શ્રી સેવાદાસજીની જગ્યા, ગિરનાર : ડૉ.પ્રદ્યુમ્ન ખાચર


શ્રી સેવાદાસજીની જગ્યા, ગિરનાર : ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
પુરાતનકાળથી જાણીતાને અઢાર જેટલા વિવિધ નામો ધરાવતા ઐતિહાસિક જૂનાગઢ શહેરની પૂર્વમાં  ગરવો ગઢ ગિરનાર આવેલ છે . ગરવા સોરઠ દેશમાં જગપ્રસિદ્ધ  ગિરનાર ૨૨ કરોડ વર્ષથી હિમાલયના દાદા સમાન અડીખમ પણે ઉભો છે..સોરઠભૂમિને શોભાવતો તથા રાણકદેવીના દુહાથી વિખ્યાત થયેલા ગરવા ગિરનારનો પ્રદેશ અતિ રમણીય છે, કુદરતની લીલા નિહાળવી હોય તો એકવાર ગિરનાર પધારો, ગિરનારની આસપાસ ગિરિવર ગિરનારના અનુજ સમા દેખાતા ડુંગરાઓ નજરે પડે છે. ગિરનારમાં કેટલાય તીર્થ છે, કેટલાય રમણીય ઝરણા છે, કેટલાય શિલ્પકળાથી સુહાતા દેવમંદિરો છે, કેટલીય પુરાણી વાતોના પરચા પડેલા છે, કેટલીય ગિરીકંદરાઓ અને વૃક્ષોની વનરાઇઓ ઝૂમે છે, કેટલાય રાજા મહારાજાની પુરાણી કીર્તિના પાવન પગલા અહી પડેલા છે, કેટલીય ગુફા અને સાધુ સંતોના ચમત્કારોની વાતો અહીની રજમાં અકબંધ ઘરબાયેલી પડી  છે.  
        ગિરનારે આપણને ઘણું સુંદર પશુધન આપ્યું છે, ગિરનારે અઢારભાર વનસ્પતિરૂપે અનેક દર્દીને જીવતદાન આપ્યા છે, જગતથી કંટાળેલા લોકોને સંઘરી ભક્તિરૂપી દાન આપ્યું છે,આસપાસના પ્રદેશને ફળદ્રુપ બનાવવામાં ગિરનારનો મોટો ફાળો છે. ધીર ગંભીર ઉભેલા ગિરનારે ભૂતકાળના અનેક તડકા છાયા અને પ્રજાને ધર્મની ચડતી પડતી નિહાળી છે. રાણકદેવી અને નવાબ મહાબતખાનજી ત્રીજાના આંસુ ગિરનારના આંગણે હજુ  સુકાયા નથી ,એવા ગિરનારના એક તપસ્વી સાધુની આજ અહી વાત કરવી  છે કે જેની સિદ્ધિની નોધ ઇ.સ.૧૮૩૧માં કોઈ અંગ્રેજે બ્લેકહુડ નામના માસિકમાં કરી હતી.
 ગિરનાર તીર્થ ઉપર અનેક દેવદેવતાઓ, સિદ્ધ મહાપુરુષો,ખાખીઓ,અઘોરીઓ વસી રહ્યા છે એવા પુરાણ પ્રસિદ્ધ ગિરનાર ઉપર કાશ્મીરના હિમાચલ પ્રદેશના એક મૂળ રાજપૂત આવી ચડ્યા છે તેને ગિરનારમાં સાધના કરવાનું જબરું ખેચાણ છે.  
            તેમનો જન્મ ઇ.સ. ૧૭૮૪માં જમ્મુ કાશ્મીરના ગુરખા મહારાજા ગુલાબસિંહના પિતા મહારાજા રણજીતસિંહના સમયમાં સબાટુ (સપાટુ) ગામના રઘુવંશી ક્ષત્રિય રામસિંહજીને ઘેર થયો હતો.બાળપણથી બસ સાધુ જ બની જવાની તાલાવેલી તેમને  જાગી હતી,તેથી  ૬ વર્ષની ઉમરે તો તેઓ કોઈ અજાણ્યા સાધુની સંગે ચાલી નીકળ્યા હતા અને બરફાનમાં માયા મુકામે ત્રણ વર્ષ રહ્યાને ૧૩ વર્ષની વયે પંજાબમાં ગુમટારપંડોરી ગામના સ્થળે રામાનંદી સાધુ નરસિંહદાસજી પાસે ગુરુદિક્ષા લઇ ભારત વર્ષના પ્રવાસે નીકળી ગયાને તિબેટ,નેપાળ,બદ્રીનારાયણ,રેવાગુસર,નૃસિંહકટાક્ષ, નૃસિંહપવાર,પૂર્વમાં કામરૂપ પશ્ચિમમાં રોહડી,દ્વારકાને ગિરનારની તીર્થયાત્રાઓ કરી.
        પરતું તેમને તો આખા ભારતમાંથી સૌથી શ્રેષ્ઠને સાધના કરવા લાયક જગ્યા તો ગિરનાર જ લાગ્યો, આથી તેઓ ૬૦ વર્ષની વયે જૂનાગઢ આવ્યા તેમની  સાથે  જ બોરદેવીના સાધુ હરિરામયોગી પણ આવ્યા હતા.
        ગિરનાર આવીને તે સૌપ્રથમ ચરખડીયા હનુમાનજીની જગ્યાએ રહ્યા ત્યાં એક દિવસ સિંહે તેમની ગાયને મારી નાખતા જગ્યા પરથી તેમનું મન ઉડી ગયું અને તેઓ છોડવડી ગામમાં આવતા રહ્યા.
        છોડવડીમાં ત્યારે એક સિદ્ધ મહાત્મા રામાનંદી સાધુ ગરીબદાસજી રહેતા હતા ત્યાં આવ્યા તેમણે સેવાદાસજીનું ઉદાસ મન પાટે ચડાવ્યું અને શાંત કરતા સેવાદાસજીએ ગરીબદાસજીને સિદ્ધ ગુરુ કર્યા.
        પછી શ્રી સેવાદાસજી નળપાણીની ઘોડી પાસે ગાજીરામ બાવાની ગુફા કહેવાય છે ત્યાં બોરદેવીમા,કાળકા શિખર નીચેની ગુફામાં અને માળી પરબ પાસેની બ્રહ્માનંદ વાળી ગુફામાં અને શીતલદાસની ગુફામાંને થોડો સમય પથ્થરચટ્ટીની જગ્યામાં રહ્યા છેવટે આજની શ્રી સેવાદાસજીની જગ્યાએ સ્થિર થઇ રહ્યા.
        શ્રી સેવાદાસજીના બાળદેહ નું વર્ણન કરીએ તો શરીરે કદાવરને મજબૂત બાંધાના આજાનબાહુ હતા તેમનો ચહેરો જોઇને જ ભક્તજનોના દુઃખ અને થાક ઓસરી જતા હતા. જેઓની સાધના અને સ્વભાવથી દેશી અને વિદેશી લોકો તેમના તરફ આકર્ષાયા હતા, આથી ભક્ત સમુદાયમાં મિષ્ટભાષી,નિરાભિમાની અને મહાન તપસ્વી પુરુષ તરીકેની ઊંડી છાપ પડી હતીને તેઓના ચમત્કારોની વાતો ત્યારે પ્રચલિત બની હતી.જેમ્સ બર્જેસ નામનો પુરાતત્વવિદ ગિરનારની મુલાકાતે આવ્યો તે પણ શ્રી સેવાદાસજી તરફ આકર્ષાયો હતો અને તે લખે છે કે ભૈરવજપથી બહુ દૂર નહિ એવી એક જગ્યાએ કઈક ઠીક ઠીક કહી શકાય તેવી હસ્તી શ્રી સેવાદાસજી છે જેણે અજ્ઞાનીઓ ઉપર પવિત્રતા અને આત્મસંયમથી ઘણી સુંદર અસર ઉપજાવી હતી અને તેની દાનવીરતાને ઈશ્વરપરાયણતા તેના ભક્તોથી શોભી રહી છે.
        પોતે ભારતભરના ધાર્મિક સ્થળોનું તીર્થાટન કરેલા હોવાથી અનેક સ્થળોએ તેમણે તુલસીકૃત રામાયણ,ચરણદાસ કૃત સ્વરોદય અને વિષ્ણુ સહસ્ત્રનામ,રામ સ્ત્વરાજના પાઠ કર્યા હતા.
        શ્રી સેવાદાસજીની વાણી મીઠી અને નરમાશ વાળી હતી ને આટલા અભ્યાસી છતાં બોલવામાં પ્રખર કે અસરકારક ઉપદેશક નહોતા.ગિરનાર ઉપરથી જવલ્લે જ તેઓ નીચે ઉતરતા,જૂનાગઢમાં વિ.સં. ૧૯૩૫માં નૃસિંહપ્રસાદ હરિપ્રસાદ બુચે મહારુદ્ર કર્યો ત્યારે નીચે જૂનાગઢ પધાર્યા હતા.
        ગિરનાર ઉપર તે ચાલીસ વર્ષ  સુધી સાધુ સંતોને ખપે તેને રોટલાને બીજાને લોટ ને દાળ આપતા હતા. પાલીતાણા ઠાકોર સાહેબ સુરસિંહજી વિ.સં.૧૯૩૭માં  ગિરનાર પધાર્યા ત્યારે તેઓ અહી શ્રી સેવાદાસજીના સંગમાં ત્રણ દિવસ રહ્યા હતા અને સત્સંગનો લાભ લીધો હતો. થાણાદેવળી દરબારશ્રી લક્ષ્મણવાળાસાહેબ પણ તેમના અનન્ય ભક્ત હતા.
        પાલીતાણાના ઠાકોરસાહેબ સુરસિંહજીએ શ્રી સેવાદાસજીના નામથી પોતાના રાજ્યના દરેક ગામોમાં જગ્યાઓ સ્થાપી ત્યાં એકેક સાધુ રાખી સદાવ્રત ચાલતા કર્યા હતા.
        શ્રી સેવાદાસજી તા.૫-૧૨-૧૮૮૩ને મંગળવારના રોજ ગિરનાર ઉપર જ સાંજના ૭ વાગ્યે દેવ થયાને તેમનો ત્યાં જ ધાર્મિકવિધિ કરી ત્યાં પાદુકા સ્થાપવામાં આવી છે. શ્રી સેવાદાસજીના  નીચે મુજબના શિષ્યો બન્યા હતા (૧) શ્રી ગિરિવરદાસ (૨) શ્રી રૂઘનાથદાસ (૩) શ્રી ઠાકોરદાસ (૪) શ્રી દ્વારકાદાસ (૫) શ્રી રઘુવરદાસ (૬) શ્રી ગિરિવરદાસ બીજા (૭) શ્રી સુદર્શનદાસ (૮) શ્રી ધર્મદાસ (૯) શ્રી લક્ષ્મણદાસ(૧૦) શ્રી ઓધવદાસ (૧૧) શ્રી દેવીદાસ (૧૨) શ્રી પ્રસાદીદાસ (૧૩) શ્રી ગોરધનદાસ  (૧૪) શ્રી ભગવાનદાસ (૧૫) શ્રી રામદાસ.
           

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર