સંસ્કાર અને સંસ્કૃતિથી નીતરતા ઉદાર ચરિત્ર મહારાણા નટવરસિંહજી


         સંસ્કાર અને સંસ્કૃતિથી નીતરતા ઉદાર ચરિત્ર મહારાણા નટવરસિંહજી
 જે પુણ્યશાળી આત્મા હોય અને જેના પૂર્વજન્મના સંચિત કર્મો ભેગા થયા હોય એવા જીવ જ રાજાને ઘેર અવતરતા હોય છે,કાઠિયાવાડમાં જે કેટલાક પુણ્યશ્ર્લોક રાજવીઓ થયા છે એમાં એક ધ્રુવ તારાની જેમ ચમકતું નામ પોરબંદર મહારાણા નટવરસિંહજીનું પણ અવશ્ય આવે છે,જેમનો જન્મ મહારાણા ભાવસિંહજી અને રામબાને ત્યાં તા.૩૦-૬-૧૯૦૧ના રોજ થયો અને તા.૪-૧૦-૧૯૭૯ના રોજ અવસાન પામ્યા.નટવરસિંહજી એ બાળવયે જ પિતાનો સાથ આઠ વર્ષની ઉમરે ગુમાવતા તેમને સંસ્કારી,ગુણિયલ અને આદર્શરાજા બનાવવાનું કામ રાજમાતા રામબાસાહેબના હાથમાં આવ્યું અને એમણે બધા જ પ્રકારના નવરંગી વિદ્વતાના સંસ્કાર આપી ને એક ઉતમ સંસ્કાર પુરુષ  બનાવામાં  જરા પણ કચાશ રહેવા દીધી નહિ.
નટવરસિંહજીએ રાજકોટની રાજકુમાર કોલેજમાં પણ અભ્યાસ કર્યો પણ તે પહેલા તેમના બે શિક્ષકો વિશ્વનાથ પાઠક અને જગજીવન કાલિદાસ પાઠકે પણ કર્યું હતું એ તેઓ ક્યારેય ગુરુભાવ ભૂલ્યા નહોતા.તેનો એક દાખલો જોવા મળે છે કે જયારે તેમનો રાજ્યાભિષેક યોજાયો ત્યારે એ સભાગૃહમાં મહારાણાએ નજર ફેરવી તો તેમની સામે દુર કથાઈ રંગની પાઘડીથી શોભતા એમના ગુરૂ જગજીવન કાળીદાસ પાઠક પાસે જઈને સાફો પડી જવાની દરકાર રાખ્યા વિના નિસંકોચપણે ગયા અને તેમના ચરણોમાં નીચા નમી આશીર્વાદ લીધા હતા,આ સમયે ગુરૂ શિષ્ય આ સુદામાની ભૂમિ પર જ ભેટી પડ્યા અને ત્યારે ગુરૂની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા કે એક રાજાનો વિવેક તો જોવો, આવો તેમનો ગુરૂ પ્રેમ હતો. તેમના રાજકુમાર કોલેજના એક બીજા શિક્ષક હતા ન્હાનાલાલ તે જયારે પોરબંદર આવ્યા ત્યારે તે  મહારાણા ખુદ એમને તેડવા રેલવે સ્ટેશને સામા ગયા હતા,પણ ન્હાનાલાલ એમની સાથે ન આવ્યા અને પોરબંદરના કોળી યુવાન કે જે રાજકુમાર કોલેજમાં ચોકીદાર હતો તેમને ઘેર ઉતર્યા હતા.  
આ એક એવા રાજા હતા કે જેને સામાન્ય ગામડિયાથી માંડીને ટોચના ક્ક્ષાના દરેક વ્યક્તિને ચાહનાર હતા,કાઠિયાવાડના બહુ ઓછા રાજવીઓમાં એ ગુણ હતો કે જેઓ પોતાના રાજ્યમાં સમાવેશ થતા ગામડાઓમાં કાયમ જતા હોય અને સતત લોકસંપર્કમાં જાળવી પ્રજાના સુખ દુઃખથી પરિચિત થઇ રાજ્ય ચલાવનાર હોય,આવા એક નટવરસિંહજી હતા કે તે પોતાના અંતરિયાળ ગામડામાં જઈ ચડે અને રબારી કે મેરના મહેમાન બને,એમાંય મેર તો પોતાની સંસ્કૃતિ અને લઢણ મુજબ મહારાણાને પણ તુંકારાથી બોલાવે પણ કદી એમણે આ અંગે મેરને કદી ટોક્યા નહોતા કે હું રાજા છું તો તમારે મને આમ  તુંકારાથી મને ન બોલાવાય.
મહારાણાએ ઘણા બધા વિદેશપ્રવાસો કરેલા અને ત્યાંથી અવનવું શીખીને આવ્યાને વિચારતા થયેલા કે શિક્ષણ એજ માનવ ઉન્નતિ અને વિકાસનો પાયો નાંખનાર છે.જે ઇ.સ.૧૯૩૨માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બનીને ઇંગ્લેન્ડ રમવા ગયા હતા,જેમને સંગીત,કલા,સ્થાપત્ય અને લેખનનો જબરો શોખ હતો,જાણે કે મહારાણા જેમ જેમ અનુભવતા ગયા અને નજરે જોતા ગયા એમ એમ એક એક કળામાં પારંગત થતા ગયા હતા.
જે મોટા ગજાના વાયોલીનવાદક હતા અને ઇ.સ.૧૯૩૧માં તેમનું વાયોલિનવાદન બી.બી.સી. રેડિયો લંડન પરથી પ્રસારિત થયું હતું. મહારાણા એ ઇ.સ. ૧૯૪૬માં પોતાના ગુરૂ ન્હાનાલાલની પોરબંદરમાં ભરાયેલી શોકસભામાં પહેલી અને છેલ્લીવાર જાહેર વાયોલીન વગાડ્યું હતું, જેના કરૂણ સૂર સાંભળી સૌની આંખમાં આંસુ હતા.જયારે મહારાણા ચારેય બાજુથી ગમગીનીથી ઘેરાયેલા હોય ત્યારે તેને સાથ આપનાર પોતાનું એ વાયોલીન જ રહેતું, ક્યારેક એ વાયોલીન પાસે  મહારાણા એવા સુર વહાવતા હતા કે,
સુખી હું તેથી કોને શું ?
દુઃખી હું તેથી કોને શું ?
  જ્યારે તેમના રાણી રૂપાળીબા ઇ.સ.૧૯૪૩માં અવસાન પામ્યા પછી પોતે ખૂબ જ ગમગીન રહેતા અને એ સમયે તેમનો આશરો સંગીત અને લેખન અને કળા જ રહેતા હતા.જયારે મહારાણા પછી ડી.સિલ્વા સાથે સ્નેહ ને તાંતણે બંધાયા અને જે સન્નારીએ ખ્રિસ્તી ધર્મ છોડી હિંદુ ધર્મ અપનાવી અનંતકુંવરબા નામ ધારણ કર્યું હતું ત્યારે એમના સંગીત  અને અન્ય કળાના શોખે અને વાયોલીને જીવનમાં અનેરો પ્રાણ પૂર્યો દેખાય છે.
નટવરસિંહજી એટલે ઉદાર,કલાપ્રેમી,સાધુપુરુષ અને સત્યના ચાહક અને ક્રિકેટ પ્રેમી હતા, એશિયાની કદાચ પ્રથમ ગણી શકાય એવી ક્રિકેટ સ્કુલની પોરબંદરમાં સ્થાપના કરી હતી, જે પોરબંદરને સંસ્કારીનગરી અને સૌદર્યજડિત નગરી બનાવનાર એ એક શિલ્પી હતા,એ કળા પારખું હતા એ વાતનો એક પ્રસંગ જાણવા જેવો છે કે ચિકાસા ગામના કોળીનો છોકરો કે જે મેકોનિકી ક્લબમાં ટેનિસ બોય તરીકે નોકરી કરતો હતો અને તે ઉગતો ચિત્રકાર હતો ને તેણે એક દિવસ ખંભાળા તળાવનું ચિત્ર પેન્સિલથી તૈયાર કર્યું તે ચિત્ર ભૂલથી ક્લબના ટેબલ ઉપર જ રહી ગયું,જે મહારાણાએ જોયુંને તેઓ ખૂબ જ ખુશ થયા કે આ કોણે ચિત્ર દોર્યું છે,ત્યારે મેનેજર કહે બાપુ એ આપણા ટેનિસ બોય નારાયણ તેજા એ દોર્યું છે,તરત જ કહ્યું કે તો તેને બોલાવો તરત નારાયણ આવ્યો,ત્યારે તેને પૂછ્યું કે શું છોકરા આ ચિત્ર તે બનાવ્યું છે,પેલો નત મસ્તકે કહ્યું હા બાપુ,તરત જ મહારાણાએ કહ્યું બોલ શું તારે પેરિસ ચિત્રકળાની તાલીમ લેવા જઈશ?છોકરો તો રાજી રાજી થઇ ગયો અને હા પાડી,પછી એ છોકરો પેરિસમાં પાંચ વર્ષ તાલીમ લઇ આવ્યો અને વિશ્વ વિખ્યાત ચિત્રકાર બન્યો નારાયણ ખેર,જે એક કલાપારખું રાજવીની દેણ છે.
મહારાણા નટવરસિંહજી જે જે શબ્દો જુદા જુદા પ્રસંગોએ બોલ્યા છે એમાં જ તેમનો પ્રજા પ્રેમ અને સંસ્કારિતા અને તેમના આદર્શ રાજવીપણું જોવા મળે છે કે એક આદર્શ રાજા કેવો હોય એના દર્શન થાય છે,એ એમ કહેતા કે “આ રાજ્ય આપણું નથી આ રાજય હનુમાનજીનું છે”.રાજ્યાભિષેક સમયે તેમણે કહેલું કે “ મારી પ્રજાનું સુખ એ જ મારી જિંદગીનું પ્રથમ કર્તવ્ય છે ને મારી પ્રજાની આબાદીમાં મારું પરમ સુખ માનું છું” તે કાયમ એમ પણ બોલતા કે પોરબંદરની પ્રજા માટે સુખ સગવડના સાધનો સુધરેલી ઢબને અનુસરીને પુરા પાડવા એ મારા રાજ્યની વહીવટની નેમ છે.
મહારાણાને પોતાના બાળકો કેવા વ્હાલા હતા તે વાત આ પ્રસંગમાંથી જાણવા મળે છે કે તેમણે આઝાદીબાદ પોતાનો ‘દરિયા રાજમહેલ’ ભારત સરકારને સપ્રેમ અર્પણ કરતી વખતે એ પત્રમાં લખ્યું હતું કે “જે મહેલમાં મારી માં એ મારું ઘડતર કર્યું હતું એવી જ રીતે અહી તમે પોરબંદરના બાળકોનું ઘડતર કરજો” જોવો તો ખરા કેવો પ્રેમ પ્રજા પરનો.આ મહેલમાં આજે રામબા ટીચર્સ કોલેજ બેસે છે.


Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર