એકલવીર ગૌરક્ષક બડુદાદા - ડૉ.પ્રદ્યુમ્ન ખાચર


એકલવીર ગૌરક્ષક બડુદાદા
ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
આપણામાં કેટલાક એવા અડાભીડ શુરવીરો થયા કે જેણે મદદનો સાદ પડતા જ પોતાના વિષે કે તેમના કુટુંબ વિષે જરાય વિચાર કર્યા વિના તરત હાલી નીકળી બહેન દીકરી કે ગાય કે પશુપંખીને બચાવ્યાના અગણિત દાખલાઓ આ ધરતીમાં સંઘરાયેલા પડ્યા છે એ જયારે લોક મુખે  આવે છે ત્યારે એમ લાગે કે ઓ હો આ દેશનો માનવ આટલો પરગજુ ને દયાળુને બીજાને બચાવનાર રહ્યો છે. આ દેશના ઈતિહાસને સંસ્કૃતિમાં આવા લોકોની સુવર્ણઅક્ષરે નોધ લેવાણીને બહેનો અને ભવાયાના મુખે ચોકમાં  ગવાણી છે અને એ  કથાઓને હજુ પણ  વાંચતા લોકો થાકયા  નથી. સંસ્કૃતિ રખા માણસ  નારાયણજી ગોવર્ધનરામ કળસારકરએ બડુદાદાનું એક ગીત પણ આપ્યું  છે જેને લોકો હોંશેહોશે ગાઈને આ ઘટના ને સદાને માટે માનવીના હ્રદયમાં જીવંત રાખે છે.
સરસ્વતી માતાને સમરીએ,સન્મુખ રહેજો ગણેશ;
ગુણ વરણીવીએ શૂરા તણા,સહાય રહેજો ગણેશ;
સહાય થજો મહેશ,ગુણમતિ ગુણ રા વખાણ;
ચરણે આવ્યો સેવક સુધાર,નમું તુને શારદા કર જોડ ;
શૂરા ખડગે રણછોડ,વસે તરેડે વિપ્ર જોડ;
નહિ આહેરા કોઈ ઘેર,કરવા શત્રુ આવ્યા કેર;
આવ્યા લાગ જોઈ ધાઈ, વાળી ગોંદરે થી ગાય;
મળી પ્રેમ દા ગોર ધામ બડુ સેવે ઉમા શ્યામ;
હર હર શંભુ ભોળાનાથ,બડુએ ટેગ ઝાલી હાથ;
ગાયો વાળવા બલવીર આવ્યો માતરી  રણધીર;
અહરાં  ફોજ આડી ફાળ, વિપ્ર કાળરો મહાકાળ;
ગાયો છોડી દે અસુર, અહરાં ફોજ સાગર પુર;
બમન તેરી તો લઇ જાઓ,દુસરી બાત મત બતાવો ;
બડુએ ટેગ જાલી હાથ ,પાપી લોપશો મરજાદ;
બ્રહ્મા કુળની છે લાજ,કરશું ધનુષ્યનો ટંકાર;
પાડ્યા ભુજ શીષ હજાર, શૂરા રણ થકી મૂકી જાય;
પરશુરામ મુજ કુળ માંય,આવે તેની તો લાજ;
રણભૂમિ ન છોડું ટેક અહરાં  જીવતી મુજ તેગ;
ભુજ બળ જીતવા અસુર,હળાહળ પ્રગતી છે રીસ;
મેલ્યું ખડગ પડ્યું શીષ,ધડ ત્યાં જુજ્તું દશ દીશ;
કોપ્યો વિપ્ર કુળ ભાણ, કરવા રણમાં સંગ્રામ;
માર્યા અસુર ખાગા ધાર,સિંધુ શત્રુ તરવા પાર;
ગરજ્યો મેઘ પ્રલે શૂર,સરિતા લોહીરો બે પુર;
થાયે અવની પરે રોળ,કરે યોગીની કલ્લોલ;
જય જય જોગણી કર જાય,શક્તિ ખપ્પર ભરવા ધાય ;
બડુ રણભુમિ માંહ્ય,પડ્યું રણમાં ભંગાણ;
શૂરા ત્યજી ચાલ્યા પ્રાણ,વાળ્યો વિપ્રે કચ્ચર ઘાણ;
મચ્યો લોહીરો કિચાણ,અસુરે દોરો ગળી દોરો આણ;
ભૈરવ કાશીરા કોટવાળ,આવ્યા પરોવા રૂંઢ માળ;
માળા અક્કયોતેરી થાય,બડુની રણભૂમિ માંહ્ય;
ઢુંઢે ઢુંઢ પડીયા ધરણ,દુશ્મન કંઈક પામ્યા મરણ;
ખડી ફોજ ગાયો આઈ,ધડ પડ્યું અયાવેજ ધાઈ ;
માથું માત્રીની નળ માંહ્ય,શૂરાતનની હજી છે વધાઈ;
વશિષ્ઠ ગોત્રમાં બળવીર,ગુરુ આહેરાં રણધીર ;
મહાદેવ ભક્ત હો મહેરાણ,બડુ વાસુદેવ સુત જાણ;
સંવંત સોળ ત્રણ એંશી,કવિએ કાવ્ય પ્રકાશી;
જય જય જોગણીકર જાય, સુરપુર વાગ્યું વધાઈ;
આજે તો આ ગીતમાંથી જ અહી ગોહીલવાડની ધરતીની મહુવા પાસેના તરેડ ગામના એકલવીર ગૌરક્ષક બડુદાદાની વાત માંડવી છે,ગામમાં ૩૦૦ વરસ પહેલા આહીરોની વસ્તી મુખ્ય હતી.ગામમાં ઔદિચ્ય સિમ્બરીયા  વાસુદેવ નામના બ્રાહ્મણને ઘેર  રાઘવજી અને બડુ નામના બે પુત્રો છે જેમાં મોટો વશિષ્ટ જેવો અને નાનો તો જાણે સાક્ષાત પરશુરામનો અવતાર જોઈ લો. મોટાભાઈ રાઘવજીએ સંસાર માંડ્યો છે પણ નાનો તો કહે મારે તો ભોળાનાથની જ સેવા પૂજા કરીને આજીવન બ્રહમચર્ય વ્રત પાળવું છે ,તેમના પિતા નાનપણમાં ગુજરી ગયેલા તો બધી જવાબદારી મોટાભાઈ પર પણ આ નાનો કેમેય સંસાર માંડવા માને નહિ,જેણે તો શંકરની પૂજા અને  ગૌસેવાનું જ વ્રત લીધું છે ને રુંવાડે રુંવાડે મરદાઈ આંટો મારી રહી છે ને શંકરના ભક્તથી શંકરના ગણ જેવા બડુ ગોર લાગી રહ્યા છે.
આખા ગામના આહીરો સાથે રાઘવજી અદા ગોપનાથના ભાદરવી અમાસના મેળામાં ગયા છે,મેળો કરમદીના ઢુવામાં શિયાળે મધપુડો જામે એવો મેળો જામ્યો છે. તરેડ આખું ગામ ખાલી છે ગામમાં બુઢા,બાળક અને સ્ત્રીઓ સિવાય કોઈ હાજર નથી આવું બોડી બામણીના ખેતર જેવું ગામ રહ્યું છે.આવા સમયે લુંટારાઓ  લાગ શોધતા જ હોય છે કે આંકડે બેઠેલું મધ સહેલાયથી પાડી લઈ ત્યારે ગારીયાધાર પંથકના સંધીઓની દાઢ ડળકી કે આપડે તરેડની ગાયોવાળી આવીએ,ને ૩૦૦ સંધીઓ  ચડી આવ્યા ને ગાયો વાળી ને ગોવાળને લમધાર્યો.  આટલું બનતા ગામની શેરીમાં બોકરણ બોલી ગઈ આવા સમયે ગામમાં ઢોલ વગાડનાર પણ હાજર નથી તે કોણ બુંગીયો ઢોલ વગાડે ?આવા વખતે રાઘવજી અદાના ધર્મપત્ની ઘેર હતા તેની પણ બે ત્રણ ગાયો આમાં ગઈ હતી તે તરત દોડતા બડુભાઈ પાસે શિવ મંદિરે ગયા કે વ્હાલા દિયરજી સંધીઓ આપણી ગાવડીયુનુ  હરણ કરી જાય છે.આટલું સાંભળતા  તો  ભગવાન ભોળાનાથનો ભક્ત પરશુરામની જેમ લાલ આંખ કરી ઉઠયોને ત્રાડ પાડી કે શું બડુના જીવતા જીવ કોણ ગૌહરણ કરી શકે છે,પોતે હાથમાં તલવારને ઢાલ લીધી ને ગાયોની વારે ચડવા હાલી નીકળે છે ગામના વૃદ્ધ લોકો સમજાવે છે કે એકલા આમ ન જવાય પણ એ માને શેના એતો ભાભીના હાથે યુદ્ધ વિજયનું તિલક કરાવી ચાલી નીકળ્યાને સંધીઓ ને આંબી ગયા સમાધાનની  વહટી કરી કે હું ભામણ નો દીકરો છું ગાયો પાછી આપી દયો,મારા  શુરવીર આહીર યજમાનો મેળે થી પાછા આવે ત્યારે ગામ પર લોઠકા હો તો ચડી આવજો પણ જો આજે ગાયો પાછી નહી આપો તો આ બાળ બ્રહ્મચારીનું  નાક જાય તેમ છે. આવા વેણ સાંભળતા તો સંધીઓ ખડખડાટ હસી પડ્યા કે અરે ભૂદેવ છે કઈ તમને  શરમ છે કે નહી તે તમે અમને આવું ભાગવત સમજાવો છો પણ અંતે સંધીએ  એમ કહ્યું કે ભૂદેવ જાવ તમારી ગાયો ઓળખીને પાછી લઇ જાવ પણ જો બધી ગાયો પાછી લેવી હોય તો બ્રાહ્મણના લોહીને અહી રેડવું પડશે. આવા વેણ સાંભળતા તો બડુમાં પરશુરામ જેવો ક્રોધ વ્યાપી ગયો અને તલવાર કાઢીને આડી અવળી સમળવા લાગ્યા ને આગળ વધી જોત જોતામાં અનેકને ઢાળી દીધા,સંધીઓએ સામી જાક ઝીલી ને ત્યારે બડુનું માથું કોઈ સંધીએ માથું વાઢી નાખ્યું તો તેમનું ધડ  ગૌમાતા માટે લડવા માંડ્યું ને લોહીની નીકો વહી ને ખાંદણ મચી ગઈ. બડુના ઘોડાના આગલા બે પગ કપાય ગયા હતા, તેમનું મસ્તક  માતરીની નાળમાં વીરપુર પાસે પડ્યું અને ધડ તો લડતા લડતા છેક અયાવેજ ગામને સીમાડે જઈ પડ્યું. બડુની સાથે તેમની બહેન પાર્વતી પણ જાણે કે આ યુદ્ધ રૂપી જાનમાં લુણ ઉતારવા સાથે આવી હતી બીજી એક બહેન દુધીબાઈ પણ સાથે આવી હતી એણે કેટલાંકને માર્યા આ સાથે બડુનો કૂતરો પણ હતો તે પણ કેટલાક સંધીઓને કરડી ખાય ગયો તે પણ અંતે મરાયો.પણ તરેડની ગાયો પાછી વાળી.આજે પણ વીરપુર ગામને પાદર બડુદાદા ને બે સતીઓ અને કૂતરાંનો પાળિયો આ ઘટનાની યાદ જાળવતો ઉભો છે જેને એમના વંશજો બડુદાદાને  ચોખા,સતીને લાપસી અને કૂતરાંને રોટલો જુવારે છે.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર