સ્વામિનારાયણ સંપ્રદાયના લેખન,પ્રસારણ માં કાઠીઓને અન્યાય

સ્વામિનારાયણ સંપ્રદાયના લેખન,પ્રસારણ માં  કાઠીઓને અન્યાય

પરમ પૂજ્ય/આદરણીય શ્રી-------------------------------------------

આપ ,આપની સંસ્થા, સંત મંડળ અને સત્સંગી લેખકોનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં અતિ મહત્વનું સ્થાન અને યોગદાન છે,તથા આપના દ્વારા થતી સંપ્રદાયની વિવિધ પ્રવૃત્તિ નોધનીય અને પ્રશંસાને પાત્ર તથા વંદનીય  છે અને અમે આપનો પૂર્ણ આદર કરીને આ વાત આપને ધ્યાને દોરવા માંગીએ છીએ
સ્વામિનારાયણ સંપ્રદાય અને કાઠી દરબારોનો નાતો અતુટ અને બેજોડ છે પણ સંપ્રદાયના કેટલાક  સાહિત્યમાં જેને ઈતિહાસ ગણી કાઠી દરબારો ને મશ્કરીનું પાત્ર બનાવી વાતો લખાય બોલાય એવું  અનેક પુસ્તકોમાં અને નેટમાં,ઓડિયો,વિડીયોમાં ધ્યાને આવ્યું છે, અને એ ક્યાંથી આધાર બનાવી લખાવું શરુ થયું એ પણ ધ્યાને આવ્યું છે તેથી કાઠી દરબારોને સંપ્રદાય સાથે મતભેદો થઇ રહ્યા છે તો આવી બાબતો ન બને અને આપણા સંબંધો વધારે મજબૂત બને એ ખાસ જરૂરી છે.
આપ કદાચ આ બાબત માં ક્યાય ન સંકળાયેલ હો અને આવું કશું પ્રસિદ્ધ કરનાર ન કરેલ હોવ અને આપે તો કાઠી દરબારોનું ખૂબ જ માનપાન સાંચવી આદર આપ્યો હોય,પ્રચાર પ્રસાર કર્યો હોય છતાં ભવિષ્યમાં આ બાબતે આપનુ ધ્યાન દોરવા જ આ પત્ર આપને પણ આપ્યો છે તો મારી અને અમારા સમાજની લાગણી સમજી દરગુજર કરવા વિનંતી પણ છે.આ બાબતે આપે કશું પ્રગટ કરાવ્યું હોય તો એકદમ શાંત ચિતે એ વિશે આપ વાંચી વિચારી આપના પ્રકાશન વિભાગ,લેખકો અને મુખ્ય વક્તા સંતોને આ અંગે ખાસ સૂચના આપવી કે આવી કોઈ બાબત હવે ભવિષ્યમાં ન ઉભી થાય.
જે કાઠી દરબારો સ્વામિનારાયણ સંપ્રદાયના પાયાના પત્થરોમાં રહેલા છે અને જેતપુરના મોટા દરબાર ઉનડવાળાના દરબારગઢમાં શ્રી હરિને ધર્મની ધુરા સોપવામાં આવેલ તથા દાદા ખાચર જેવા  દરબારે તો પોતાની કેટલી બધી સંપતિ સંપ્રદાયને અર્પણ કરી દીધી હતી.જયારે જયારે સમૈયા કે ઉત્સવો ઉજવાતા હતા ત્યારે કેટલાય કાઠી દરબારોએ પોતાના ધનને ઉદાર હાથે વાપરવા આપી દીધું અને દુષ્કાળ વખતે લોયા અને કારિયાણીના દરબારે અનેક સાધુઓને આશ્રય આપેલો.આ ઉપરાંત શ્રી હરિની સાથે કાયમને માટે રક્ષણકર્તા તરીકે કાઠીઓ ઉભા રહેલા અને એ જમાનામાં કેટલાય વાંધા વચકા અને ખટરાગ અને દુશ્મનાવટમાં મોટે ભાગે કાઠીઓ જ પ્રમાણ સહિત સંપ્રદાયની ઢાલને કવચ તરીકે દેખાય રહ્યા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના ઉદયકાળે જે જ્ઞાતિનું આવું જબરદસ્ત ને ઈતિહાસમાં નોંધનીયને  ભગીરથ પ્રદાન હોય તેમને તો સંપ્રદાયમાં જેટલા બિરદાવાય એ ઓછુ પડે.પણ ક્યારેક એને બદલે સ્વામિનારાયણ સંપ્રદાયની વાતો કે ઈતિહાસ લખનાર,બોલનાર  કેટલાક આ બાબતે બહુ જાજી વાર ઉણા ઉતર્યા હોય તેમ  લાગે છે એમ પણ સવાલ થાય કે એવું લખનારા કાઠીઓના અસલ ઈતિહાસને રહેણીકરણી અને સંસ્કૃતિને સમજ્યા નહોતા તો સમગ્ર સમાજ ને માટે અયોગ્ય તેમનાથી આવું લખાયું હશે.
પરંતુ આ પત્ર લખનારે કુલ ચાર પાંચ પ્રંસગો જોયા જાણ્યા છે અને અનુભવ્યું છે કે જયારે જયારે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ લખાણ કે અન્ય સાધનમાં કાઠીનો સાચો ઈતિહાસ સમજ્યા વિના અછડતું લખે એ ધ્યાને આવતા કાઠી દરબારોમાંથી વિરોધનો સુર ઉઠે ત્યારે ક્ષણીક સમય પુરતી માફા માફી કરી લેવાય અને આશ્વાસન આપી દેવાય કે હવે ક્યારેય પણ સંપ્રદાયના સાહિત્યમાં  સમાજ માટે અયોગ્ય  શબ્દો ,લખાણ કે ઓડિયો,વિડીયો આવશે નહિ,વળી પાછા કોઈ નવા પ્રકાશનો થાય તેમાં વળી પાછુ એ બધું ભૂલીને અથવા આંખ આડા કાન કરીને એટલું વરવું સમગ્ર સમાજ માટે લખાય કે એ બહુ જ ખરાબ અને એકપક્ષિય સંપ્રદાયનો જ મહિમા વધારતું ગણાય અને રક્ષકો અને ઢાલરૂપને એ  ખરાબ રીતે અવખોડે.વળી નવાય એ પણ પમાડે કે કાઠી સિવાય અન્ય કોઈ માટે ક્યારેય જરાય નબળું નહિ,જે લોકો ત્યારે કેવા હતા.
જયારે નવી દિલ્હીના અક્ષરધામ ખાતે ગુજરાત ઈતિહાસ પરિષદના  ૧ થી ૩ માર્ચ ૨૦૧૩ના  ત્રિ દિવસીય રાષ્ટ્રીય સેમીનારમાં ચુંટી ચૂંટીને વક્તાઓને પોત પોતાના સંશોધન પેપર રજુ કરવા સમગ્ર  ભારતભર માંથી બોલાવેલા એમાં આ લખનારને પણ નિમંત્રણ મળેલ ત્યારે આ લખનારે (ડૉ.પ્રદ્યુમ્ન ખાચર) પ્રથમ શરત એ કરેલ કે  દરેક વક્તા કે સંશોધકને આ સેમિનારમાં કાઠીઓનો ઈતિહાસ અને સંસ્કૃતિ સમજીને લખવાનું કહેશો બાકી ઘણા તો ‘હરિચરીત્રામૃતસાગર’ ભાગ ૫  પૃષ્ઠ ૩૬૩૩ ના શબ્દોનું અર્થઘટન  સમજ્યા વિના કરીને  કે એ ગ્રંથની પ્રસ્તાવના વાંચ્યા વિના કાઠીઓ વિષે અધકચરું જ લખશે. આમ ટેલીફોનીક શરત કરી  કહ્યું ત્યારે બધી હા એ હા કરવામાં આવી પણ જ્યાં નવી દિલ્હી સેમિનારમાં ગયો ત્યાં તો આ સેમિનારના એબસ્ત્રેકટની પુસ્તિકામાં જ અનેક વક્તાના પેપરોમાં કાઠીઓ વિશે ખરાબ જ લખાયને આવ્યું,આથી આયોજકો સાથે થોડી લમણાંઝીંક થઇ  હતી કે આપ કેમ હા એ હા કરી સાચી વાત સ્વીકારતા નથી પણ તેઓ એ ત્યારે બહુ સ્વીકાર્યું નહિ,પરંતુ જયારે આ લખનારનું પાવર પ્રેજન્ટેશન સહીત પ્રવચન સાંભળ્યું ત્યારે પુરા હોલમાં પરમ શાંતિ છવાય ગઈ અને જે પેલું  અજુગતું લખનાર હતા એના મોઢા ઉપર શરમ દેખાતી હતી કે એમ આવું બધું હતું આ તો અમને ખબર જ નહોતી.
આ પહેલા ૩૦ જેટલા વર્ષ પહેલા એક કેસેટ પ્રસિદ્ધ કરેલ અને જેમાં બોલવામાં  આવ્યું હતું કે કાઠી,કોળી,દેવીપૂજક જેસી લુંટેરી ઓર સંસ્કારહિન જાતિયો કો ભી સંસ્કારવાન ભક્ત બનાયે, ત્યારે આથી સમાજના આગેવાન અને જ્ઞાતિરત્ન ધારીના શ્રી નાજભાઈ હરસુરભાઇ વાળાએ સંસ્થાને આ બાબતે વિનમ્રતા પૂર્વક ધ્યાન દોરતા એ સંસ્થાએ આ બાબતે દિલગીરી વ્યક્ત કરી બાંહેધરી આપેલ કે આ શબ્દો રદ કરશું અને હવે ક્યારેય આવું નહિ લખવામાં કે બોલવામાં આવે એમ કહી સંસ્થાના મંત્રી સ્વામી સાધુ સ્વયમપ્રકાશદાસના નામે ‘સ્વામિનારાયણ સંપ્રદાયમાં કાઠી દરબારોનું પ્રદાન’ નામની એક સરસ પત્રિકા બહાર પાડવામાં આવી હતી. પણ તેમ છતાં સંપ્રદાયના અન્ય ફાંટા વાળાઓ એ બધું બનેલું અણ દેખ્યું કરીને કે ખબર વગર એક ને એક વાત દોહરાવતા જ રહ્યા વારંવાર માલુમ પડે છે એનું અમને પુરા સમાજને દુઃખ છે,બાકી ન છુટકે સમાજને કડક પગલા લેવાની ના છુટકે ફરજ પડશે એ રંજ અમો ને રહેશે.
એકપક્ષીય ખરાબ લખનારે કોઈ દિવસ એવો વિચાર કર્યો નથી કે જે બે પાંચ કાઠીના કિસ્સા એવા કાક બન્યા હશે પણ એ સંસ્કૃતિ સભર  અને મર્યાદાશીલ સમાજ છે જેમાં કેવા કેવા વિશિષ્ટ વ્યક્તિઓ થયા છે. ઝવેરચંદ મેઘાણીએ  જેની નેકીટેકી અને ખાનદાનીને ભરપૂર બિરદાવી છે એવા  સમગ્ર સમાજ માટે એવા શબ્દો લખવા એ ક્યાં સુધી યોગ્ય છે.આ વાતને સમજાવવા એમ કહીશ કે જો આજે કોઈ સંશોધક કે ઇતિહાસકાર સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કઈ લખે અને એમાં આખા ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના  જે જે  સાધુના અશોભનીય કૌભાડો બહાર આવ્યા છે અને તેના પોલીસ રિપોર્ટ અને ન્યાયાલયના કાગળો પણ થયા છે તો શું આપણે કાઈ એને ઈતિહાસનું સાધન બનાવીને આખા સંપ્રદાયને માટે ખરાબ લખી શકાય? તો કહે નહિ હરગિજ નહિ,એ તો એકલદોકલ અને વ્યક્તિગત કિસ્સા છે એને કયારેય પુરા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે  ક્યારેય જોડી ન શકાય પણ છતાં કોક એ બધું લખે તો એ ઈતિહાસ ન બની જાય,હા પણ એવું ૧૦૦ વર્ષ પછી કોક વાંચે તો એ એને સાધન બનાવે એ સંશોધકની ખામી ગણાય,જે તેણે સમજી લખવું જોઈ કે એ વ્યક્તિગત કિસ્સા હતા એને સમૂહ સાથે ન જોડાય.
આ અમારી લાગણી સમજાવવા આપને આને લગતા અનેક  ઉદાહરણો આપી સમજાવવાનું કે એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયને અને ભક્તોને  નીચે મુજબના પુસ્તકો અને લેખ વાંચી કેવું દુઃખ પહોચ્યું હતું ને કેવી લાગણી દુભાઇ હતી કે આ ખોટું છે કે લખાય ગયું છે એવી જ આજે પુરા કાઠી સમાજને કાઠી એક જ માટે ખરાબ વાંચતા દુઃખ થાય છે તો આપ વિચારો કે સત્ય શું હતું અને આપણે તેને મશ્કરીનું પાત્ર નાટક કે વાર્તા જેમ બનાવી લખી રહ્યા છીએ અને ક્યારેક બોલી રહ્યા છીએ.
(૧) સ્વામિનારાયણ સંપ્રદાય પાળતા કોઇપણ ને દયાનંદ સરસ્વતીનો ‘સત્યાર્થ પ્રકાશ’ વાંચી જેમાં શ્રી હરિ માટે લખાયું છે એ કેવું લાગે.છે.
(૨) સ્વામિનારાયણ સંપ્રદાય પાળતા  કોઇપણ ને ગાંધીજીએ તેમના ભત્રીજા મગનલાલ ઉપર જે પત્ર તા.૨૫-૭-૧૯૧૮ના રોજ  (ગાંધીજીનો અક્ષરદેહ ભાગ ૧૪ પત્ર નં. -૩૬૪ માં છપાયો છે. ) લખ્યો હતો અને જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય માટે લખેલ કેવું લાગે છે.
(૩) ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ જાણીતા પીઢ ઇતિહાસકાર ડૉ.મકરંદ મહેતા એ સુરતના ‘અર્થાત’ મુખપત્રમાં લખેલા લેખ કેવા લાગ્યા અને બધા અતિ નારાજ થયા હતા.
(૪) સમાજશાસ્ત્ર ના બહુ મોટા વિદ્વાન પ્રોફેસર ડૉ.ધુર્યે  ‘ઇન્ડિયન સાધુ’ નામે પુસ્તકમાં શ્રી હરિ માટે જે લખેલ તે વાંચી કેવું દુઃખ પહોચેલ તેવું દુઃખ અમને પણ થાય છે.
(૫) ગુજરાતના વિખ્યાત સાહિત્યકાર  શ્રી ઉમાશંકર જોશીએ ‘હદયમાં પડેલી છબીઓ’ પુસ્તકમાં દુર્ગારામ મહેતાના ચરિત્રમાં શ્રી હરિ માટે જે લખેલ એ વાંચતા કેવી લાગણી દુભાય.
આ દાખલાઓ  સમજાવવા માટે આપું છું કે આવું જ કાઠી દરબારો માટે વગર વાંચ્યે તેની  સંસ્કૃતિ અને પ્રદાન  સમજ્યા વિના બોલાય કે લખાય ત્યારે પુરા સમાજની લાગણીને અત્યંત ખેદ પહોચે છે. આ દાખલાઓ આપ્યા એ તો ભારતભરમાં વિખ્યાત અને વિદ્વાન લોકોના છે,જયારે આજે તો જેને ઈતિહાસ કેમ લખાય કે તેની લખવાની પદ્ધતિ શું હોય એ પણ ન ખબર હોય એવા વ્યક્તિ અને જેનો  અભ્યાસ પણ જાજો ન હોય એ સ્વામિનારાયણ સંપ્રદાયની વાતો  સમજ્યા વિના લખે કે બોલે એ આપ સમજી શકો કે એ કેવું હોય તેના કોઈ આધારો ન હોય અને એ એકધારું સતત છપાયા જ કરે એમને એમ સુધારો કર્યા વિના  થોકબંધ અનેક આવૃત્તિઓ થયા જ કરે એ અમારી દ્રર્ષ્ટિ એ જરાય વ્યાજબી નથી.તો સત્વરે આ માટે કશુક નક્કર પગલા ભરીએ કે હવે ક્યારેય આવું ન બને અને કાચું ન કપાય અને યોગ્ય જ લખાય.
સમગ્ર કાઠી દરબારો માટે ખરાબ લખાવા પાછળના કારણ બે ત્રણ અંગ્રેજ અધિકારીએ લખેલા અધૂરા ઈતિહાસ  છે અને બીજું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક મહાન સાધુઓએ પણ જે તે સમયે હરિલીલામૃત અને હરિચરીત્રામૃતસાગર જેવા મોટા સાહિતયિક  પ્રશસ્તિ ગ્રંથો લખ્યા જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વધુ અસર બતાવવા કે કાઠીનો અસલ ઈતિહાસ સમજ્યા વિના કોઈ કાઠી સત્સંગીના મોઢે જ ખૂબ જ ખરાબ બોલાવાયું જેમકે  ‘હરિચરીત્રામૃતસાગર’ના ભાગ ૫ માં હમીર ખાચર આમ કહે છે એમ લખી અત્યંત ખરાબ લખાયું છે જેને પછી નવા સંશોધકો ને લેખકો આધાર ગણી જે એક જ વ્યક્તિએ બોલેલા શબ્દો ને એને આખા સમાજ માટે લખવા માંડ્યા.જે ‘હરિચરીત્રામૃતસાગર’ ગ્રંથ તો ૧૮૭૧ આસપાસ પૂર્ણ લખાયો આજે આ ગ્રંથની બે કે ત્રણવાર આવૃત્તિઓ થઇ તેમાં પણ એ અક્ષરસ જ છપાયું  અને અગાઉ જે કઈ બન્યું હતું તેને જોઈ જાણી આ શબ્દોને દુર કરવાની કે આ વ્યક્તિ પોતે ભક્તિભાવમાં અતિશયોક્તિ પૂર્ણ બોલે છે એવું લખવાની દરકાર લીધી જણાતી નથી.જે ગ્રંથ  ‘હરિચરિત્રામૃતસાગર’ માંથી જ સંદર્ભ લઇ ને સૌ કોઈ લેખકો કાઠીઓ વિશે અત્યંત ખરાબ આજ સુધી લખે છે તે ગ્રંથ  પૂ.આધારાનંદ સ્વામી ઉર્ફે સિદ્ધાનંદ સ્વામીએ મૂળ હિન્દીમાં  ૯૮,૧૪૫ દોહા અને ચોપાઈ માં  ૨૩૦૭ તરંગો અને ૨૮ પુરમાં ઈ.સ. ૧૮૫૮ થી  ઈ.સ. ૧૮૭૧ સુધીમાં લખ્યો જે ગ્રંથની બીજી આવૃત્તિમાં  લખ્યું છે કે  “હું ( આધારાનંદ સ્વામી) લખું છું ત્યારે મને શ્રી હરિ પ્રત્યક્ષ  દેખાય છે  તે લખાવે છે એમ હું લખું છું ભગવાનનો અપરોક્ષ અનુભવ થાય ..... કરોડો આત્માનું આન્ત્યિક કલ્યાણ થાય એવા હેતુથી આ ગ્રંથ લખ્યો છે’’આ ‘હરિચરિત્રામૃતસાગર’  ગ્રંથના ભાગ ૧ પ્રસ્તાવના ના પૃ.૫૮ માં લખ્યું છે કે “ એકવાર સ્વામી આ ગ્રંથ લખતા હતા ત્યારે કોઈ સંતે આવીને કહ્યું કે તમે આ સ્થળે મહારાજ હાથીની સવારી ઉપર બેઠા હતા એમ વર્ણન કર્યું છે તે બરાબર નથી કેમ કે એ સમયે હું હાજર હતો અને મહારાજ ઘોડેસવાર હતા,”ત્યારે આ ગ્રંથના લેખક સ્વામી આધારાનંદ કહે મને શ્રી હરિ પ્રત્યક્ષ દેખાય છે અને અનુભવાય છે તેમ હું આ ચરિત્રો લખું છું,તમને જેમ દેખાતા હોય તેમ તમે લખશો. કરોડો બાબત માંથી કોઈ એક વાત યાદ કરીને લખું છું.
જયારે એ ગ્રંથમાં જ  આવું  પ્રસ્તાવના પૃ.૫૮ ઉપર લખતા હોય ત્યારે કાઠી દરબારોને તો કેમ વિશ્વાસ આવે કે હમીર ખાચર અને અન્ય દરબારો પોતાના  જ સમાજ માટે એવું અત્યંત ખરાબ બોલ્યા હોય ? એવો પ્રશ્ન સંશોધકો અને ઈતિહાસકારો ને અવશ્ય થાય.ઈતિહાસ લખવાની એક ચોક્કસ પદ્ધતિ અને નિયમો હોય છે કે તેને જે સાધન હાથમાં આવે તેની વિશ્સ્નીયતા અને પ્રમાણભૂતતાની કસોટીએ ચડાવીને જ એ સાધનનો યોગ્ય જણાય તો ઉપયોગ કરવો,જ્યારે અહી કાઠી માટે આ ગ્રંથ નો ઉપયોગ કરતા પહેલા કોઈએ એ પદ્ધતિ બિલકુલ જાળવી નહિ અને આમાં આમ લખ્યું છે એમ આધાર માની સૌ લખતા રહ્યા અને સમાજ ને ૧૪૬ વર્ષથી નુકસાન થતું રહ્યું છે.એ હવે જરાય પણ ચલાવી શકાય તેમ નથી.
સ્વામિનારાયણ ભગવાન ને કાઠી દરબારો કેટલા પ્રિય હતા કે તેઓ ખુદ કાઠી બોલી બોલતા,કાઠી જેવો પોશાક પહેરતા અશ્વો ખેલવતા અને એમને કાઠી દરબારોની વાનગી પ્રિય હતી,એટલે તો અન્ય લોકો તેમને કાઠીયા ભગવાન તરીકે પણ ઓળખતા હતા,ભગવાન સાથે જે ૮ લોકપાળ હતા તેમાં ૭ તો કાઠી દરબારો હતા..ભગવાનને કાઠી દરબારો પર કેવું અનન્ય માન હતું તે પોતે ગઢડાના મંદિરમાં અમારા ઇષ્ટદેવ સૂર્યદેવની સ્થાપના કરી હતી એ જ મોટો પુરાવો છે કે આ સૂર્યવંશી જાતે છે,તો વિચારો કે પેલા અતિ ખરાબ શબ્દો જે સૂર્યવંશને માટે શોભે છે,એ શબ્દો કોઇપણ કાઠી ન વાંચી શકે એટલા ખરાબ છે.બીજું કે જયારે સંપ્રદાય હજુ પા પા પગલી ભરી રહ્યો હતો ત્યારે ઢાલ અને કવચરૂપ કાઠીઓ જ હતા,આપ જોવો જયારે ભગવાન ધર્મ પ્રચાર અર્થે જતા ત્યારે ૨૦ થી ૨૫ કાઠી દરબારો સાથે જતા હોવાનું માલુમ પડે છે.શ્રી હરિને કાઠીઓની મર્યાદા અને લજ્જા ખૂબ પસંદ હતી તેથી જ તે કાઠી સાથે રહ્યા આ બધું એવા લેખકો કેમ વિચારતા નથી અને અણદેખ્યું કરી વાહિયાત લખે છે એ સમજાતું નથી.
તો સૂર્યવંશીઓ વિશે આવું જ વાંચતા રહેવાનું.આ બાબતને સમજવાની જરૂર છે.જે સૂર્યવંશીઓ  સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી બની ઢાલ કવચ બન્યા એ ઉજળા ઈતિહાસના પાનાને સમગ્ર સમાજને  એ શબ્દો ઝાંખો પાડી દે છે.
વળી પાછી સૌથી મોટી કરુણતા એ છે કે સંપ્રદાયના જે જે સાહિત્યમાં કાઠીઓ વિશે અજુગતું લખાયું છે તે લેખકોએ કોઈને કોઈ કાઠી દરબારના મુખે  કલ્પનાથી એવું બોલાવ્યું છે. જેમકે હમીર ખાચર .......................... આમ કહે છે, લાખા ખાચરના માતુશ્રી કહે છે કે તમે તો અમને માણસના નોરમાં લાવીને મૂક્યા,એક જગ્યાએ લખ્યું છે કે અમે તો વાનર જાતિના જેવા કહેવાઈ આપ મળ્યા તો સુધરી ગયા,બીજે લખાયું છે કે કાઠી અને કોળીને વશ કરવાનું આપ હરિને આવડે છે,આપ હરિ સ્વધામગમન કરશો પછી જેટલા કાઠી કોળી રહેશે એ બધા માન વિનાના દુઃખી થશે.ક્યાંક એમ પણ લખે કે કાઠીની બુદ્ધિ તુચ્છ હતી વગેરે વગેરે. પણ એ સમયે કેટલા કાઠી રાજ્યો હતા અને કેવા મહાપુરુષો કાઠીમાં થયા હતા એ જોવો.
