શિયાળબેટના મસીનાથ અને સવાઈપીર


                     
                       શિયાળબેટના મસીનાથ અને સવાઈપીર
કાઠિયાવાડના ઘરેણારૂપ  અને ઈતિહાસ અને પુરાતત્વના અનેક ગૂંચળાઓ તેના  પેટમાં વાળીને શિયાળબેટ જાફરાબાદ ને વિકટર પાસે  આજે પણ આવેલો છે,જ્યાં એક કાળે અનેક રહસ્યો ને ઈતિહાસ ધરબાયેલા હતા,આજે તો તેને પણ આધુનિકતા અને વિજ્ઞાનના સાધનોની અસરે ખોખલો બનાવી દીધો છે.શિયાળબેટ એ એક ઐતિહાસિક અને પ્રાચીન પુરાતત્વીય બેટ છે એની જાહોજલાલી એવી કે ત્યાં તમામ ધર્મોના સ્થાનકો અને દેશ દુનિયાના વહાણો નાંગરતા હતા તે વેપારનું મોટું મથક હતું.
આવા ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળ ઉપર સવાઇપીર દરગાહ અને મસીનાથનું સ્થાનક આવેલ છે જેની આજ વાત કરવી છે,શિયાળબેટની પત્થરો વાળી ખાડીમાં સવાઈપીરની દરગાહ આવેલી છે,આ સવાઈપીર જયારે આ વિસ્તારમાં મુસ્લિમોનું જોર હતું એ સમયે થયા હોવાનું મનાય છે.આ સવાઈપીર હિંદુ સંત મસીનાથને અસલ સાધુ  તરીકે માનતા હતા. સવાઈપીરની જગ્યામાં મીઠા પાણીનો એક વીરડો છે તેમાં ક્યારેય પાણી ખૂટતું નથી,સવાઈપીર એ સદીઓ પહેલા ચાર ભાઈઓ અરબસ્તાન માંથી આવ્યા હતા જેના એક ભાઈ માંગરોલીયાશા પીર માંગરોળ અને બીજા ભાઈ અંગીરશા પાલીતાણાના શત્રુંજય ડુંગર પર અને ત્રીજા ભાઈ અબુ સવાઈ પીર ભેંસલા ડુંગર પર છે.
શિયાળબેટમાં ગોરખનાથની મઢી નામે ગુફા આવેલી હતી જેમાં મસીનાથ રહેતા અને ભજન કીર્તન કરતા હતા જેની સવાઈપીરની  સેવા કરતા હતા. શિયાળબેટમાં મીઠા પાણીની ખૂબ જ તંગી હતી એવા સમયે સતત ત્રણ વર્ષ દુષ્કાળ પડતા બેટમાં પાણીનો કારમો બોકાસો પડ્યો ને લોકો પાણી માટે વલખા મારવા માંડ્યા,જે મીઠા પાણીના કુવા હતા તે સુકાય ગયા હતા ને જેમાં પાણી હતું તે ખારા પાણીથી ભરેલા હતા.
આથી પરોપકારી સ્વભાવના સાધુ મસીનાથના શિષ્યે પ્રજાનું આ દુઃખ ન જોયું જતા તેમણે મોટું તળાવ ખોદાવવાનું શરૂ કર્યું એ તળાવે કામે આવતા દરેક મજૂરો ને એક પાલી અનાજ ને રોકડ પણ આપતા હતા.
એક સમયે ગામના બે ચાર વ્યક્તિઓ મસીનાથના શિષ્યો પાસે બેઠા બેઠા અલક મલકની વાતો કરતા હતા એમાં કહ્યું કે અરે બાપુ આપ મહાન તપસ્વી યોગી પુરુષના શિષ્ય છો વળી આપ તો એથી પણ ચડિયાતા છો તો પીવાના પાણી માટે અમારે દરદર ભટકવું પડે ને મોટા ભાગના કુવાના પાણી પણ ખારા થઇ જવામાં છે તો તમે કોઈ સિદ્ધી કે યોગબળે એવું કરો ને કે વરસાદ વરશે,બાકી જો વરસાદ નહિ આવે તો શિયાળબેટની વસ્તી નામશેષ થઇ જશે.
આથી મસીનાથના આ શિષ્યને લોકોની સ્થિતિ વિશે ચિંતા થઇ કે હા હો વાત તો સાચી છે તે તેમણે પળવારનો પણ વિચાર કર્યા વિના તેણે એક સફેદ કપડું લઈને તેને પાણીમાં ભીંજવીને આંબલીનું ઝાડ હતું તેના ઉપર સુક્વ્યું ત્યાં તો તરત જ આકાશમાં ગગડાટી થઇ ને એક વાદળી ચડી આવી ને વરસાદ વરસવા લાગ્યો.
આથી ગુરૂને થયું કે નક્કી આ વરસાદ શિષ્ય એ જ વરસાવ્યો હોવો જોઈએ એમ માની મઢી માંથી બહાર આવીને લાલચોળ થઇ ગયા કે એમનો ગુસ્સો સાતમે આસમાને ચડી ગયો કેમેય કરીને એ શાંત થતા નથી એ તો ચેલાને મારવા દોડ્યા ત્યારે બીજા લોકો આડા ફર્યા.
બાપુને કહ્યું કે એનો કોઈ વાંક નથી એમને તો અમે કહેતા એમણે વરસાદ વરસાવ્યો છે જે કઈ વાંક છે એ અમારો છે તો સજા અમને જ કરો ને તેને માફ કરી દયો.
પછી મસીનાથ શાંત પડ્યા અને કહેવા લાગ્યા કે હવે મારેઅહી રહેવું જ નથી બધાએ ખૂબ જ સમજાવ્યા કે બાપુ એવું ન હોય  પણ એ ન માન્યા,પાછા કહે તો હવે મારે સમાધિ જ લઇ લેવી છે,બધા કહે અરે તો તો એથીય મુશ્કેલી.
મસીનાથ કહે તમે મુંજાવ માં હું સમાધિ લઈશ પણ મારા કરતા સિદ્ધાયમાં ચડિયાતા બીજા એક વ્યક્તિ તમને બતાવતો જાવ છું એમ કહી એમણે સવાઈપીરનું સ્થાન બતાવ્યું બધાએ ત્યારે સવાઈપીરના દીદાર કર્યા. તમે મારી જેમ જ સવાઈપીર ની સેવા કરજો જે તમને કોઇપણ જાતના દુઃખ નહિ રહેવા દે એમ કહી મસીનાથે સમાધિ લીધી.
પછી તો બેટમાં સવાઈપીર નું એવું બધું મહાત્મ્ય વધ્યું છે કે હિંદુ મુસ્લિમ તમામ લોકો એના દુઃખ દર્દ રજુ કરવા માંડ્યાને પીર એના નિરાકરણ પણ આપવા માંડ્યા.
એક દિવસ સવાઈપીરનું આયુષ્ય પૂર્ણ થતા એમણે પણ  વિદાય લીધી અને તેમને ત્યાં જ  બેટમાં દફન કરવામાં આવ્યા અને તેમનો ખિદમતદાર જ મુંજાવર બન્યો ને એણે સેવા પૂજા ચાલુ રાખી. શિયાળબેટના લોકોના દુઃખો દુર કર્યા એટલું જ નહિ એમાં ચમત્કારો પણ બનતા કે ગામના લોકોને અનાજની તકલીફ હોય ત્યારે ગમે ત્યાંથી અચાનક જ કોઈને કોઈ બંદરે થી અનાજનું વહાણ આવીને ઉભું રહી જતું કોઈ પૂછતું નહિ કે આ વહાણ કોનું છે ને કોણે મોકલ્યું છે,બસ એક જ કામ આમાંથી અનાજ ઉતારી લ્યો અને પેટની આંતરડી ઠારો.આ રીતે શિયાળબેટની પ્રજાની ભૂખ અને દુઃખ દુર કર્યા.
આ પછી તો સવાઈપીર ઉપર લોકોની અનન્ય લાગણી બંધાતી ગઈ.એવું પણ કહેવાય છે કે સવાઈપીર ઓલિયાના નામનું એક વહાણ ‘ગલબન’ નામે હતું જે વહાણ બીજા બધા કરતા કૈક જુદા પ્રકારનું હતું,જયારે તેને હાંકવું હોય ત્યારે તે વહાણને છાણને ગારા થી છાંદીને ઉપયોગ કરવામાં આવતો હતો,આ વહાણ એક વખત સુરત બંદરે પહોચી ગયું ને ત્યાં તેના વહાણવટીને અટકાવવામાં આવ્યો કે કે એલા આ વહાણ ફૂટેલ છે છતાં તું કેમ હંકાવે છે ,વહાણવટી કહે ભલે એ ફૂટેલ હોય છતાં એ કદી જ ડૂબશે નહિ એના પર સવાઈપીરના આશીર્વાદ છે,આને અમો વર્ષોથી આમને આમ જ હંકારીએ છીએ ક્યારેય એમાં કોઈ મુશ્કેલી પડતી નથી.
પરંતુ બંદર પરના અધિકારીઓ આ વાતને માન્ય નહોતી તે  તેમણે તો તરત જ કહી દીધું કે આ વહાણ હવે નહિ ચલાવવા દેવામાં આવે.પેલા કહે અરે સાહેબ અમારા પીરના પારખા લ્યો માં ?ત્યાં તો બીજો અધિકારી કહે જો તમારા પીર એવા સાચા હોય તો આ ઘોડો દરિયામાં નાખી ને એ ત્યાં જઈને પાછો આવે તો તારા પીર સાચા.
પીર ઉપર વહાણવટીને અથાગ શ્રદ્ધા હતી તે કહે તો ભલે કરો પારખા.પણ એક શરત જો ઘોડો સહી સલામત આવે તો તમે ધર્માદામાં શું નાંખો? પેલો કહે તો હું એ સવાઈપીરની તુરબત બંધાવીશ.પછી તો ઘોડાને ગળામાં ચિઠ્ઠી નાંખીને દરિયામાં જવા દીધો ને થોડીવારમાં ઘોડો પાણીમાં ગરક થઇ ગયો,પણ થોડી જ વારમાં ઉગમણી બાજુ માંથી ગળામાં ચિઠ્ઠી વાળો એ ઘોડો પાછો આવ્યો.
આજે પણ જે કોઈ વહાણ સવાઈપીરની દરગાહ પાસેથી પસાર થાય ત્યારે તે વ્હીસલ મારીને પીરને સલામી આપે છે અને સવાઈપીરના નામનું નાળિયેર દરિયામાં નાખે છે.એક સમયે સવાઈપીરનો વહાણદીઠ ચાર આના લાગો ચૂકવવો પડતો હતો. સવાઈપીરની કબર ખૂબ જ લાંબી છે અને દરગાહ શાંતિ પમાડે એવી અલોકિક છે. સવાઈપીરના ભક્તજનો માં અનેક ભજનો પણ ગવાય છે.
તસવીર સૌજન્ય – સોહાલી આર.રવાણી અમરેલી તા ૧-૧૦-૨૦૧૭  રવિવાર

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર