માનવતાનો દીવડો મામદ


માનવતાનો દીવડો મામદ
આજે તો હિંદુ મુસ્લિમ એકતાના હિમાયતી એવા બે વાણંદ કુટુંબની વાત કરવી છે,સોરઠ પંથકના માંગરોળની પાસે એકબીજાના દુઃખે દુભાય એવું મીતી ગામ આવેલું છે,જે ગામમાં અદભૂત કોમી એકતાની અને માનવ માનવ વચ્ચેના પ્રેમની એક ઘટના ઈ.. ૧૯૨૮માં બની હતી.આ ગામમાં કોઈ નાતજાત કે ધર્મના વાડાના બંધન નહોતા બસ સ્નેહ સ્નેહ અને માનવતા જ શેરીએ ગલીએ દેખાય છે જાણેકે ગોમતી કાંઠાનું ગોકુળિયું ગામ જ જોઈ લ્યો.
ગામમાં બે ઘર વાણંદના છે એમાં એક છે હિંદુ વાણંદ અને બીજું ઘર મુસ્લિમ હજામનું હતું.મુસ્લિમ હજામ હતા જેનું નામ હતું મામદ લુણા અને તેની પત્નીનું નામ હતું માલીબાઈ.આ દંપતિ એવા લેર અને સેવાભાવથી ગામમાં રહે છે કે લોકોનો તેમના ઉપર દરિયા જેટલો પ્રેમ રહેતો હતો. હિંદુ વાણંદનું નામ છે વીરાભાઈ કે જેને ટી.બી.થવાથી પતિપત્ની બને થોડા થોડા સમયે જ સ્વર્ગે સિધાવ્યા ને તેના બિચારા ચાર બાળકો નિરાધાર થઇ ગયા તેને મોસાળમાં પણ કોઈ નથી તો આ બાળકો હવે જાય ક્યાં નીચે ધરતીને ઉપર આભ એવી સ્થિતિમાં બાળકો કાળો બોકાસો બોલાવીને ભડભાદરની આંખમાંથી પણ શ્રાવણ ભાદરવો વહાવતા હતા.
આ કરૂણ દ્રશ્યો જોતા જ અલ્લાના ફરિસ્તા જેવા મામદ લુણાને થયું કે અરેરે હું મુસલમાન છુ એટલે શું બાકી આ હિંદુ બાળકોને હું ઉજેરી પાજરીને જરૂર મોટા કરીને હિંદુ રિવાજે જ તેને પરણાવી પણ દઉં,આવી મનમાં મનમાં ચિતા કરે છે પણ તેને થયું કે લાવને ગામ લોકોની ઈચ્છા તો જાણી લઉ તે માટે તેણે સમસ્ત ગામના મેર વડીલોને ભેગા કરીને પૂછ્યું કે વીરો મારો ભાઈબંધ હતો ને તેના આ છોકરા આજ  પતિપત્ની જતા અનાથ થયા છે તો તેને હું મારે ઘેર હિંદુ રીતે રાખું તો તમારો રાજીપો જોઈ છે,ગામના કહે અરે મામદભાઈ હિંદુ મુસલમાનના ભેદ તો માણસે ઉભા કર્યા છે બાકી માણસ માણસનું ખોળિયું  તો સરખું જ હોય છે તમતમારે ખુશીથી ઉજેરો ને જરૂર પડે તો અમને પણ કેજો અમે પણ સાથ આપશું.
ગામ લોકોનો રાજીપો ભળતા મામદ તો રાજીનો રેડ થઇ ગયોને બીજી બાજુ  વીરા વાણંદના ચારેય બાળકો મામદ અને માલીબાઈને માતા પિતા જેમ જ માનીને રહેવા લાગ્યા કોઈ આવનાર કે જોનાર માણસ આ ભેદ જાણી જ ન શકે કે આ તેના પાલક માતા પિતા છે.
આ હિંદુ બાળકો પોતાના ધર્મથી જરાય ચલિત ન થાય કે  માટે મામદ અને માલીબાઈ ખાસ ધ્યાન રાખે લોટ પણ દૂધમાં બાંધે કે જેથી રાંધેલું અનાજ અભડાઈ નહિ ત્યારે તો ભયંકર છુતાછુતનો જમાનો હતો અરે લોકો વાણંદ પાસે દાઢી કરાવવા જાય તો પણ ઘરેથી પોતાનું પાણી લઈને જતા હતા એ જમાનામાં મામદે આ કામ કર્યું. છોકરાવના મોઢા પણ માલીમા માલીમા કહેતા કદી ભરાતા નથી.માલીબાઈને કદી આ પારકા બાળકો ઉછેરતા થાક લાગતો નથીને એમ પણ પાછા કહેતા જાય કે હું કઇ નવાઈ કરતી નથી હું તો મારી ફરજ જ બજાવું છુ ને કુરાને શરીફ કહે છે કે જ્યાં સુધી પડોશી ભૂખ્યો હોય ત્યાં સુધી પોતે પણ સુખેથી ભોજન લેવું નહિ તેને જમાડી ને જ જમવું.” કોક દિવસ છોકરાઓ વેલા મોડા ઘરે આવે તો તરત જ માલીબાઈ પેટના દીકરાવ જેટલા જ હેતથી ગોતવા નીકળે ને તેને ઘરે લાવે ત્યારે જ તેને ટાઢક વળે કે બાપા આતો પારકી થાપણ છે તેને સાંચવવામાં કઇ કચાસ ન રાખવી જોઈ બાકી તો દુનિયા દાંત કાઢે.
રાતદિવસ વિતતા છોકરાવ તો જોત જોતામાં મોટા જુવાનજોધ થઇ ગયાને તેને હજામતનો ધંધો પણ સારી રીતે ફાવી ગયોને ચારેય છોકરા ગામની અંદર મેર ડાયરામાં આદર અને મીઠાશથી સેવા ચાકરી કરવા લાગ્યા છે તો છોકરાવ ગામને પણ અતિ પ્રિય થઇ પડ્યા છે ને આખું ગામ તેનું ધ્યાન રાખે છે.
મામદ લુણાએ હવે એમ ન માન્યુ કે હવે હવે છોકરા મોટા થઇ ધંધાપાણી પણ કરતા થઇ ગયા છે તો ફરજ પુરી.અરે એક દિવસ મામદ અને માલીબાઈ બને એક દિવસ સારસ પક્ષીની જોડીની જેમ બેઠા છે ને એકબીજા વાત કરે છે કે હવે આપણે આ છોકરાઓને કોઈ સારા હિંદુ વાણંદના ઘરની છોકરી પરણાવી દઈ એટલે ઝમઝમ નાહ્યા ગણાશું.
બીજે જ દિવસે મામદ લુશાળા જઈને હિંદુ વાણંદ કુટુંબમાં જઈ માંગું નાખ્યું કે ભાઈ મેં અને માલીએ ચાર બાળકોને હિંદુ રિવાજ રસમથી ઉછેર્યા છે તેના ખોળિયા જરાય પણ અભડાવા દીધા નથી તો તમે બીજું કઇ આડું અવળું વિચાર્યા વિના જો તમારી દીકરી દુધીને મારા આંબાને દયો તો ગોળથી પણ ગળ્યું  કહેવાય. આટલું સાંભળતા જ સામા માણસે માનવતાના પૂજારી મામદભાઈને હા પાડી દીધીને બન્નેએ મો મીઠા કર્યા કે જાવ અમે દીકરી દઈ ચૂક્યા.
આ પછી તો ભાઈ મામદ લુણાએ મીતીથી વાજતે ગાજતે આંબાની જબરી જાન જોડીને લુશાળા રંગે ચંગે પરણાવ્યો ને આખા ગામે મોજને હેતથી લગ્ન માણી હાથગરણા કર્યા .
આ ફરિશ્તા જેવા મામદભાઈ જયારે આ ચાર હિંદુ બાળકોને ઉછેરી રહ્યા હતા ત્યારે તેને અમુક  મુસલમાનોએ સલાહ આપેલી કે એલા મામદા આને સુન્નતે બેસાડી દે આ છોકરા તારા જ કહેવાય ને ચાર મુસલમાનો હિન્દુસ્તાનમાં વધશેને એમાં તારું કાંઈ નહિ જાય પણ મામદ કહે ના એ તો કદી ય નહિ બને એને તો હું એના ખોળિયાને છાજે એમ જ રાખીશ ને પાળીપોષી મોટા કરીશ.
આવું કહ્યું ત્યારે સોરઠના ગેલા નામના એક ખાનદાન ચારણે મામદને બિરદાવતો દુહો કહ્યો કે
                       નભ ગળગળે ભૂતળ થળ થળે મેરૂમેલે માણ,
                       મામદ કદી બદલે નહિ મર પશ્ચિમ ઉગે ભાણ.
      આ મામદ અને માલીબાઈને આ ચારેય હિંદુ છોકરાવે માબાપની જેમ જ પરણ્યા પછી પણ સાંચવીને ચાકરી કરીને ઈ..૧૯૪૭માં અને માલીબાઈ ઈ..૧૯૫૦માં જન્નતને રસ્તે વળાવ્યા. આ દંપતિના અવસાન સમયે આ ચારેય હિંદુ છોકરાએ આજુબાજુના વડીલ મુસ્લિમોને તેડાવ્યાને તેને પૂછી પૂછીને દફનવિધિ કરી ને જારત,ચાલીસમુ  અને વરસી વગેરે કર્યું ત્યારે સૌ કોઈને એકબીજાની ખાનદાનીને રખાવટ ઉપર પોરહ છુટતો હતો કે બને સામસામા જીવી જાણ્યાને કોમવાદને ઉશ્કેરનારને આ પિતા પુત્રો એક શીખ આપતા ગયા કે જીવતર મળ્યું હોય તો આમ જીવાય તો  જ ઈશ્વરના અને ખુદાના દ્વાર ખુલ્લા રહે. સોરઠ પંથકના માનવતાના આ બને દીવડા ઓલાઈ ગયા પણ હું તેનો પ્રકાશ સાચા જીવના માણસોને દેખાય રહ્યો છે.
કથાબીજ સૌજન્ય: જુમાભાઈ આરબભાઈ જાડેજા જામનગર






Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર