અંગ્રેજ મહિલાની શિવભક્તિ – ડૉ.પ્રદ્યુમ્ન ખાચર


                 અંગ્રેજ મહિલાની શિવભક્તિ   ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
આજે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે,ચારે બાજુ ધરતી જળબંબાકાર થઇ ગઈ છે,હેતભર્યા પ્રેમીઓ પ્રિયતમાને મળવા અધીરા બને તેમ નદી નાળાઓ સમુદ્રને મળવા માટે અધીરા થઇ ગયા છે,આવા સમયે આજ મધ્યપ્રદેશની ધરતી ઉપર એક અંગ્રેજ મહિલાએ કરેલ શિવભક્તિની વાત માંડવી છે.
કાળા માથાના માનવીએ જુદાજુદા ધર્મો સ્થાપ્યા છે,બાકી માણસ તો દેખાવમાં અને શરીરમાં ને  તમામ અંગોમાં તો એક સરખા જ લાગે છે.તોય આ ધરતીના કાળા માથાના માનવીએ જ એ બધું એકબાજુ મુકાવીને જુદા જુદા ધર્મોની ધજા તેમના હાથમાં પકડાવી દીધી,તેથી તેને પછી બીજા ધર્મની ધજા દેખાતી બંધ થઇ જાય છે.પણ એમાં કોક અપવાદરૂપ જીવ પણ ધરતી પર જન્મે છે કે જન્મે મુસ્લિમ હોય અને કૃષ્ણની પૂજા કરે,જે જન્મે અંગ્રેજ હોય અને શિવની પૂજા કરે.મોટેભાગે  અંગ્રેજો અને ખ્રિસ્તીઓ એ હિંદુ દેવી દેવતાઓને પૂજ્યા હોય તેવા દાખલાઓ ઓછા જોવા મળે છે.પણ અહી તો આજ અહી એક અંગ્રેજ મહિલાની શિવ ભક્તિની વાત કરવી છે.એ મહિલા હતી મીલીટરીના અંગ્રેજ કર્નલ માર્ટીનની પત્ની.
આ કર્નલ માર્ટીન એટલે ખૂંખાર અને  જડબાતોડ જવાબ આપે એવો ફાટેલ ઓફિસર કે જેણે ઇ.સ.૧૮૮૦ના અફઘાન યુદ્ધમાં ભાગ લીધો હતો,પણ ત્યારે તે હારી જતા તેને જીવતર ઝેર જેવું લાગવા માંડ્યું,આથી થોડા સમય પછી અંગ્રેજ સેનાપતિએ ફરી વાર કંદહાર ઉપર ચડાય કરી,ત્યારે કર્નલ માર્ટીન ને કંદહાર જવાનો હુકમ મળ્યો ત્યારે તે જાજરમાન અને સ્વરૂપવાન મઢમને આગરની છાવણીમાં મૂકીને યુદ્ધને મોરચે ચાલ્યો ગયો અને કેટલાય દિવસો થયા છે પણ ત્યાંથી  કોઇપણ પ્રકારના ખબર અંતર કે વાવડ ભારતમાં રહેલી આ અંગ્રેજબાઈ ને મળતા નથી,એ તો બિચારી રાત દિવસ વિચારે ચડે છે કે મારા ખાવિંદનું શું થયું હશે,એ ક્ષેમકુશળ તો હશે ને?વળી પાછી રાતના છેલ્લા મસળકે તેની નીંદર ઉડી જાય ત્યારે પાછી ક્યારેક અમંગળ વિચાર કરવા માંડે કે કર્નલ માર્ટીન ક્યાંક હારી તો નહિ ગયા હોયને? કે દુશ્મનના હાથમાં પકડાય તો નહિ ગયા હોયને? યુદ્ધમાં માર્યા તો ગયા નહિ હોયને?આવું વિચારતા તેનું હદય થડક થડક થવા માંડે,આવા વિચાર આવતા આકુળ વ્યાકુળ થઇ જાય પણ બાઈ હતી શ્રદ્ધાવાન તેથી વળી પાછી વિશ્વાસમાં આવી જાય કે મારો ઈશ્વર આવું ન થવા દે.એવામાં એક દિવસ મન ક્યાય ચોટતું નહોતું તો એ બાઈ જંગલમાં ઘોડેસવારી કરવા નીકળી ગઈ,ફરતા ફરતા તે આગર શહેરની ઉતર પૂર્વની દિશામાં આવેલ બાણગંગા નદીને કિનારે વૈજનાથ મહાદેવના મંદિરે પહોચી ગઈ,ત્યાં તેણે જોયું કે કેટલાય બ્રાહ્મણો અહી શિવ પૂજા કરતા કરતા મંત્રોચાર કરી રહ્યા છે,પણ એનું હદય તો આકુળ વ્યાકુળ તો હતું જ આવી પરિસ્થિતિમાં ડૂબતો માણસ તરણું પકડે એમ આ મહિલાને અત્યારે ઈશ્ર્વરીય આશ્રયની જરૂર હતી એ પછી હિંદુ હોય કે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય આથી એ તો તરત જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક મંદિરમાં દાખલ થઇ,ત્યાં તો બ્રાહ્મણો અચંબિત થઇ ગયા કે આ વળી શું આવી?પણ અંગ્રેજ મહિલાએ ભાંગી તૂટી ભાષામાં ઘણી બધી વાતો કરી અને ભોળાનાથને બે હાથ જોડ્યા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે જે કોઈ જીવ માત્ર ભગવાન ભોળાનાથને ખરા અંતકરણથી ભક્તિપૂર્વક ભજે છે તેની તમામ ઈચ્છાઓ ભોળાનાથ પૂરી કર્યા વિના રહેતા નથી,આટલું સાંભળતા શ્રીમતી માર્ટીનના જીવમાં જીવ આવ્યો કે તો મારું કામ ભોળાનાથ ન કરે,બ્રાહ્મણો કહે જરૂર કરે, શ્રીમતી માર્ટીન કહે હવે તો મારે કઈ રાહ જોવી નથી તો મને આ ભોળાનાથની પૂજા કરાવી રુદ્રાભિષેક કરાવી દયો,બ્રાહ્મણોએ તો તેને પૂજા પાઠમાં બેસાડી મંત્રોચાર કરાવ્યા અને કીધુકે શ્રદ્ધા રાખજો,ભગવાન ભોળાનાથ જરૂર તમારી મનની વાત સાંભળશે.અંગ્રેજ બાઈને મંદિરનું વાતાવરણ અને બ્રાહ્મણોની વિદ્વતા અને મંત્રોચારના ગાનથી પાકી શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આ હિંદુ દેવ મારી ઉપાધિને ટાળશે અને એનો જવાબ આપશે, શ્રીમતી માર્ટીન તો પૂજાપાઠ કરી પાછી લશ્કરી છાવણીના બંગલે પહોચી ગઈ,પણ હજુ તે ઓમ નમ શિવાય ઓમ નમો શિવાય મંત્રો બોલતી રહે છે.બરાબર અગિયારમાં દિવસે છાવણીના બંગલાના દરવાજે ટપાલીએ અવાજ માર્યો કે શ્રીમતી માર્ટીન. ત્યાંતો શ્રીમતી માર્ટીનને કોઠે બત્રીસ કરોડ દીવા થઇ ગયા,નક્કી ક્યાંક યુદ્ધના મોરચેથી સારા સમાચાર જ આવ્યા હોવા જોઈએ.ટપાલીએ કાગળ શ્રીમતી માર્ટીનના હાથમાં દીધો, શ્રીમતી માર્ટીને ઉતાવળા ઉતાવળા ખોલ્યો તો એમાં લખ્યું હતું કે મારી વ્હાલી હું અહી કુશળ છું પણ મને અહી સતત એવો આભાસ થાય છે કે કોઈ અલૌકિક શક્તિ મારી રક્ષા કરી રહી છે. શ્રીમતી માર્ટીને પત્ર પાછો કવરમાં મૂક્યો ત્યાં તો તેને સાક્ષાત ભગવાને દર્શન દીધા હોય તેવો ભાસ થયો.તેથી શ્રીમતી માર્ટીનને ભોળાનાથ ઉપર અનન્ય શ્રદ્ધા બેસી ગઈ કે આ અદ્રશ્ય શક્તિ બીજું કોઈ નહિ એ ભોળાનાથ જ છે.
થોડા સમયમાં યુદ્ધ પૂરું થઇ ગયું અને કર્નલ માર્ટીન હેમખેમ પાછા આવ્યા ત્યારે શ્રીમતી માર્ટીને વૈજનાથ મહાદેવની આખી માંડીને વાત કરી તે માર્ટીન પણ શ્રદ્ધાવાન હતો તે એને પણ વિશ્વાસ બેઠો કે મેં પણ એ જરૂર અનુભવ્યું છે,કે આ ભોળાનાથ જ હશે,આથી  કર્નલ માર્ટીન અને શ્રીમતી માર્ટીને વિચાર કર્યો કે આપણે આ વૈજનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી ત્યાં મોટું મંદિર બનાવીએ.આથી કર્નલ માર્ટીને તરત જ સ્થપતિઓ,બ્રાહ્મણો અને સોમપુરાઓને બોલાવી વૈજનાથ મહાદેવના મંદિરના જીર્ણોદ્ધારનું કામ રૂપિયા ૧૫000ના ખર્ચે કરાવ્યું  અને થોડા જ સમયમાં મંદિર તૈયાર થઇ જતા મહાદેવની ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
નોંધ –આ મંદિરના એક થાંભલા ઉપર શિલાલેખ કોતરેલ છે કે આ મંદિર કર્નલ માર્ટીન સાહેબ બહાદુરના હુકમથી દફેદાર પ્યારેલાલ,હસ્તક મિસ્ત્રી ભગાજી સવંત ૧૯૩૯? (૧૯૩૮) માહે ઓગસ્ટ ઇ.સ.૧૮૮૨ના બંધાવ્યું છે. આ આગર શહેર  મધ્યપ્રદેશમાં ઉજૈજન થી ૧૭ કિલોમીટર દૂર આવેલ છે.
www.webduniya.com 15000 ના ખર્ચ ની વાત
https/gyanchan.wittyfeed.com  ફોટો સૌજન્ય


Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર