કાઠિયાવાડમાં ગાંધીજીની શોકસભાઓ અને લાગણીના પુર

કાઠિયાવાડમાં ગાંધીજીની શોકસભાઓ અને લાગણીના પુર
                                                            ડૉ.પ્રદ્યુમ્ન ખાચર,જૂનાગઢ
ગાંધીજીના અવસાનના સમાચારોની ફૂલછાબે ખાસ પંક્તિઓ લખી હતી કે હિન્દને અજવાળતી આંખ મીચાઈ ગઈ. માનવતાનો ધ્રુવતારક આથમી ગયો. અહીં ઊગેલો સુર્ય દિલ્હીમાં અસ્ત થયો.

જયારે મહાત્મા ગાંધીજીનું અવસાન થયું ત્યારે કાઠિયાવાડ આખું રોયું હતું ને ભારતના ૨૪ લાખ લોકોની આંખો રડીને લાલચોળ બની હતી અને રાજા મહારાજા અને લોકોએ બે દિવસની હડતાલ અને ૧૩ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.
પોરબંદર પર શુક્રવારની સાંજે ગગન વાણીનો ગમગીન  સંદેશ  પથરાયો હતો કે મહાત્માજીનું અવસાન કોઈ હત્યારાને હાથે થયું થોડીવાર તો આ સમાચારની જાહેરાત પણ જાણે કોઈ નિરવતાથી જ થઈ રહી હોય એમ થઈ રહ્યું પણ પછી તો આ વાત ફેલાઈ ગઈ, તરત જ હિંદુ મુસલમાન સૌ કોઈએ દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી હતી અને સૌ રેડિયો ઉપર કાન માંડીને બેસી રહ્યા હતા. આખી રાત લોકોએ અજંપામાં ગાળી.સવારે મહારાણાશ્રી નટવરસિંહજીએ સુદામાજીના મંદિરમાં પ્રાર્થનાનો કાર્યક્રમ જાહેર કર્યો,આગેવાનો તરફથી મૂક સરઘસની યોજના તૈયાર થઈ તે ખરેખર પોરબંદરનું આ શોક દ્રશ્ય અનોખું   અદ્વિતીય અને અપૂર્વ હતું. મહારાણાને યુવરાજ ઉદયભાણસિંહજી ઉઘાડે મસ્તકે  મંદિર બહાર રસ્તા ઉપર ઉતરી ને ઉદાસ મુખે સુદામાજીના મંદિરે આવ્યા હતા. મહારાણાએ માઈક ઉપર પ્રવચન આપ્યું ત્યારે એ રાજવીના કંઠમાંથી કરુણતાની વાણી પ્રસરી. “વહાલા પ્રજાજનો લગભગ પોણો સો વર્ષો પહેલા આ નગરીમાં એક દીવો પ્રગટ્યો, પોણો સો વર્ષ પહેલાં એક સૂરજનો ઉદય આ નગરી એ જોયો એ દિવસે સૂરજએ પોતાનો અખંડ મધુર સુંદર પ્રકાશ સારા એ વિશ્વને આપ્યો છે એ દીવો દિલ્હીમાં ગઇ સાંજે બુજાયો છે એ સૂર્યનો અસ્ત થઈ ગયો ભલે દીવો બુઝાયો પરંતુ તેણે જે સત્ય ને અહિંસાનો ચિર પ્રકાશ સારા એ  વિશ્વને આપ્યો છે તે ચિરકાળ સુધી પ્રદીપ્ત રહેશે એની તેજરેખા આ જગતને પ્રેરણા આપશે એ પ્રકાશ અવિચળ મધુર અને સુંદર છે મહાત્માજી મૃત્યુ નથી પામ્યા પરંતુ તેઓ આપણી વચ્ચે સત્ય અને અહિંસાની જ્યોતિ વેરતા સદાકાળ જીવત છે. હું યુરોપની મુસાફરીએ ગયેલો તે વખતે અમે મોટરમાં ફ્રાન્સમાંથી પસાર થતા હતા એક ગામડાના પાદરમાં કેટલાંક બાળકો સાંજે રમતા હતા તેઓ તેમને જોઈ ગાંધી ગાંધી બોલીને નાચી ઉઠ્યા, હિન્દના લોકોને જોતાં યુરોપના બાળકોને પણ ગાંધીજીનું દર્શન થતું આ ૨૮ વર્ષ પહેલાંની વાત છે,અત્યારે તો મહાત્માજી તપશ્ચર્યાની  ટોચે પહોંચ્યા હતા. આપણે ગાંધીજીને સુદામાનો અવતાર માનીએ છીએ સુદામાજીએ પોતાની અવિચળ ભક્તિથી કૃષ્ણને પોતાના કરી આ નગરીને સુવર્ણનગરી બનાવી હતી,ગાંધીજી પણ સુદામાનો અવતાર છે ને તેમણે ભારતને સુવર્ણ બનાવ્યું છે ગાંધીજી સુદામા રૂપે અવતર્યા છે તો કૃષ્ણ પણ ક્યાંક હોવા જોઈએ, નહિ તો કૃષ્ણ જન્મ ધારણ કરશે મહાત્મા એવા  કૃષ્ણને અવતરવા તેમને તેડવા ગયા છે તેઓ અજર-અમર છે. મહાત્માજી ખરેખર આપણું એક ઢાંકણ હતા એ ઢાંકણ નીચે અનેક વાતો ઢંકાયેલી છે એ ઢાંકણ આજે ચાલ્યુ ગયું છે પણ એ વાતો ઢાંકેલી રહે એમ હું ઈચ્છું છું.” મહારાણાના ભાષણ પછી બે મિનિટ શાંત અને મૂંગી પ્રાર્થના સભા થઈ હતી પછી મેદની વિખેરાઈ હતી બપોરે દોઢ વાગે શોક સરઘસ મહાત્માજીના જન્મ સ્થાન પાસે ઘડીક વિરમીને  રાજમાર્ગો ઉપર ફર્યું હતું પોરબંદર એ કદાચ ભૂતકાળમાં નહીં જોયું હોય એવું વિરલ અને અપૂર્વ એ દ્રશ્ય હતું બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધેલો અને મહાત્માજીના પ્રિય રટણને ધૂન એવા રઘુપતિ રાઘવ રાજા રામનું ધ્વનિ કરતો સ્ત્રી સમુદાય આગળ ચાલતા ચાલતા સમુદ્ર કાંઠાના માર્ગ ઉપર આવ્યું તે દૃશ્ય પણ  અપૂર્વ  હતું વિક્ટોરિયા જ્યુબિલી હોલના મેદાનમાં જાહેર સભા મળી તેમાં મહારાણા અને યુવરાજે હાજરી આપી હતી સંસ્થાઓ ગુરુકુળની કન્યાઓ તેમજ સમગ્ર પોરબંદરની માનવ ભરતીથી ચોગાન હલકી ઉઠયું હતુ એ મેદની સંખ્યાતીત હતી.
શહેરનો વાહન વ્યવહાર પણ બે દિવસ બંધ રહ્યો હતો શાળા કચેરીઓ તેમજ શહેરોમાં સોમવારે સાંજે હડતાલ ખુલી હતી.રાણાવાવમાં હિંદુ-મુસ્લિમની શોકસભા થયેલી ખોજા કોમે શોક પાળ્યો હતો અને ભજનો કર્યા.
જૂનાગઢ રાજ્ય અને ગાંધીજીને તો અનેરો નાતો રહ્યો હતો. જ્યારે ગાંધીજીનું અવસાન થયું એ નિમિત્તે રૂપાની પાલખીમાં ગાંધીજીની મૂર્તિ મૂકી સરઘસ આકારે શહેરમાં ફેરવી દામોદરકુંડએ લઈ જવામાં આવેલ જ્યાં ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધીએ પૂજા વિધિ કરી મૂર્તિ દામોદરજીના મંદિરમાં પધરાવી ગીતા કુરાન અને ગ્રંથસાહેબની પ્રાર્થના કરવામાં આવી હતી. એ પછી સોમવારે નરસિંહ મહેતાના ચોરામાં પ્રાર્થના રખાયેલ જેમાં એડમિનિસ્ટ્રેટરશ્રી શિવેશ્વરકર,શામળદાસ ગાંધી, કાર્યકરો અને અમલદારો હાજર રહ્યા હતા. જૂનાગઢની પ્રાર્થના સભામાં દસ હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો.
ગાંધીજીની શોક સભા ને પ્રાર્થના મોરબીમાં યોજવામાં આવી હતી એમાં મહારાજા લખધીરસિંહજી હાજર રહ્યા હતા અને જેમણે ગાંધી સ્મારક નિમિત્તે ટાઉનહોલ બનાવવા પાંચ લાખ આપ્યા હતા જેનો પાયો શોકના 13 દિવસ પુરા થયા પછી તરત નાખવામાં આવવાનું કહેવામાં આવ્યું હતું.
મહાત્માજીનું ખૂન હિન્દુ મહાસભાવાદીએ કર્યું હોવાથી ઉશ્કેરાયેલા એક ટોળાએ મોરબીમાં હિંદુ સભાનું પાટીયું તોડી નાખી દીધું હતું પછી ટોળુ હિંદુ સભાની કચેરી પર પહોંચ્યું ત્યાંના પાટિયાને પણ ખેંચી બાળી દીધું કચેરીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો આમ દક્ષિણના પાગલ ના કૃત્ય સામે અહીંની જનતા પણ ઉશ્કેરાય પાગલ બની પોલીસ આવી પહોંચી હતી. હિંદુ મહાસભાના એક અગ્રણીએ ટોળા સામે છરી ઉગામેલી તેની ધરપકડ કરવામાં આવી હતી કાર્યકરો અને ઓફિસની ઝડતી લેવાઈ ટોળાને શાંત પાડવામાં આવ્યું હતું આજનો દિન શોકનો છે ગુસ્સાનો નથી બધાએ મગજ કાબુમાં રાખી શાંતિથી શોક દિન પસાર કરવો જોઈએ એમ કહેવામાં આવ્યું હતું.
ભુજમાં રેડિયો ઉપરથી સાંભળેલા સમાચાર ભુજના લોકોએ જુઠ્ઠા જ માન્યા હતા કે બાપુ મરે નહિ બાપુ અમર છે એવી લોકોની માન્યતા નસીબે ખોટી પાડી અને વાસ્તવિકતા સમજાઇ ત્યારે લોકો શોકમાં ગરકાવ થઇ ગયા હતા દિલ રડી ઊઠ્યા હતા શુક્રવારની રાતે જ સભા મળી અને રામધૂન અને ભજનો થયા,શનિવારે શોક સરઘસ નીકળ્યું અને એક પાલખીમાં ફૂલના ઢગલા વચ્ચે ગાંધીજીની છબીને મૂકવામાં આવી હતી પાલખી પરિષદના પ્રમુખશ્રી નગર સભાના પ્રમુખ અમલદારો વગેરે ઉપાડી હતી તે લોકોએ આખોમાં આંસુ સાથે રામધુન ગાઈ હતી.
શુક્રવારના સાંજના ગાંધીજીની તસવીર પાલખીમાં પધરાવી જામનગરમાં સરઘસ નીકળેલું રાત્રે પ્રાર્થના થયેલ બીજે દિવસે પચીસ હજાર લોકોની સભામાં શોક પ્રદર્શિત કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો.
ભાવનગરમાં પણ ગાંધીજીની શોકસભાઓ ભરાણી હતી અને આ સમયે વડાપ્રધાન બળવંતરાય મહેતાએ શોક પ્રદર્શિત કરતો ઠરાવ રજૂ કરેલો અને એ સભામાં ગાંધી મંદિર બનાવવા અને ગાંધીજીના રચનાત્મક કાર્યના ફાળાની જાહેરાત થઈ હતી ‌
ગાંધીજીના અવસાન નિમિત્તે પાળીયાદમાં બે દિવસની હડતાલ પડી હતી અને ગાયોને ઘાસ અને કૂતરાને રોટલા નંખાયા હતા.
સાવરકુંડલામાં બાપુના અવસાનની શોક સભા વખતે દલિતો માટે મંદિરો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.કાશી વિશ્વનાથનું મંદિર દલિતો માટે ખુલ્લું મુકાયું ,દલિતો સાથે હજારો લોકો ભજન અને રામ ધૂન ગાતા ગાતા મંદિરોમાં પ્રવેશ્યા હતા સાંજે નાવલી નદીમાં શહેરીજનોની સભા મળી હતી. ‌
જેતપુરમાં દરબાર સુરગવાળાના પ્રમુખ સ્થાને પ્રાર્થના સભા યોજવામાં આવી હતી જેમાં ગાંધીજીને અંજલિ અપાઇ શોક ઠરાવ થયો ગાંધીજીના સ્મારક માટે દરબારે રૂ ૫૦૦૦ આપી ફાળો શરૂ કર્યો ગેસ્ટહાઊસનો બંગલો હતો તેની પાસે ચાર રસ્તાઓ મળે છે ત્યાં ગાંધીજીનું  બાવલું મુકાશે એમ જાહેર થયું હતું, ત્યાંથી ધોરાજી દરવાજા સુધીના રસ્તાનું નામ ગાંધીરોડ રાખવામાં આવશે  અને રાજ્ય 13 દિવસનો શોક પાળશે એવી જાહેરાત કરવામાં આવી હતી.
લીબડીમા ગાંધીજીની શોક સભા સોલિસિટર ચીમનલાલ શાહ ના પ્રમુખ પદે કરવામાં આવી હતી.
તે દિવસનું સમઢિયાળા અને આજનું વીરનગર જેમાં ગાંધીજીની શોકસભા થયેલી અને આજુબાજુના ગામોના લોકો ઘણાં આવેલા ગાંધીજીને અંજલિ અપાઇ ગાંધીજીના સ્મરણાર્થે ગાંધી ગ્રામ વિદ્યાલય કરવા વીરચંદ તરફથી પાંચ લાખ કાઢવામાં આવ્યા એની વ્યવસ્થા અને સંચાલન સરદાર પટેલ દરબાર ગોપાળદાસ અને ઢેબરભાઈની સલાહ સૂચના અનુસાર કરવાનું નક્કી થયું હતું ‌.
વઢવાણમાં ગાંધીજીના અવસાનના સમાચાર ચોમેર ગમગીની ફેલાઇ ગઇ હતી લોકો મોતી ચોકમાં એકઠા થઇ ગયા રેડિયો પર આવતું સરદાર પટેલ  અને જવાહરલાલ નહેરૂનું ભાષણ મેદનીએ સાંભળ્યું લોકોએ આંસુ સાર્યા રામધૂન કરી અને ત્રણ દિવસની હડતાલ પડી હતી. શોકસભામાં રાજ્ય કુટુંબ તથા અમલદારો હાજર રહ્યા હતા રાત્રે તિલક મેદાનમાં શોકસભા યોજાઇ. શિવાનંદજી, દીવાન બારોટ વગેરેએ અંજલિ આપી ‌.
રાણપુરમાં મહાત્માજીના અવસાનની ખબર શુક્રવારે સાંજે ગામે સાંભળી ઘડીભર તો બધા અવાક થઇ ગયા શનિવારે સખત હડતાલ જાહેર થઈ સવારમાં મૌન સરઘસ નીકળ્યું ચારેબાજુ ગંભીરતા છવાઇ ગઇ હતી. હિંદુ કે મુસ્લિમ દરેકના હૃદયમાં એક જ અસર હતી મહાત્માજીની સ્મશાનયાત્રા નીકળી એ સમયે જન્મભૂમિ હાઇસ્કૂલમાં પ્રાર્થના સભા મળી દરેક કોમે એમાં ભાગ લીધો બપોરે મસ્જિદમાં હિન્દુ-મુસ્લિમોએ સાથે મળી મહાત્માજીના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી. મહાત્માજીએ જેને માટે ભોગ આપ્યો એવી કોમી એકતાનું દ્રશ્ય ત્યાં ખડુ થયું ત્યાંથી ધૂનને ભજનો ગાતા ગાતા સરઘસ આકારે ગામમાં ફરી બધા નદીએ પહોંચ્યા છેલ્લા દસકામાં નહી ભેગી થઈ હોય એટલી મેદની ત્યાં આવી હતી સ્ત્રીઓની પણ સારી હાજરી હતી ત્યાં ગીતાના શ્લોકો અને કુરાનની આયાતોનું વાંચન થયું,રાત્રે શ્રી નંદલાલ શાહના પ્રમુખ પદે જન્મભૂમિ હાઈસ્કૂલમાં જાહેર સભા મળી હતી.
ધ્રોળની પ્રાર્થના સભામાં ધ્રોલ ઠાકોર સાહેબ અને ભાડવા દરબાર સાહેબ પણ હાજર રહ્યા હતા અને ગાંધીજીને અંજલી આપી હતી.
અમરેલીમાં ગાંધીજીની પ્રાર્થના સભા થઇ અને લોકો એ સરઘસ કાઢ્યું હતું એ સરઘસ નીકળ્યું પછી બપોરે હિંદુઓએ અને મુસલમાનોએ પણ પ્રાર્થના સભા યોજી જેમાં ગીતાના શ્લોકો અને કુરાનના કલમાઓ વંચાયા હતા અને જુદા જુદા વક્તાઓએ ગાંધીજીને અંજલિ આપી હતી.
ગાંધીજીની શોકસભા ઠાસરા, ઇંગોરાળા, ધાંધળી,પસવી,મોરંગી, આંબા, ધોળા, બોટાદ, જાત્રોડા.ગોરસ, ઉંચડી,ત્રાપજ, જીરા રોડ,ધંધુકા, ધોલેરા, નાના રાજકોટ, જાફરાબાદ, ચોક, જેતપુર, વડીયા, જોડીયા, જાળીયા દેવાણી, આશ્રમ વંથલી, વીરપુર, ગોંડલ, ધોરાજી વગેરે ઠેકાણે થઈ હતી અને બે અને ત્રણ દિવસની હડતાલ પડી હતી. મોજીદડ,થાનગઢ, મુળી, મોટીમારડ, લાઠી, ચીતલ, બીલખા, આકડિયા, અમરેલી, બાબરા, ઘોઘા, અને ઠળિયામાં પણ હડતાળ પડી હતી. તળાજા, કુંભણ, જલાલપુર, વરતેજ, ગઢાળી, ગુંદાળા, જુનાસાવર, સમઢીયાળા, સોનગઢ, સાંગાવદર, ભાદ્રોડ, સલડી, ઉમરાળા, રાળગોન, ખોરાસા ગીર, ઉના,ચલાળામા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.
ગાંધીજીના અવસાનના સમાચાર સાંભળી અમરેલીના ચલાળા પાસેના ચાડીયા ગામના કાઠી દરબાર નાજભાઈ નથુભાઈ વાળાના ઘરમાં બે દિવસ સુધી રાંધ્યું નહોતું અને ઉપવાસ કર્યા હતા તે દરબારને એમ અફ્સોસ થતો કે હુ ગાંધીજીના ચરણસ્પર્શ ન કરી શક્યો. જોકે તેમણે ગાંધીજીને બે વાર અમરેલી ને ઢસામાં સાંભળ્યા જરૂર હતા.
આમ ભારતના રાષ્ટ્રપિતા અને કાઠિયાવાડના પનોતા પુત્રને અંતિમ સમયે આવા માનપાન અને આદર મળ્યા હતા અને  લગભગ ગામોએ બંધ પાળ્યો હતો.
ગાંધીજીનું અવસાન થયું એ સમયે ફૂલછાબ દર શુક્રવારે કે શનિવારે  પ્રસિદ્ધ થતું હતું એને બદલે એ પછીથી દર ગુરૂવારે ફૂલછાબ બહાર પડવા માંડ્યું હતું ‌.એ ફૂલછાબ ના અંકમાં ગાંધીજીના જીવનની અનેક યાદગાર તસ્વીરો પ્રગટ કરવામાં આવી હતી અને સાથે સાથે કેટલાક કાવ્યો પણ મુકવામાં આવ્યા હતા.એ પછી ગાંધી હત્યાકાંડની સંપૂર્ણ  ન્યાયી પ્રક્રિયા પણ છાપવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર