એક જ રાતનો ઘર સંસાર


  એક જ રાતનો ઘર સંસાર
મારો રામ જાણે આ પ્રદેશની નદી,નાળા,તળાવ અને કુવાના પાણી કેવા હશે તે આ પાણી પી પી આ પ્રદેશના સ્ત્રીપુરુષો કેવા કેવા અખંડ પ્રેમ,દિલાવરી અને આપબળુકા અને વચનસિદ્ધ તથા જોરાવર પાક્યા છે કે તેની રખાવટ અને જિંદગીના વખાણો કરતા કરતા આજ સુધીના કવિઓની કલમો પણ ટૂંકી પડીને થાકી નથી.એવી તો ઢગલાબંધ નારીઓએ પોતાના ભરથાર પાછળ આખું આયખું અગરબતીની જેમ જ મૂંગામોઢે બાળી મૂક્યું હતું,એને દુનિયાના કોઈ રંગ કે રસ કે સ્વાદ કે શરીરનાં કામે કદી લોભાવી નહિ એવી વાતો સાંભળો ત્યારે તો ઘડીક હદય થડકવાનું ચૂકી જાય અને મગજ કામ કરવાનું બંધ કરી દયે છે કે હે હે શું વાત છે એવું હતું.
 દિલને એક આચકો આપતી અને અખંડ પતિપ્રેમની સત્ય ઘટનાની વાત કરવી છે.ગઢડામાં કાના માલમ નામનો એક દરિયાખેડું રહે જેની કાબેલિયત એવી કે દરિયામાં માખણમાં મોવાળો સરકી જાય એવી રીતના વહાણ હલાવી જાણેને દરિયામાં એનું વહાણ જેમ રેવાળ ઘોડી હાલી જાતી હોય એમ જ જરાય પણ હાલક ડોલક થયા વિના એકધારું ચાલ્યું જાયને કોઈ દિ પણ એના વહાણને કશું નડે નહિને હેમખેમ જ બધી સફળ ખેપ કરી આવે આથી એનો ધંધો એવો ફૂલ્યો ફાલ્યો હતો કે તે કોઈ દિ નવરો જ ન રહે.
આ કાનજી માલમને એક રૂડો રૂપાળો છોકરો,એ છોકરો પણ કામનો એવો પાવરધોને સાંઠી જેવો પણ કોઇપણ કામ બંદુકની ગોળી જેમ કરીને પાછો આવે.
બાપે દીકરાને પણ વહાણવટાની વિદ્યાને તમામ સંકેતો શીખવાડીને એવો પાવરધો કરી દીધો હતો કે ન પૂછો વાત. એવામાં એક દિવસ મહુવા પાસેના ભવાની માતાના મંદિરે બારાપૂંજનો (બંદરની પૂજા)મેળો ભરાયો  હતો તેમાં આખી ખારવાની નાતના જુવાનડા અને જુવાનડીઓ ઉભરાયા છે અને એકબીજાને નીરખી નીરખીને જુવે છે ને પોતપોતાના માટે જીવનસાથીઓ અહી જ ચુંટી લે છે ને  પછી વાયા વાયા વાતું એ એની સગાઈઓ જેને જોયા હોય એની હારે જ વહેલા મોડી થાય છે બસ ત્યાં લગી મેળામાં એકબીજા એ લીધેલી દીધેલી વસ્તુને જોઈને દિ કાઢી નાખવાના.
આ મેળામાં કાના માલમના દીકરા કુકાને એક ગુલાબી ગલગોટા જેવી છોકરી નજરમાં વસી ગઈને તેણે તેના નામઠામ મેળવી લીધા પણ બારાપુંજના મેળા પછી કુકો સાવ ઉદાસ ઉદાસ રહેવા લાગ્યોને રાત દિવસ પેલી છોકરીની જ યાદ આવે તે એક દિવસ તેના મામાએ પૂછ્યું એલા કુકા શું વાત છે વાત કર તો ખબર પડે.ના ના મામા કઈ નથી  એ તો મને હમણાં કળતર રહે છે,મામા કહે એલા તુ શું સમજે છે મારા ધોળામાં ધૂળ નાખે છે ને બનાવે છે જો તુ સાચું ન બોલે તો તને દરિયાદેવ પૂછે.
આથી કુકાએ ફોડ પાડ્યો કે મને ખરેડ ગામની મેઘા ધૂંધળવાની છોકરી ગમે છે ને તે સતત રાત દિવસ યાદ આવી જાય છે બીજું કઈ દરદ નથી.
આથી કુકાનો બાપ અને તેનો મામો આ પ્રેમને સમજી ગયાને મેઘા ધૂંધળવાની દીકરી રૂડકી સાથે માંગું નાખ્યું તે છોકરીના બાપે તો એ જ ઘડી હા પાડી દીધી કે આ તો ગોળથી પણ ગળ્યું ગણાય.
        ટૂંકા સમયમાં રૂડકી અને કુકાના રંગે ચંગે લગ્ન લેવાય ગયા અને હરખે હરખે પૂર્ણ થયા તેથી બને જણા હવે દુનિયાની નજરે છુપાઈને પ્રેમ કરવા કરતા હવે જગજાહેર એકમેકમાં સાવ ઓગળી ગયા છે.
પણ જાણે કે કુદરતને પણ આ રસિલી જોડીની ઈર્ષા થવા માંડી છે પરણ્યાની સવારે   ઉગમણી દશ્યેથી મો સુજે એવી તેજની ટહરિયું ફૂટી રહી છે એ સમયે કુકો મોઢામાં દાંતણ નાખી દરિયા કિનારે ફરી રહ્યો છે ત્યાં તો સામેથી કાળો દેકારો બોલ્યો કે બચાવો બચાવો આટલું સાંભળતા જ કુકાએ પળવારનો પણ વિચાર ન કર્યો કે મારી તાજી પરણેતર ઘેર વાટ જુએ છે કે બીજું પણ કઈ નહિ વિચાર્યું અને એણે તો તરત જ હડી કાઢીને દોટ મૂકીને કપડા સોતો જ દરિયામાં પડ્યો ને પળવારમાં રામડાને ઝાલી લીધો પણ નસીબ જોગે રામડાને તરતા આવડતું નહોતું તો એ ગભરાઈને કુકાને બથ ભરી ગયો અને તરવાની બિલકુલ કોશિશ ન કરી તે બિચારો કુકો એકલો બે હાથે તો કેટલુક તાગે ?
        સામે ઉભેલા ટોળાએ આ બધું જ જોયા કર્યું પણ કોઈએ હિમંત કરી નહિને માત્ર હાકલા પડકારા જ કર્યાને કહેતા જાય કે અરર અરર એ જાય એ જાય.
ત્યાં તો ઘડીકમાં સમુદ્રએ પોતાના પેટાળમાં બન્નેને સમાવી લીધાને લોકો તો બે ચાર કલાક રાહ જોઈ પાછા વળી ગયા. આ સમાચાર ગામમાં પહોચતા કુકાનો બાપ એની માં અને રૂડકી ત્રણેય દરિયા કિનારે  આવ્યા અને પોક મૂકીને દરિયાને ગજવી મૂક્યોને રૂડકીના છાતીફાટ કલ્પાંતે તેના કાળજામાં જાણે કે કાંણા પાડી દીધા પણ દરિયા એ તો એ કશું જ ન જોયુંને બધા આખરે નિસાસો મૂકી પાછા આવ્યા કે અમારા ભાગ્ય બીજું શું?

કુકાનું કારજ પતી ગયું રૂડકીને એ પછી એનો બાપ તેડવા આવ્યો તો રૂડકી કહે બાપુ મારે માવતરે તો નથી જ આવવું,રૂડકીના સાસરિયાંઓ કહે બેટા આપડામાં તો ઘરઘરણાનો રિવાજ છે ને તુ જુવાનજોધ તાજી જ પરણેલી છો તો તારા જેવા જ કોઈક જુવાન સાથે ઘર માંડી દેશું.
આટલું સાંભળતા તો રૂડકી રાતીપીળી થઇ ગઈ અને કહે અરે મારા વ્હાલાઓ મેં મારા ધણી સાથે ભોગવેલ એક રાતનો સંસાર એ અભિમન્યુ અને ઉતરાએ ભોગવેલ છ મહિનાની લાંબી રાતો જેટલો જ છે મારે હવે સંસાર સુખના કોઈ અભરખા નથી.હું તો બસ  દરિયા કાંઠે કુકાની જે ખાંભી ઉભી કરી છે એની રોજ પૂજા કરીશ અને સાસુ સસરાને સાંચવીને મારી જિંદગી ગાળી નાખીશ.
પછી તો રૂડકી રોજ દરિયે જાય છે અને પોતાના પિયુના પાળિયાને નવરાવે ફૂલ ચડાવે,વાતો કરે અને કાયમ આ ગીત ગાતી જાયને દરિયાને ઠપકો દેતી જાય.
પરણ્યો મારો સાગનો સોટો,
દરિયા તારે મારવો નો તો,
શંખ ઘણાને છીપલાં ઝાઝા,
હાડું ની નો’તી તારે તાણ,
ત્રણ અભાગીને દુઃખડાં દેવા,
કરવી નો’તી આવી હાણય,
પરણ્યો મારો સાગનો સોટો.
નોંધ- આ સ્ત્રીને શ્રી ડૉ.હરિલાલ ગૌદાની રૂબરૂ મળ્યા હતા ને આ બાઈની સંમતીથી વાત નોધી હતી અને ગામને નામમાં થોડો ફેરફાર કરેલ છે.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર