી ખરી હિલચાલો થતી હતી.રાજ્યે ખેડૂતો માટે ઘણા બધા પ્રકારના
વેરા અને વેઠના હુકમો લાદયા હતા.રાજવીને માતાપુત્રનો ઝગડો ચાલતો હતો ત્યારે
આત્મારામ ભટ્ટ વળા આવ્યા અને નાગરિક હક્કો માટે સત્યાગ્રહ કર્યોને રાજ્યે અંતે
નમતું જોખ્યું.
આ સત્યાગ્રહમાં
ખેડૂત આગેવાન પદમશી પટેલના ભાઈ બેચરભાઈનું ખૂન રાજ્યાશ્રિત તોફાની તત્વોએ ખૂન
કર્યું .આથી લોકોએ સ્ત્રી પુરુષો બાળકો,હળ,બળદો સહીત આવી વળાના દરબારગઢને ઘેરી
લીધો,આથી બ્રિટીશ સરકારે વચે પડીને વખતસિંહજીને રાજ્યનિકાલ કર્યા અને યુવરાજ
ગંભીરસિંહજીને કામચલાવ સતા આપી દેવામાં આવી આ રીતે પ્રજાએ દબાણ લાવી રાજવીને
બદલવામાં આવ્યા.
મોટા ચારોડિયાનો સત્યાગ્રહ,ઇ.સ.૧૯૩૮.
આ ગામ પાલીતાણા
રાજ્યમાં આવેલ હતું અહી ગારિયાધારના શંભુશંકર ત્રિવેદીની સારી એવી અસર પડેલને મોટા
ચારોડિયાના લોકો રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા હતા ,અહીના વલ્લભભાઈ ભીમજીભાઈ પટેલ
ખેડૂત આગેવાન હતા. પાલીતાણા રાજ્યે જમીન મહેસૂલ દુષ્કાળ છતાં વધાર્યું અને કડકાઇથી
વસુલ કર્યું ત્યારે ખેડૂતોએ નાકરની લડત અહી શરુ કરી રાજ્યે દમન ગુજાર્યું.તેથી
૧૦૦થી વધુ કુટુંબો બાળકો ઘોડિયા સાથે હિજરત કરી પાલીતાણાના રાજમહેલ સામે બેસી
ગયા,આખરે રાજ્યે સમાધાન કર્યું.
લીંબડી સત્યાગ્રહ,ઇ.સ.૧૯૩૮.
લીંબડીના રાજવી
દોલતસિંહજીના સમયમાં પ્રજા ઉપર કરભારણ બહુ મોટા પ્રમાણમાંહતું, રાજ્યનો વહીવટ તો
યુવરાજ દિગ્વિજયસિંહજી અને દીવાન ફતેસિંહજીના હાથમાં હતો.આ સમયે લીંબડી રાજ્ય
પ્રજામંડળની સ્થાપના થઇ હતી અને ધીરે ધીરે લોકોમાં વધુ જાગૃતિ આવી રહી હતી.આ
પ્રવૃતિને ડામવા માટે હિન્દુઓનું ‘સનાતન મંડળ’ અને ‘મુસ્લિમ જમાત’ની સ્થાપના કરી અને ભાગલા પાડો ને રાજ કરોની નીતિ અખત્યાર
કરી. આ સમયે લીંબડી રાજ્ય પ્રજામંડળની બેઠક મળવાની હતી તેમાં અનેક લોકોને રાજ્યે
પકડ્યા,માર માર્યા અને અત્યાચારોથી પ્રજા વધુ ઉશ્કેરાય અને પરિષદનું સભાસ્થળ
રણસંગ્રામ બની ગયું.આ સમયે રાજ્યના રાખેલા ભાડુતી માણસોએ ખૂબ જ અત્યાચારો કરતા
પટ્ટાભી સીતારામૈયાએ કહ્યું કે “લીંબડીના જુલમો તો જલિયાનવાલા બાગના હત્યાકાંડ કરતા વધી જાય
એવા હતા.” આના હિસાબે
લીંબડી રાજ્યમાંથી ૫-૬ હજાર લોકોએ હિજરત
કરી અને આજુબાજુના રાજ્યમાં ચાલ્યા ગયા૨૦
આથી આ સમયે ગાંધીજી અને સરદાર પટેલે હિજરતીઓને અભિનંદન આપ્યા. લીંબડીના આ
હિજરતીઓની બીના ભારતભરના અખબારો અને લંડનના છાપાઓમાં છપાઈ હતી. લીંબડીની લડતના
સમાચારો ‘જન્મભૂમિ’માં છપાતા
લીંબડીમાં એ અખબાર પર પ્રતિબંધ મુકાયો હતો.૨૧
રાજકોટ સત્યાગ્રહ, ઇ.સ.૧૯૩૮-૩૯.
રાજકોટ રાજ્યમાં પ્રાત:સ્મરણીય શ્રી લાખાજીરાજના અવસાન પછી દીવા પાછળ અંધારું૨૨ એવા ધર્મેન્દ્રસિંહજી ગાદીએ આવ્યા તેઓ વધુ પડતા એશોઆરામી અને રાજ્યતંત્રમાં બહુ ધ્યાન નહિ આપનાર હતા.રાજ્યની પૂરી લગામ દીવાન દરબાર વીરાવાળાના હાથમાં જ હતી.ધર્મેન્દ્રસિંહજીના મોજશોખ અને કુવહીવટથી રાજ્યની તિજોરીનું તળિયું દેખાય ગયું હતું.આ સમયે રાજ્યે આવક વધારવા દીવાસળી, ખાંડ,બરફ, સિનેમા વગેરેના ઇજારા આપ્યા.રાજકોટમાં કાર્નિવલ કંપનીને જુગાર રમાડવાનો પરવાનો અપાયો,ત્યારે લોકોએ તેનો વિરોધ કર્યો,સાંગણવા ચોકમાં સભાઓ ભરી અને સત્યાગ્રહ ચાલુ કર્યો.ઢેબરભાઈ અને જેઠાલાલ જોશી તેના શરૂઆતના નેતા હતા.લોકોએ બાકસના કાયદાને તોડ્યો,૨૩ આ સત્યાગ્રહમાં રાજ્યે ૧૦૦૦ જેટલા લોકોને
પકડીને સરધારના જંગલમાં છોડી દેવાયા,સભા સ્થળે લોકો પર ઘોડા દોડાવવામાં આવ્યા કેટલાકને ઢસડવામાં આવ્યા. ફુલછાબના પ્રથમ પાને આ સત્યાગ્રહની ટીકા કરતા રસપ્રદ કાર્ટુનો છપાયા.૨૪આ સત્યાગ્રહમાં રાજ્યની પોલીસે ગુંદાના સવદાસભાઈને નિર્દયતાથી માર મારતા તેનું અવસાન થયું અને આ
સત્યાગ્રહના પ્રથમ શહીદ થયા.
આ
પછી તો વીરાવાળા વધુને વધુ ઉશ્કેરાયેલા રહ્યા હતા.ઠાકોરસાહેબે સમાધાન કર્યું પણ એ
સમાધાન વીરાવાળાએ ફોક કરાવ્યું,આવા અનેક કાવાદાવા રાજકોટ સત્યાગ્રહમાં થયા.આ બાબતે
સર મોરીસ ગ્વાયરે ચુકાદો આપ્યો તે ગાંધીજીએ ફેકી દીધો.૨૫
ગાંધીજી રાજકોટ આવી રાષ્ટ્રીયશાળામાં ઉપવાસ આદર્યા ત્યારે પણ વીરાવાળાએ ઉપવાસ
તોડાવવા કે સત્યાગ્રહ પૂર્ણ કરવા માટે
કેટલાક પ્રયત્ન કર્યા.૨૬ પરતું ગાંધીજી સૌરાષ્ટ્રની મુત્સદીગીરી સામે
હારી ગયા અને વીરાવાળાના હ્રદય પલટો કરાવવામાં અહિંસા ન ફળી અને નિરાશા જ સાપડી.ગાંધીજીના ભગીરથ પ્રયત્નો પછી પણ
વીરાવાળાએ જરા પણ મચક ન દીધી.૨૭આખરે ગાંધીજીએ નિરાસ હ્રદયે
ઉપવાસ છોડી દીધા અને કહ્યું કે “ મને અને સરદારને ભૂલી જાવ હું હાર્યો છું પણ તમે જીતજો”૨૮
આ
રીતે રાજકોટ સત્યાગ્રહ નિષ્ફળ નીવડ્યો ગણાય,પરંતુ તેનો પ્રચાર અને પ્રસાર સમગ્ર
ભારતમાં થયો હતો અને પ્રજા જાગૃતિમાં સંગઠનમાં અને સહન કરવામાં લોકો ખૂબ જ આગળ
પડતા થઇ ગયા હતા તે આ સત્યાગ્રહની અગત્યતા છે ને ગાંધીજી અને સરદાર પટેલ સીધી રીતે
આ સત્યાગ્રહની સાથે જોડાયેલા હતા.
આરઝી હકૂમત જૂનાગઢ,ઇ.સ. ૧૯૪૭.
આરઝી
હકૂમત જૂનાગઢ રાજ્યને પાકિસ્તાનમાંથી છોડાવવા માટે ૨૪-૯- ૧૯૪૭ના રોજ ગાંધીજીના
ભત્રીજા શામળદાસ લક્ષ્મીચંદ ગાંધીના નેતૃત્વમાં મુંબઈમાં રચાઈ હતી તેના પ્રયત્નોને
હિસાબે જૂનાગઢને ૯-૧૧- ૧૯૪૭ના રોજ સ્વતંત્રતા મળી હતી.પણ એ આઝાદી બાદની સ્વતંત્ર
ઘટના હોવાથી અહી તેનો માત્ર નામોઉલ્લેખ જ કરી છીએ.૨૯
મૂલ્યાંકન
સ્વાતંત્ર્ય ચળવળમાં સૌરાષ્ટ્રની પ્રજાએ
સંગઠનશક્તિનો અને લોકશાહીના વિચારોનો
બ્રિટીશરો અને રાજાઓને પરિચય
કરાવ્યો અને તેમના દરેક સ્વાતંત્ર્યવીરોમાં કેટલો ત્યાગ,સત્યનિષ્ઠા અને
સહનશક્તિ પડેલા છે તેનો અખબારો દ્વારા ભારતભરમાં પરિચય કરાવ્યો હતો.ભલે આ સત્યાગ્રહો બ્રિટીશ સરકાર સામે સીધા ન
હતા છતાં તેણે બ્રિટીશ સરકારને મહાત કરવા માટે સારી એવી અસર કરી હતી.
બ્રિટીશ
હિદની સ્વાતંત્ર્ય ચળવળની ઘટનાઓના પગલે પગલે દેશી રજવાડાના વિસ્તારોમાં પણ
રાષ્ટ્રીય જાગૃતિ આવી અને અનેકવિધ લડતો ચલાવી સૌરાષ્ટ્રની પ્રજાએ બ્રિટીશ સામ્રાજયને
કાઢવામાં તેમણે આ પ્રકારનું મહત્વનું પ્રદાન કરીને ગુજરાતી પ્રજાનું નામ બહાર
કાઢ્યું હતું.જે કાર્ય સ્વાતંત્ર્ય સૈનાની
માટે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કાર્ય હતું તેમ છતાં તેમણે સૌરાષ્ટ્રના અનેક
રજવાડાઓને મહાત કરી હરાવી,પોતાની પ્રજાલક્ષી માંગણી અને સુધારાઓ કરાવી અનેક
રાજ્યોમાં વિજયો મેળવ્યા હતા.
પાદનોંધ
(૧ ) જાની એસ.વી. ‘ ઇતિહાસની આરસીમાં
સૌરાષ્ટ્ર ‘ રાજકોટ,પ્ર.આ. ઇ.સ. ૨૦૦૪,પૃ. ૮૬.
(૨) ખાચર પ્રદ્યુમ્ન (સંપાદક. મૂળ કર્નલ
વોટસન કૃત સંશોધિત આવૃત્તિ ) ‘કાઠિયાવાડ
સર્વસંગ્રહ ‘ જૂનાગઢ,ઇ.સ.૨૦૦૫,પૃ.૧૫૫
(૩) નં. ૧ મુજબ પૃ.૮૪.
(૪) શાહ કાંતિલાલ’ ‘સૌરાષ્ટ્રમાં
ગાંધીજી આશા અને પૂર્તિ’ રાજકોટ,પ્ર.આ. ઇ.સ. ૧૯૭૨ ,પૃ. ૯૩ .
(૫) ‘ધાંગધ્રાના ધર્મ
ગીતો’ ખાદી પ્રચાર કાર્યાલય, ધાંગધ્રા,પૃ. ૩ .
(૬) . દફતરનં ૩ ફાઈલ નં ૩૧ અનુક્રમ નં ૧૩
વિવિધ છપાયેલા ગીતોની ફાઈલ – ગુજરાત રાજ્ય અભિલેખાગાર રાજકોટ.
(૭)
દફતરનં ૨ ફાઈલ નં ૧૪ અનુક્રમ નં ૪ સત્યાગ્રહ અંગેની પત્રિકાની ફાઈલ
– ગુજરાત રાજ્ય
અભિલેખાગાર રાજકોટ.
(૮) ખાચર પ્રદ્યુમ્ન ‘સૌરાષ્ટ્રનો
ગૌરવવંતો ઈતિહાસ’ રાજકોટ,પ્ર.આ. ઇ.સ. ૨૦૧૦,પૃ. ૩૪૬ (૯ ) .’સૌરાષ્ટ્ર મિત્ર’ તા. ૧૭- ૭
-૧૯૩૦,પૃ .૪૬૮.
(૧૦) દફતરનં ૧૧ ફાઈલ નં ૧૭૩ અનુક્રમ
નં.૧૨૧ ખાખરેચી સત્યાગ્રહ અંગેની
ફાઈલ – ગુજરાત રાજ્ય અભિલેખાગાર રાજકોટ.
(૧૧ ) ગુજરાત ટાઈમ્સ તા.
૨૧-૧- ૧૯૩૦,પૃ.૮.
(૧૨) જાની એસ.વી. ‘ સૌરાષ્ટ્રનો ઈતિહાસ ‘ રાજકોટ,પ્ર.આ.
ઇ.સ. ૨૦૦૩,પૃ. ૪૯૧.
(૧૩) દફતરનં ૩ ફાઈલ નં ૩૨ અનુક્રમ નં ૧૪ ધોલેરા
સત્યાગ્રહ સમાચાર તા ૭-૨-૧૯૩૨ ગુજરાત રાજ્ય અભિલેખાગાર,રાજકોટ.
(૧૪) શાહ કાંતિલાલ’ ‘સૌરાષ્ટ્રમાં
ગાંધીજી આશા અને પૂર્તિ’ રાજકોટ,પ્ર.આ. ઇ.સ. ૧૯૭૨ ,પૃ. ૧૩૪
(૧૫)
.ગુજરાત સત્યાગ્રહ સમાચાર વિરમગામ
અંક, તા.૧૦-૫-૧૯૩૦
(૧૬) દફતરનં ૪ ફાઈલ નં ૩૨ અનુક્રમ નં ૫૨ વિરમગામમાં
પરદેશી માલ બહિષ્કારની ફાઈલ ગુજરાત રાજ્ય અભિલેખાગાર,રાજકોટ.
(૧૭) ગુજરાત ટાઈમ્સ તા.
૨૧-૧- ૧૯૩૦,પૃ.૮.
(૧૮) દફતરનં ૮ ફાઈલ નં ૧૨ અનુક્રમ નં ૯૨ ધાંગધ્રા
સંબંધી કરેલા ઠરાવોની ની ફાઈલ ગુજરાત રાજ્ય અભિલેખાગાર,રાજકોટ.
(૧૯) મુંબઈ સમાચાર તા.
૨૫-૯-૧૯૩૧
(૨૦) દફતરનં ૮ ફાઈલ નં ૧૩૪ અનુક્રમ નં ૯૬
લીંબડીની લડતની બોયકોટ કમિટીની ફાઈલ ગુજરાત રાજ્ય અભિલેખાગાર રાજકોટ.
(૨૧) દફતરનં ૮ ફાઈલ નં ૧૩૨ અનુક્રમ નં ૯૫
લીંબડીની લડતની ફાઈલ ગુજરાત રાજ્ય અભિલેખાગાર,રાજકોટ.
(૨૨) શાહ કાંતિલાલ’ ‘સૌરાષ્ટ્રમાં
ગાંધીજી આશા અને પૂર્તિ’ રાજકોટ,પ્ર.આ. ઇ.સ. ૧૯૭૨ ,પૃ. ૨૦૩.
(૨૩) ફુલછાબ તા.
૭-૧૦-૧૯૩૮,પૃ .૯ .
(૨૪) ફુલછાબ તા.
૧૪-૧૦-૧૯૩૮,પૃ .૧ .
(૨૫) ફુલછાબ તા.
૧૯-૫-૧૯૩૯,પૃ .૨૯.
(૨૬) ફુલછાબ તા.
૧૯-૫-૧૯૩૯,પૃ .૧૧.
(૨૭) ફુલછાબ તા. ૨૪-૪-૧૯૩૯,પૃ
.૨૬.
(૨૮) ખાચર પ્રદ્યુમ્ન ‘ કાઠીઓ અને કાઠિયાવાડ
‘ (પીએચ.ડી.નો
પ્રકાશિત મહાશોધ નિબંધ) સણોસરા.ઇ.સ. ૨૦૦૫,પૃ.૩૫૬.
(૨૯) જેની વધુ વિગતો માટે જુઓ ડો.પ્રદ્યુમ્ન
ખાચર ‘ સોરઠ સરકાર
નવાબ મહાબતખાનજી ‘જૂનાગઢ,.ઇ.સ. ૨૦૧૨.
*
ગુજરાત રાજ્ય સમાજશાસ્ત્ર પરિષદના ૨૩માં અધિવેશન આપેલ કીનોટ લેકચર
તા .૨૦ -૨૧ ફેબ્રુઆરી ૨૦૧૬ જૂનાગઢ
.
.
Comments
Post a Comment