ઝવેરભાઈ પટેલ નામના એક હીરાની પરખ -
એક હીરાની પરખ
તેજસ્વી બાળકો જન્મે છે પણ તેની આર્થિક
પરિસ્થિતિ નબળી હોવાને કારણે તથા ક્યારેક યોગ્ય રાહ ચિંધનારના અભાવે તેની તેજસ્વીતા પણ રોળાય જતી હોય છે પણ તેને
પારખનારા કે મદદ કરનારા જો મળી જાય તો એ હીર ચમકીને દુનિયા અને દેશને મદદરૂપ થઇ
પડે છે અને એ કદી સમાજના ઋણ ને ભૂલતા નથી.
આવો જ એક બાળક પાલીતાણા રાજ્યના
ગારિયાધાર ગામે તા.૯/૧૨/૧૯૦૩ના રોજ લેઉવા પટેલ પિતા
હરખાભાઈ ને ઘેર માતા કુંવરબાઈની કુખે જન્મ્યો અને તેનું મુખારવિંદ અને બાહ્ય
હાવભાવ અને લક્ષણો જોઈ બધાને એમ લાગતું હતું કે આ બાળક જરૂર કઈ નામ કાઢે એવો
તેજદાર લાગે છે પણ તેના પિતા હરખાભાઈ તો સાવ સામાન્ય ખેડૂત એ તો આ બાળકને ક્યાંથી
ભારતની કોઈ મોટી શાળા કે વિદેશની કોઈ સારી શાળામાં દાખલ કરી શકે તેણે તો ઝવેરને
ગારિયાધારની શાળામાં જ દાખલ કરીને પોતાની ફરજ પૂરી થઇ સમજી.
ઝવેરભાઈ તો રોજ નિયમિત શાળાએ જાય અને
દિલ દઈને ભણે અને શાળામાં અનેક સવાલોના જવાબ શિક્ષકોને આપીને નવાઈ પમાડી દે કે આ બાળક ખૂબ તેજસ્વી અને
હિંમતવાન હતો.આ સમયમાં પાલીતાણામાં આદર્શ અને પ્રજાપ્રેમી રાજવી બહાદુરસિંહજી માનસિંહજી ગોહિલ
રાજ્ય કરતા હતા અને તેમના બે ચાર નિયમ એવા હતા કે રાજ્યના તમામ ગામડાઓની મુલાકાત
લેવી એકબીજા લોકોને હળવું મળવું તેમના પ્રશ્નો જાણવા,જાહેર મીટીંગો કરવી.
આવો જ તેમનો એક નિયમ હતો કે દર
ગુરુવારે અને શુક્રવારે રાજ્યની કોઈ શાળાની મુલાકાત લેવી અને વિદ્યાર્થીઓ અને
શિક્ષકો વિશેની જાણકારી મેળવવી.એક દિવસ બહાદુરસિંહજી ગારિયાધારની
જાહેર મીટીંગમાં અને નાગરિકોને આવ્યા અને વિદ્યાર્થીઓને મળ્યા ત્યારે ખૂણામાં
બેઠેલા એક છોકરાએ આંગળી ઉચી કરી તો અધિકારીઓએ ડોળા કાઢ્યા પણ મહારાજા સમજી ગયા કે
આ બાળક કઇક કહેવા માંગે છે તે તરત જ કહ્યું હા બેટા બોલ બોલ તારે શું
કહેવાનું થાય છે.
ઝવેરે પોતાની કાલીઘેલી ભાષામાં જરાય પણ
ગભરાયા વિના પોતાની વાત કરી કે બાપુસાહેબ મારી ચિંતા એવી છે કે અહી ગારિયાધારમાં માત્ર પ્રાથમિક શાળા જ છે તો
હાઈસ્કૂલનું શિક્ષણ આગળ કેમ અને કેવી રીતે મેળવી શકીશ તો આપ ગારિયાધારમાં જ
હાઈસ્કૂલ ખોલોને ?.
પ્રજાવત્સલ અને ઉદાર રાજવી બાળકની
લાગણી અને માંગણી બરાબર સમજી ગયા ને કહ્યું કે બેટા તું તારા ભણતરની જરાપણ ચિંતા
કરતો નહિ બાકી હાઈસ્કૂલ તો બનાવશું પણ એ ક્યારે થાય તે નક્કી નહિ પણ તારે દુનિયાના
જે છેડામાં ભણવા જવું હોય ત્યાં તને પાલીતાણા રાજ્યના ખર્ચે ભણાવવામાં આવશે બસ ને
રાજી ને તું હવે રાતદિવસ એક કરીને મંડ અભ્યાસમાં જ ઊંડો ઉતરવાને દુનિયાને સર
કરવાના સ્વપ્ના જ જોવા માંડ તારા એક પણ કોડ અને હરખને હું ભાંગવા નહિ દઉ.
ઝવેરભાઈ જયારે સારા માર્કે મેટ્રિક પાસ
થયા ત્યારે મહારાજા બહાદુરસિંહજીએ બોલાવ્યા અને પરિણામ જાણી રાજવીએ સામેથી કહ્યું
કે તમારે જેટલું આગળ ભણવું હોય તેનો ખર્ચ રાજ્ય આપશે. આ પછી ઝવેરભાઈએ
ભાવનગર,પુના,અને બેંગ્લોર અભ્યાસ કરી એમએસ.સી.ની પદવી મેળવી ત્યારે ફરી રાજવી
બહાદુરસિંહજી એ ઝવેરભાઈને બોલાવી સૂચવ્યું, તમારે વિદેશ ભણવા જવું છે તો જાવ,આ
સમયે સહુ ઇંગ્લેન્ડ જ ભણવા જતા હતા પણ આ સ્વમાની ઝવેરભાઈને તો ઇંગ્લેન્ડ આપણને
ગુલામ રાખનાર દેશ લાગતો હતો તો કહે હું ઇંગ્લેન્ડ તો કદી ભણવા ન જાવ પણ જર્મની જાવ
એમ કહી પછી આગળ જતા જર્મની ભણવા ગયા હતા.
,જર્મનીમાં ભણ્યા પછી તેઓ અમેરિકામાં ઇ.સ.૧૯૩૩માં કૃષિ વિજ્ઞાનમાં પીએચ.ડી.થયા.આ ઝવેરભાઈના અભ્યાસ પાછળ રૂપિયા ૧૫૦૦૦
જેટલો ખર્ચ કર્યો.ઝવેરભાઈએ અમેરિકામાં ભણતર પૂરું કર્યું અને ભારત આવ્યા ત્યારે તેમને બીજા રાજ્યોમાં ખૂબ જ
ઊંચા પગારે નોકરી મળતી હતી પણ આ ખાનદાન અને સંબંધરખા માનવે રાજ્યના ઋણને ઉતારવા
એમણે એ નોકરી સ્વીકારવાને બદલે સીધા જ પાલીતાણા આવ્યા અને પાલીતાણા રાજ્યની નોકરી
ઈ.સ.૧૯૩3માં
સ્વીકારી ત્યારે મહારાજા બહાદુરસિંહજી બોલી ઉઠ્યા હતા કે આજ રાજના પૈસા ઉગી
નીકળ્યા છે.
રાજવીએ પોતાનો નવો પેલેસ બાંધતા જૂનો
પેલેસ નજરબાગ ઝવેરભાઈને રહેવા આપ્યો. તે રાજ્યની નોકરી પણ કરતા જાય પણ સાથે
સાથે તેમનો મૂળ માંહ્યલો ખેડૂતનો હોવાથી રાતદિવસ બસ ખેતીને જ સમૃદ્ધ બનાવવાના વિચારો આવ્યા કે અનાજનું કેમ વધુ
ઉત્પાદન મેળવી શકાય,પાકમાં કેમ રોગ ઓછા આવે અને રોગો જ
નાબુદ કરી શકાય,ઓછા પાણીએ વધુ પાક કેમ લઈ શકાય.
આઝાદી બાદ ઝવેરભાઈને પ્રધાનપદ,કલેકટર
કે આચાર્ય જેવા હોદાની ઓફર આવેલી પણ તે ન સ્વીકારી અને તેઓ ખેતી બાબતના નિષ્ણાંત
હોવાને લીધે તે એગ્રીકલ્ચર રિસર્ચ ઓફિસર બન્યા અને સરકારી નોકરી કરવા લાગ્યા હતા અને ઇ.સ ૧૯૫૯માં એ નિવૃત થયા અને પોતે જ ઘરને જ પ્રયોગશાળા બનાવી અને
રાતદિવસના અનેક પ્રયોગો ને મથામણને અંતે વધુ ઉત્પાદન આપતા ઘઉંની જાત વિકસાવી બધાએ
કહ્યું કે આ ઘઉંનું નામ ઝવેર -૧ રાખો,તો આ પરગજુ અને લોક કલ્યાણકારી માનવે કહ્યું
કે મેં આ કાર્ય કોઈ માન કે પ્રતિષ્ઠા માટે કર્યું નથી પણ લોક કલ્યાણ માટે જ કર્યું
છે તો તેનું નામ લોક- ૧ જ રાખવું છે.
જેમણે આ ઉપરાંત જુવાર નું એસ ૨૮ તરીકે
ઓળખાતું બિયારણ પણ શોધ્યું હતું,જે લોક- ૧
ઘઉંના ઉત્પાદનથી ખેડૂત અને દેશને કરોડો રૂપિયાનો ફાયદો થાય છે.
એટલું જ નહિ આ મહામાનવે આ શોધની પેટન્ટ
લેવાનો પણ ઇન્કાર કર્યો કે આ કામ પૈસા કમાવા માટે નહિ પણ ખેડૂતોને વધુ પૈસા મળે એ
માટે કર્યું છે. આ પરગજુ અને માનવતા પ્રેમી ને રખાવટ ન ભૂલનાર ઝવેરભાઈના પાંચ
દીકરા અને ચાર દીકરીઓ અમેરિકામાં ખૂબ જ સુખી અને સાધન સંપન છે અને હજુ પાલીતાણાના
મહારાજા બહાદુરસિંહજીને યાદ કરતા થાકતા નથી કે એમની કદરના હિસાબે અમે આ ક્ક્ષાએ
પહોંચ્યા છીએ.
કથાબીજ સૌજ્ન્ય- ‘સંશોધન ગાથા’
બળવંતભાઈ પટેલ અને જયંતિભાઈ પટેલ.
Comments
Post a Comment