આવા બધા દાખલા તપાસતા એમ જણાય છે કે જેમ મહાન સમ્રાટ અશોકે બોદ્ધ ધર્મ સ્વીકાર્યો અને તેના પ્રચાર પ્રસાર માટે જે અશોકે પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી દિલ દઈને  કામ કર્યું પણ  બૌદ્ધ સાહિત્યમાં તો તેને અતિ ક્રૂર શાસક તરીકે જ ચિતરવામાં આવ્યો કે અશોક તેના ૯૯ ભાઈઓને મારીને ગાદીએ આવ્યો હતો અને તેના રસોડામાં અસંખ્ય પશુ પક્ષીઓની કતલ કરવામાં આવતી હતી વગેરે વગેરે. અહી વાત એમ છે કે અશોકને જેટલો વધુ ક્રૂર અને બદનામ શાસક ચિતરવામાં આવે એટલો જ બોદ્ધધર્મ અને બોદ્ધધર્મના સાધુઓનો પ્રભાવ વધુ સારો પડેલો લોકો માને.આ તો એવું થયું કે  મહાન સમ્રાટ અશોક અને કાઠી દરબારો ‘કાકો મટીને ભત્રીજો થયા’ એ કહેવત જેવું થયું છે.
આવું જ કૈક કાઠીઓની બાબતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યનો ઉપયોગ કરી પછી જે લોકોએ ઈતિહાસ લખ્યા એમાં બનેલું એવું જ જણાય છે.જે જે લેખકો ડોકટરેટ થયા અને કેટલાકે ઇતિહાસના પુસ્તકો લખ્યા એમાં કાઠી વિશે આવું જ લખ્યું છે એમના નામો અહી મૂકી તેમને જરાય દુઃખ પહોચાડવું નથી કે માનભંગ કરવા એ ઈતિહાસકારનો ધર્મ કે આશય કદી હોતો નથી.એ તો સત્યનો આરાધક હોય.
બાકી કાઠી કદી નમાલું  બોલે નહિ કે અપશબ્દો ન આવી જાય એવું પણ ન બોલે એવી એમની બોલી હતી જેમ કે કાઠી કદી ગાય ગાભણી છે એમ ન બોલે પણ એમ બોલતા કે ઓડકું સંથાલું છે અને સો દી (સો દિવસ )ને બદલે કાઠી સો જમણ એવા શબ્દો તેમની બોલીમાં વાપરતા હતા.કાઠીમાં સતી પ્રથાનો રિવાજ કે દહેજનું દુષણ હતું નહિ અને લગ્નમાં અશ્લીલ ગીતો ગાવાનો રિવાજ નહોતો તેને બદલે અર્થસભર ફટાણા ગવાતા હતા,છતાં કાઠીઓને માટે અશુદ્ધ,અસસ્કારી પાને પાને ચિતરાવીને  લોકો ઉપર વધુ પ્રભાવ  બતાવવામાં એક આખા સમાજને જબરો અન્યાય થયો હોય અને હજુ થતો જ રહે છે, એવું આ લખનાર કે જે કાઠી જ્ઞાતિ પર જ ડોકટરેટ થયેલ  છે તેને બહોળા સંશોધન અને અનુભવો બાદ લાગે છે.
હા એ પણ ખરું જ છે સંપ્રદાયના સાહિત્ય માં આ જ કાઠીઓના ગુણના ભરપૂર વખાણ પણ કરવામાં આવ્યા છે પણ પેલું અત્યંત ખરાબ અને આ સારું બને મેચ થતા નથી અને વિરોધાભાસ જણાય.કાઠી માટે એ જ ‘હરિચરિત્રામૃતસાગર’ જ લખે છે કે  કાઠી જેવી મર્મભરી વાણી દુનિયામાં કોઈની ન હોય ભાગ ૨-પૃ.૧૦૯૨  વગેરે વગેરે  કાઠી દરબારોમાં કેટલાક દરબારો પૂર્વે મોટા મોટા દેવ હતા ભાગ ૨-પૃ.૯૧૧ વગેરે કાઠીઓની આજીવિકા પ્રાય યૌદ્ધા તરીકેની હતી,તેઓ રજપૂતોથી પણ વિશેષ સાહસિક અને લડાઈમાં કુશળ હતા વગેરે.
જે કેટલાક દાખલાઓ ઉપર નોધ્યા છે એ વ્યક્તિગત મોઢે કાઠીએ બોલેલા જો  સાચા જ હોય તો પણ એ કદાચ અતિ ઉત્સાહમાં સંપ્રદાય અને શ્રી હરિને મોટા બતાવવામાં જેમનો ગુણગાન વધારવા કહ્યું હોય એમ  વિદ્વાનો માની શકે ,જેને આજના લેખકો પોતાના ગ્રંથોમાં અવતરણો કરીને ટાંકે કે સનાતન સત્ય કે ઈતિહાસ જ છે એમ માનીને ચાલી રહ્યા છે એ સમગ્ર નાતને માટે નિંદિત કરતુ છે.
જયારે આજે આ લખનારે હાલમાં ‘સ્વામિનારાયણ સંપ્રદાયમાં કાઠી દરબારોનું પ્રદાન’ નામનું એક પુસ્તક લખ્યું છે જેનો અભ્યાસ કર્યા બાદ આવું લખાતું અટકે તો કાઠીઓને સાચો ન્યાય અને લેખકોને જશ મળશે.આ સિવાય જે કોઈ સંશોધક કે સત્સંગીને કે લેખકોને  કાઠીઓને ઈતિહાસ સમજવો હોય એમણે કાઠીઓના ઈતિહાસ ઉપર લખાયેલા નીચેના પુસ્તકો એક વાર વાંચી જવા ભલામણ કરવામાં આવે છે.(૧ ) કાઠી ઈતિહાસ અને સંસ્કૃતિ ડૉ .પ્રદ્યુમ્ન ખાચર ( ૨)કાઠીઓ અને કાઠીયાવાડ ડૉ .પ્રદ્યુમ્ન ખાચર (૩) કાઠીયાવાડ વાળા અને કાઠી રાજવંશો,નાજભાઈ વાળા, (૪) કાઠી સંસ્કૃતિ ભાગ ૧, જીલુભાઈ ખાચર.
આપ શ્રી તો આ બાબતે આ  પત્ર વાચી હવે યોગ્ય કરવા વિનંતી છે અને આપની દરેક સંસ્થા અને સંતોને અને આપના લેખકોને જાણ કરવા વિનંતી તો હવે નવા લખાનાર કે બોલાનાર સાહિત્યમાં કે કથા કે ઓડિયો વિડીયોમાં આ બાબતને લક્ષમાં લઈને ચાલે  અને આ લેખ કે  વિનંતીને આપના દરેક મુખપત્ર અને વેબસાઈટમાં પ્રસિદ્ધ કરવામાં આવે તો નવી પેઢી એમ કરતા અને બોલતા ને લખતા અટકશે.તથા કાઠી દરબારોને સંતોષ થશે કે અમને હવે સાચો ન્યાય મળશે.આ બાબતે અમે કઈ સમજવામાં ઉણો ઉતર્યા હોઈ તો અમને સમજ આપવા અમારી નમ્ર અરજ છે,એ સત્ય સમજવા અને સ્વીકારવા માંગી છીએ.આપે કોઈએ આ પત્રથી જરા પણ માઠું લગાડવું નહિ અને  આ અમારા સમાજની વ્યથા જાણી દરગુજર કરવા વિનંતી અને ઇતિહાસના ૨૫ પુસ્તકોના લેખન પછી મારી અલ્પમતિએ પત્ર લખી આ બાબતે ન્યાય મેળવવવાનું સુજ્યું છે જે સમાજને સાથે રાખી લખ્યું છે આશા રાખું છું કે આપ આ બાબતે યોગ્ય વિચાર કરી નીચેના સરનામે યોગ્ય પ્રત્યુત્તર પાઠવી આભારી કરશો.એવી કાઠી સમાજ આશા રાખે છે.
                                                                   કાઠી સમાજના પ્રતિનિધિ 
                                                     ડૉ.પ્રદ્યુમ્ન ભ.ખાચર
                                                          અતિ આદર સાથ  જય સ્વામિનારાયણ
‘ શિવશક્તિ’ વાલાણી નગર પ્લોટ નં ૧૪ શેરી નં ૨ જૂનાગઢ ૩૬૨૦૦૨
મો.૦૯૮૭૯૪ ૨૧૦૨૫ ઇમેલ –pkhachar@gmail.com તા.૨૩-૭-૨૦૧૭

અન્ય પ્રતિનિધિની સહીઓ ---------------------------------------

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર