રાજની રખાવટ- ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
રાજની રખાવટ- ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
જૂનાગઢની અડોઅડ નાનુ એવું પણ મુખ્ય પાંચ માંહ્યલું કાઠીનું રજવાડું આવેલું હતું એ બીલખાના મૂળ તો તેને છેક પ્રાચીનકાળ સુધી એને ઊંડા લઈ જાય છે,બીલખાને એક સમયે બલિસ્થાન કહેતા હતા,પરંતુ આપણા અભણ અને ભોળા માણસની જીભે એ શબ્દ કાયમને માટે
જળવાય શક્યો નહિ અને ધીરેધીરે માણસની જીભે બદલતા બદલતા એ ગામનું નામ બલિસ્થાન માંથી
બીલખા થઇ ગયું
બીલખા શરૂઆતમાં ખાંટ
ક્ષત્રિયોના હાથમાં હતું, દરબાર વીરાવાળાને જૂનાગઢ નવાબે
બીલખાનો ૧/૩ ભાગ કુંવર પછેડામાં આપ્યો હતો પરંતુ ક્ષત્રિયો તો એકબીજા પાસેથી રાજ્યો
લેતા જ રહ્યા હતા,ત્યારે શુરવીર વીરાવાળાએ ભાયા મેર પાસેથી કાઠીના અનેક માથા ચડાવી
બીલખાનું પૂર્ણ રાજ્ય મેળવ્યું હતું.આ વાળા વંશમાં બીલખાના અંતિમ રાજવી થયા
દરબારશ્રી રાવતવાળા રામવાળા સાહેબ કે જેના મોઢા ઉપર એવી અમીરાત દેખાતી કે કોઇપણ માણસ
તેમને અજાણ્યે સ્થળે પણ જોઈને ઓળખી જાય કે આ કોઈ વટદાર રાજઘરાના ના માણસ છે.આ દરબારશ્રી રાવતવાળા રામવાળાએ એવા પરોપકારી ને લાજવંત ને રખાવટ વાળા
હતા કે તેમની અનેક વાતો જૂની પેઢીના માણસો પાસે સંઘરાયેલી પડી છે,તેઓ રમતગમતના એક અચ્છા ખેલાડી હતા અને ક્રિકેટમાં તો એમને કોઈ ન
પહોચી શકે એવા રસિકજન તેમણે રાજકોટમાં જીમખાના બંધાવીને રમતગમત માટે ભેટ આપીને
પોતાનો રમત પ્રત્યેનો પ્રેમ છતો કર્યો હતો.આ દરબારશ્રી
રાવતવાળા અને ગોડલના રાજકુમાર નટવરસિંહજીના એકબીજાના રખત રખાના સંબંધોની આજ વાત કરવી છે કે ખુમારી અને ખમીર કોઈ દિવસ ક્યાંય
વેચાતા મળતા નથી ,બાકી જો એ બજારમાં મળતી હોત તો
પૈસાવાળાઓ એ જ ખરીદી ન લીધી હોત ?.
ગોંડલના મહારાજા ભગવતસિંહજીનો એક એવો કડક નિયમ હતો કે પોતાના દરેક રાજકુમારોએ
રાજ્યમાં જ પોત પોતાના શોખ અને જ્ઞાનને અનુરૂપ ફરજિયાત
નોકરી કરવી અને એ પગારમાંથી પોતાનું ગુજરાન ચલાવવું,મહારાજા ભગવતસિંહજીના એક રાજકુમાર ભૂપતસિંહજી રાજ્યની હોસ્પિટલમાં ચીફ મેડીકલ ઓફિસર હતા તો બીજા રાજકુમાર નટવરસિંહજી ગોંડલ રાજ્યની રેલવેમાં લોકોમોટીવ સુપ્રિન્ટેન્ડેન્ટ
હતા,આ નોકરી કરતા સાથે સાથે શિકારના જબરા
શોખીન હતા અને એવા હિમતવાન શિકારી કે કોઈ દિવસ સુતેલા સિંહ ઉપર ઘા કરવાનો નહિ
પરંતુ પહેલા સુતેલા સિંહને પથ્થર મારીને જગાડવાનો અને પછી જ તેના ઉપર ઘા
કરનાર સાચા બહાદુર હતા.
ગોંડલ રાજ્યનો સરસાઈ મહાલ વિસાવદર પાસે આવેલો ત્યાં એક દિવસ રાજકુમાર
નટવરસિંહજીને જવાનું થયું તે પોતાની મોટર લઇ નીકળ્યા પણ બીલખા પહોચતા એમ થયું કે
મોટરમાં ક્યાંક રતાંગ પહોચીએ એટલું પેટ્રોલ નથી,આથી જેવા એ બીલખામાંથી પસાર થયા કે તેમને દરબાર રાવતવાળા યાદ આવ્યા
કે અહીંથી થોડુંક પેટ્રોલ આપણે લઇ લઈએ તેથી મોટર બીલખાના દરબારગઢ આગળ ઉભી રાખી
માણસને મોકલ્યો કે જાવ જોઈ દરબારસાહેબ હાજર છે કે નહિ,માણસ દરબારગઢમાં અંદર જઈને પૂછપરછ કરે છે તો ખબર પડે છે કે દરબાર તો
હાજર નથી,પણ ત્યાંના માણસો એટલા વિવેકી હતા તે
કહે ભલેને દરબારસાહેબ હાજર ન હોય એ દરબારગઢ ક્યાં ભેગો લઇ ગયા છે તો અંદર પધારો
બેસો અને રોટલા પાણી ખાઈને જજો પણ સામો માણસ કહે ના અમારે રોકાવું નથી પણ આ તો
ગોંડલના રાજકુમાર નીકળ્યાને તેમની ગાડીમાં અત્યારે થોડું પેટ્રોલ ઓછુ હોય એમ લાગતા
અમે અહી પેટ્રોલનું એક કેન લેવા આવ્યા હતા,પેલા માણસે
પળવારનો પણ વિચાર કર્યા વિના કીધું ઘડીક અહી ઉભા રહો હું હમણાં જ પેટ્રોલનું કેન
ભરતો આવું છું, પેલો માણસ તો જોઈ જ રહ્યો કે વાહ રાજવીની
અનુપસ્થિતિમાં પણ આવી રખાવટ બતાવી શકે છે.એવા માણસો અને
કાઠી દરબારને ધન્યવાદ છે.થોડીવારમાં તો પેલો માણસ પેટ્રોલનું કેન લઇ આવ્યો અને અહી આપી દીધું.
પરંતુ આ પ્રસંગ મોટરમાં બેઠાબેઠા નટવરસિંહજી વાગોળ્યા કરે છે કે
દરબારશ્રી રાવતવાળાની આ રખાવટને આપણે ભૂલવી ન જોઈએ.પછી તો એ રતાંગ જઈ આવ્યા અને પાછા પણ આવીને જેતલસરના પોતાના બંગલે સ્થિર
થઇ ગયા,એવામાં એક દિવસ જેતલસરના રેલવે સ્ટેશન
ઉપર બીલખા રાજ્યનું સલુન જોયું તો નટવરસિહજીએ તરત જ પોતાનો પેલો પ્રસંગ યાદ કરી
તપાસ કરાવી કે આ સલુનમાં કોણ છે,થોડીવારમાં રેલવેના માણસે આવીને કહ્યું
કે બાપુ એમાં બીલખાના દરબારશ્રી રાવતવાળા સાહેબ છે અને એ પોતાની ક્રિકેટની ટીમ
લઈને બેઠા છે અને પોરબંદર ક્રિકેટનો મેચ રમવા માટે જઈ રહ્યા છે,નટવરસિંહજી તો રાજી રાજી થઇ ગયા અને કીધું કે કહો સ્ટેશન માસ્તરને પોરબંદર
જતી ગાડી માંથી આ સલૂન છોડાવી નાંખે ,તે સ્ટેશન
માસ્તરે તરત જ પોરબંદરની ગાડી માંથી સલુન છોડાવી નાખ્યું ને થોડીવારમાં તો ગાડી
ઉપડી તો સલુનમાં બેઠેલા બધા હાંફળા ફાંફળા થવા માંડ્યા કે લે આપણે તો અહી જ પડ્યા
રહ્યા અને ગાડી તો ઉપડી ગઈ,ત્યાં તો દરબાર રાવતવાળા સાહેબ લાલચોળ થઇ ગયા અને કહે બોલાવો સ્ટેશન માસ્તરને કે આવું કેમ
થયું,ત્યાં તો સ્ટેશન માસ્તર સામે જ આવતા
દેખાયા એટલે બાપુનો ક્રોધ થોડોક હેઠો બેઠો,સ્ટેશન માસ્તરે
આવીને બાપુને રામરામ કર્યા અને કહ્યું કે બાપુ અમારા સાહેબના હુકમથી જ મેં સલુનનો
ડબો કાપી નંખાવ્યો છે અને આપને બંગલે ચા પાણી નાસ્તા
માટે બોલાવે છે,દરબાર રાવતવાળા હસ્યા કે અલ્યા અત્યારે
ક્યાં ચા નાસ્તાનો અમારી પાસે ટાઈમ છે તે તમે પૂછ્યા ઘાચ્યા વિના તમે સલુન છોડાવી
નાખ્યું ?
સ્ટેશન માસ્તર કહે ના બાપુ એવું નથી તમારું એક દિવસના પેટ્રોલના
કેનનું ઋણ છે એ બાપુ હજુ ભૂલ્યા નથી,એથી આપ સૌને ચા પાણી નાસ્તા માટે આગતા
સ્વાગતા માટે બોલાવ્યા છે.દરબાર રાવતવાળા મનમાં મનમાં મુંજાય છે
કે તારા રાજકુમારનો ચા નાસ્તો અમને હવે પોરબંદર મેચમાં ટાઈમસર નહિ પહોચવા દે તો
અમે મેચમાં શું મોઢું બતાવશું પણ રાજનું ખોળિયું છે તે બધું ધીરજ થી લે છે અને વિચારે છે કે આમાંય કૈક હશે ચાલો જઈ આવીએ.
આથી ક્રિકેટનો આખો કાફલો જેતલસર નટવરસિંહજી ના બંગલે ગયો અને આગતા
સ્વાગતા માણી પણ સામે પક્ષે દરબાર રાવતવાળા મનમાં મનમાં ઉચા નીચા થાય છે કે ભારે
કરી હો હવે ગાડી તો ગઈ હવે પોરબંદર કેમ પહોચશું.
ત્યાં તો એ પહેલા જ નટવરસિંહજીએ પોરબંદર જતી જે ગાડી છૂટી ગઈ હતી
ત્યારે સ્ટેશન માસ્તરને હુકમ કર્યો કે એ
ગાડી જ્યાં પહોચી હોય ત્યાં જ રોકાવી રાખો અને બીલખા રાજ્યના આ સલુનને સ્પેશ્યલ
એન્જીન જોડાવી પેલી ટ્રેન કરતા પણ સલુનને પોરબંદર વહેલું પહોચાડવું. અને બીજું એન્જીન જોડી સલુનને પોરબંદર
પહોચાડ્યું ત્યારે ત્યાં સ્ટેશને ઉતરીને બધા ખેલાડી વિચાર કરે છે કે આનું નામ
કહેવાય રાજની રખાવટ.
નોંધ –આ નટવરસિંહજી શિકારમાં એક દિવસ એવા
ઘવાયા કે તેમના આંતરડા બહાર નીકળી ગયા હતા તે પોતે હાથે ભેગા કરી નદીમાં ધોઈ
ભેટવાળી બાંધી લીધા હતા,એ પછી બીલખાના મેડીકલ ઓફિસર નંદલાલ
મહેતા જીપમાં જૂનાગઢ હોસ્પિટલે લાવ્યા હતા ત્યાં એમણે છેલ્લા શ્વાસ લીધા,જેમના મરણ બાદ એમનું વિલ નીકળ્યું તેમાં પોતાની બધી મિલકત પોતાના
નોકરોને આપી દેવા જણાવ્યું હતું. આ દરબાર રાવતવાળાના પૌત્ર એટલે આજે
જર્મનીમાં વસતા જગવિખ્યાત ક્રિકેટર યજુવેન્દ્રસિંહજી.
કથાબીજ સૌજન્ય –શ્રી હુસેનબેગ મિર્ઝા બીલખા તથા શ્રી નૌતમભાઈ
કે.દવે,જૂનાગઢ
Comments
Post a Comment