મહંમદઅલી ઝીણા નો કાઠિયાવાડ પ્રવાસ
મહંમદઅલી ઝીણાનો કાઠિયાવાડનો પ્રવાસ- ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
મહંમદઅલી ઝીણાએ મિસ્ટર ચુંદરીગર તથા ખંડવાણી તથા દીનના તંત્રી કુરેશી તથા ચાઈવાલા સાથે તા. ૨૨-૧-૧૯૩૯ના બપોરથી શરૂ કરી તા.૨૭-૧-૧૯૩૯ના કાઠિયાવાડના તેર શહેરોનો પ્રવાસ કર્યો હતો અને લીગના અખબારો માટે દોઢ લાખનો ફાળો એકત્ર કર્યો કર્યો હતો.
આ શહેરોમાં જેતપુર, ધોરાજી, ઉપલેટા,બાંટવા,કુતિયાણા, પોરબંદર, ગોંડલ, રાજકોટ આ આઠ સ્થળોએ જાહેર સભાઓ પણ કરી હતી બાકીના સ્થળોમાં જૂનાગઢ, માંગરોળ, માણાવદર,પાનેલી વગેરે ઠેકાણે અવિધિસરની સભા કરી અને સ્થાનિક કાર્યકરો સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ પ્રવાસમાં મહમદઅલી ઝીણા નીચેના રાજવીઓ અને પ્રતિનિધિઓને મળ્યા. રાજકોટમાં શ્રી ચિનાઈને વીરાવાળા વતી તથા કુમારશ્રી પ્રદ્યુમ્નસિંહજીને ઠાકોર સાહેબ વતી મળ્યા હતા.
જૂનાગઢમાં મહમદ દીવાન સાલે હિંદીના મકાનમાં સ્થાનિક જમિયતના આશરા હેઠળ યોજાયેલા મેળાવડામાં મેળાવડાની અંદર સ્થાનિક મુસ્લિમ અમલદારો તેમજ અગ્રણી મુસ્લિમોની દોઢસો બસો જેટલી સંખ્યા હતી. જૂનાગઢના મુસ્લિમો તો ગરીબ છે માટે મારે એમના નાણા આમાં નથી લેવા એવી એની લાગણી પણ વિચારવા જેવી લાગી હતી !!.
માંગરોળથી મુસ્લિમ અધિકારી શેખ સાહેબના પર્સનલ આસીસ્ટટ મહમદઅલીને તેડવા જૂનાગઢ આવેલા પછી શેખસાહેબ સાથે સાથે ખાનગી ખાણું ગોઠવાયું હતું.માંગરોળની મસ્જિદમાં પ્રવચન આપ્યું હતું.
માણાવદરના ખાનસાહેબ સાથે ચા પાણી પીધા ત્યાં મુસ્લિમ અમલદારો પણ હાજર રહ્યા હતા.
આ પ્રવાસ દરમિયાન તદ્દન ખાનગી એવી મંત્રણાઓ ધોરાજી,બાંટવા અને ઉપલેટા ત્રણ જગ્યાએ થયેલી જેમાં અમુક ગણ્યા ગાંઠ્યા અને ખાસ જુદા નામ તારવેલા એવા જ મુસ્લિમ ગૃહસ્થોને સામેલ કરવામાં આવ્યા હતા. કાઠિયાવાડ મુસ્લિમ લીગના પ્રમુખ પણ આ મંત્રણામાં હાજર નહોતા એટલે કે બહાર નીચેના ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. જો કોઈ અંદર જવા ઉઠે તો એમને વિવેકથી એમ કહેવામાં આવતું હતું કે આપ અહીં જ બેસો.
મહમદઅલી ઝીણાની આ ખાનગી મસલતોનો મર્મ કે બે રાજાઓ અને કેટલાક રાજ અધિકારીઓ સાથેની ગુફ્તેગુ ઓનો તાગ બહાર આવેલ નહોતો પણ એટલી હવા જરૂર બહાર આવી હતી કે ગોંડલ મહારાજા ભગવતસિંહજીએ કહ્યું કે “હું આ દેશના રાજકારણનું જ્ઞાન ધરાવતો નથી” એમ કહીને બીજી અંગત પુછપરછ તરફ વાર્તાલાપ વાળી લીધો હતો. ગોડલમાં મહારાજા ભગવતસિંહજી સાથે અડધો કલાક ચા પાણી માટે ગાળ્યા પોતે દરબાર ગઢની મુલાકાત લીધેલી ત્યારે અમલદારો મળેલા પણ કોઇ અમલદાર સાથે વિધિસરની મુલાકાત નહોતી થઈ, દરબારગઢની કચેરી દેખીને એક જ છાપ લઈ ગયા કે મુસ્લિમ નોકરો કેમ થોડા ?.
આ પ્રવાસને જામનગર, ભાવનગર, મોરબી-વાંકાનેર જેવા સ્થાનોને બાદ રાખવામાં આવ્યા હતા આ પ્રદેશ હિન્દુઓ જેમાં લગભગ લઘુમતીમાં છે મુસ્લિમોમાં પણ જ્યાં એકલઠા ખૂબ જ શ્રીમંત મુખ્યત્વે વ્યાપારી વ્યાપાર બહાર ભાગ્યે જ કોઈ વાતમાં રસ લેતા રાજકારણથી દૂર અને હિંદુ ભાઈઓથી જમાના ઓ થયા. એખલાસ રાખનારા મેમણ કોમના જ કિલ્લાઓ જ્યાં ઉભેલ છે તે પ્રદેશ જ લીધો હતો.
તે પ્રદેશને સર કરવાની તેમની ખુલ્લી નેમ હતી તથા મુસ્લિમ લીગના અખબારો માટે ભંડોળ ઉભુ કરવાની હતી પણ તેમણે તો મેમણ ભાઈઓને કહ્યું છે કે આજે હું તમારો માલ માંગવા આવેલ છું વખત પડે હું તમારા જાન માંગવા આવીશ ત્યારે તૈયાર રહેજો વગેરે વગેરે.
મહમદઅલીના પોતાના પ્રવચનો એક બાંટવા,જેતપુર સિવાય બીજે લગભગ બધે સ્થળે પ્રમાણમાં એક આગેવાનને માટે કે મહાસભાના હડહડતા વિરોધીને માટે અણધારેલા એવા ખરાબ નહોતા પણ એના સાથીઓ પૈકીના મિ.ખંડવાણીની જબાને તો ખુન્નસ, જુઠ અને ઝનૂની ઉશ્કેરાટની કોઈ જ અવધિ રહેવા દીધી નહોતી. મેમણ કોમના મથકોની પસંદગીની સાથે એવા વક્તાનીની પસંદગીનો મેળ બેસાડવો એ મહમદઅલીની આવડત હતી કે ભૂલ તે તો કાળનો ઇતિહાસ જ કહેશે એમ ત્યારે કહેવાયું હતું.
બાંટવાના ભાષણમાં મહમદઅલીએ જણાવ્યું હતું કે હું તો હવે પાકો કોમવાદી છું, તમારી મને આજે જરૂર છે તમારા જાનની જરૂર મને નજીકના ભવિષ્યમાં જ પડવાની છે મુસ્લિમોનો કોઈએ વાળ પણ વાંકો કર્યો છે તો યાદ રાખે, બધા તેની પાછળ નવ કરોડ મુસ્લિમો છે ને તેની પાછળ લીગ છે વગેરે વગેરે.
મહમદઅલીના આવા ઉચ્ચારો કાઠિયાવાડના પંજાબ ને બંગાળ સમા બાંટવા પ્રદેશમાં દારૂખાનાની અંદર સળગતી દીવાસળી લઈ જવા જેવા હતા અજ્ઞાન પ્રજામાં કોમી વિદેશનું ઘોર જ્ઞાન hymn of hate હતું એ પ્રદેશોમાં હિંદુ પ્રજા લઘુમતી સ્થિતિમાં હોવાની ઝીણા ને જાણ પણ હશે.
ભાવનગરના મસ્જિદ હુલ્લડના મામલામાં મુસ્લિમોને સજા કરનાર રાજ્ય પ્રત્યે મહમદઅલીના મંડળે ઠેરઠેર સૂચક ધમકીઓ સુણાવી હતી એ સુણાવનારના પગ નીચે હિન્દુ મુસ્લિમ દેશી રાજ્યોની ધરતી હતી હવે પછી મળનારી સભામાં નોંધ લેવાનાર છે કે કેમ તે જોયું જશે.?
મહમદઅલીના સાથીઓએ અજ્ઞાન મુસ્લિમોને એવું ભરાવ્યું કે જામિયા મિલિયા એ રચેલા ઉર્દુ પાઠ્ય પુસ્તકોમાં શ્રીકૃષ્ણ અને બુદ્ધને પણ મહાન સ્થાન આપ્યું છે જ્યારે પેગંબર સાહેબને અરબસ્તાનના એક સામાન્ય સરદાર જેવા હતા,એવી કોઈ નજીવી પીછાન આપી છે આમ કરવાનો મહાસભા ને સરકારોનો હેતુ મુસ્લિમ બાળકોના હૃદયમાંથી ૧૫ વર્ષ પછી ઇસ્લામનું જ્ઞાન અને પેગંબરસાહેબનું નામ મિટાવી દેવાનો હતો એવું કહી ધાર્મિક ઉશ્કેરાટનું વાતાવરણ ઉભું કરવા કોશિશ કરી હતી. પેગંબર ને લગતો ઉર્દુ પાઠ લાગતા વળગતાઓએ બધી પ્રાંત ભાષાઓમાં જાહેર કરવો રહે છે એમ કહ્યું હતું .
૬૪ વર્ષની ઉંમરે મુલાયમ જીવનની મૂર્તિ સમાન મહમદઅલી ૪૦ વર્ષ પછી પુન કાઠિયાવાડમાં આવીને મોટર પ્રવાસનો દિવસ રાતનો હડચો સહે, ધૂળથી ભરાઈ છતાં અને રાતના થાકીને ટેં થઇ ગયા પછી પણ જરૂરી કામને માટે ખડા થઈ જાય. ઉર્દુ નથી આવડતું તે પોતે આ ઉમરે શીખવા બેઠેલ છે એવો એકરાર કરે. પ્રવાસ નોંધ લેવા આવેલા છાપાઓના ખબરપત્રીઓની તકલીફો તપાસે અને વિદાય લેતા એ પોતાની અખબારીઓએ કરેલી પ્રમાણિક બરદાસ્ત પર અહેસાનમંદિ ઉચ્ચારે. એ ગુણો નોંધ્યા વગર ન રહી શકાય તેવા શુભ તત્વો મહમદઅલીમાં દેખાયા હતા.
બાંટવાની સભા રાત્રિના અગિયાર વાગે શરૂ થઈ હતી જેમાં રૂ.૩૨૦૦નો ફાળો થયો હતો. મહમદઅલી ઝીણા જમી-પરવારીને આવેલા તેથી તેમના હાથમાં ચિરૂટ હોય જ, ચિરૂટ પીધા બાદ સિગારેટ પીવા માંડી. કહેવાય છે કે તે રાત્રિની મીટીંગમાં સભાપતિ શેઠ હુસેન કાસમ દાદા જે તેમની જમણી બાજુએ બેઠા હતા તેને ઝીણાએ ઓફર કરી કે સિગરેટ પીવો પણ શેઠે કહ્યું “ખાંસી હો જાતા હૈ” કહીને પોતાના ગજવામાંથી પૈસાની પંદર વાળી દેશી બીડી કાઢીને ધુમાડાના ગોટેગોટા ચડાવ્યા હતા. શેઠ હુસેન કાસમ દાદા કરોડોપતિ માણસ હતા અને હિંદુસ્તાનમાં એમની પેઢીના કુલ ચાર પાંચ શાખાઓ હતી એવો તેમનો વેપાર હતો જેટલી પેઢીઓ એટલો તો ઓછા મા ઓછો રોજિંદા તાર મંગાવનાર આ લક્ષ્મીનંદનની સાદાઇનો દાખલો આથી વિશેષ દાખલો ક્યાંય ન મળી શકે.
બાંટવામાં મહમદઅલી ઝીણાની હાજરીમાં મર્હુમ શેઠ હાજી પીર મામદ કાસમ સાર્વજનિક દવાખાનાની ઉદ્ઘાટન ક્રિયા કરવામાં આવી હતી, આ વખતે બાંટવાના મુખ્ય ધનાઢયો પૈકીના એક આસામીએ સાર્વજનિક દવાખાનાના કાયમી નિભાવ માટે કે જેનો યાદગાર પ્રસંગ હતો તેમના વિધવા બીબી તરફથી સાર્વજનિક ધર્માદા માટે બે લાખની જાહેરાત કરવામાં આવી હતી.
કોમવાદના પ્રચાર અર્થે અખબાર કાઢવા ફાળો ઉઘરાવનાર મહમદઅલી ઝીણાને આ જ સભામાં જાહેર થયેલી બે લાખની સખાવત એ પ્રકારના પ્રત્યુત્તરરુપે જ ગણી શકાય કે કોઈપણ કોમવાદથી પર રહેવા મેમણ ભાઈઓ હજુ મોજુદને મક્કમ છે.
બાંટવાના લક્ષાધિપતિ મેમણોની સભામાં ઝીણાએ કહ્યું કે તમે વેપારીભાઈઓ છો હિંદના રાજકારણની વાતોમાં તમને ગમ નહીં પડે. ઉપરાંત એ અને એના શાગિર્દ જે કાંઈ બોલ્યા તેમાં બુદ્ધિશક્તિને અજવાળનાર વિચાર કશું જ નહોતું જે જે આક્ષેપોની ઝડી વરસી તેના સમર્થનમાં સાચા દાખલા-દલીલો નહોતા છતાં ધ્રુવપદ એક જ હતું લાવો નાણાં.
૨૫મી જાન્યુઆરી એ અખિલ હિન્દ મુસ્લિમ લીગના પ્રમુખ મહમદઅલી ઝીણા તથા ડેપ્યુટેશન કુતિયાણા આવી પહોંચ્યું હતું. મુસ્લિમોએ તેમને થેપડા દરવાજેથી બજારમાં થઈ, મદ્રેસાના કમ્પાઉન્ડમાં જ્યાં એક બેઠક ગોઠવવામાં આવેલી હતી ત્યાં સુધી લઈ જઈ ભારે સત્કાર કર્યો હતો ત્યાં રૂપિયા ૮૫૦૦ એનાયત કરવામાં આવ્યા હતા ચા પાણી પીધા બાદ પોરબંદર ઉપડી ગયું હતું.
પોરબંદરમાં રાણા સાહેબ નટવરસિંહજી સાથે ભોજન લીધા પહેલા અને બાદમાં ઘણી બધી વાતો કરી હતી પોરબંદરએ તો રાજના મેહમાન બનાવ્યા હતા પણ ફક્ત પ્રવાસીઓને સરઘસ માટે ચાર ઘોડાની ઘોડાગાડી દેવાની ના સ્પષ્ટ પાડી હતી કેમ કે એ તો રાજ કુટુંબનો જ હક્ક હતો.
પોરબંદરમાં મહમદઅલી ઝીણાએ મહાસભાની મન ફાવે એવી રીતે ઝાટકણી કાઢી એમણે ઘણી વાતો કહેલી એ જવા દઈએ તો અહીં જે વંદેમાતરમ માટે થોડા સમય પહેલા જ ઝઘડો થયેલો એ વંદેમાતરમનો પ્રશ્ન એ તરફ બધાનું સહેજે લાગ્યું એ એમની રીતે પણ યુક્ત રીતે મૂક્યો હોત તો વાંધા જેવું ન હતું પણ વંદે માતરમ ગીતમાં જે વસ્તુ જ નથી એવો અર્થ કરીને એમણે મુકેલો. એ બોલેલા કે ઘણા હિંદુ ભાઈઓ પણ જાણે છે કે આ જ્ઞાન કોમી ઝુંબેશ જગાવનારું છે તેનો અર્થ એવો થાય છે કે ઇસ્લામ આ દુનિયા પરથી નાબૂદ થાય અને દીન એની પ્રજા ધરતી પરથી સદાને માટે અસ્ત થાય, આ અર્થ કઈ કડીનો થાય છે એ એમણે જણાવ્યું હોત અથવા કડીનો શબ્દશઃ અર્થ કરી બતાવ્યો હોત તો એમને માટે ઠીક ગણાત અને અહીંની મુસ્લિમ પ્રજાને પણ સાચો ખ્યાલ આવત.
૨૬ જાન્યુઆરીએ મહમદઅલી ઝીણા જેતપુર આવ્યા હતા આદમજી હાજી દાઉદના ખાસ ને લીધે ગામને મુસ્લિમોએ ખૂબ શણગાર્યું હતું અને લાઉડસ્પીકર મૂક્યા હતા. ૫ વાગે સભા હતી પણ મહમદઅલી ઝીણા મોડા આવતા રાત્રે ૮.૩૦ એ સરઘસ નીકળ્યું અને નવ વાગ્યે મળનારી સભા રાતે સવા અગિયારે મળી. ગામમાંથી હિન્દુઓ એક હજાર એક હજાર જેટલા મુસ્લિમો હાજર રહ્યા હતા. મહમદઅલી ઝીણાને અંગ્રેજીમાં માનપત્ર અપાયા બાદ યુવાનોને અંગ્રેજી જાણવા માટે અભિનંદન આપ્યા પણ ૧૫૦ વર્ષમાં માતૃભાષા ગુજરાતી અપનાવી લેવા માટે ઠપકો આપ્યો, એ પછી તેમણે મુસ્લિમ લીગની હાઇ કમાન્ડના હિન્દુ રાજ્યના સ્વપ્નને મિટાવી દેવાની વાતો બાદ કહ્યું કે રાજકારણમાં ન્યાય નીતિ સત્ય કશું જ કામ લાગતું નથી એ તો માત્ર મજાના શબ્દો છે રાજકારણમાં કામ લાગે છે પોતાની તાકાત આપણી શક્તિથી સરકાર પરિચિત થઈ ગઈ છે અને ગાંધીજી પણ સમજી જશે. ગાંધીજી ને જુઠ્ઠા કહ્યા હતા પણ એ તો માજા મુકી હોય એમ લાગ્યું એના તુચ્છ હુમલાઓથી લગભગ બધા હિન્દુઓ જતા રહ્યા હતા ગાંધીજી,સરદાર,બે નૂરી કોઈ તેમના અશિષ્ટ હુમલાથી ન બચ્યું.
એક પ્રસંગ જેતપુર ખાતેની સભામાં બન્યો લોહાણા મગનલાલ તન્ના જે કાઠિયાવાડ કેસરી છાપું ચલાવતા એણે આ સભામાં મહમદઅલી ઝીણાના યશોગાન ગાયાને હિન્દુઓએ-મુસ્લિમો પર જુલમ ગુજાર્યાનો અફસોસ જાહેર કર્યો અને જાહેર ઘોષણા કરી કે દશ લાખ લોહાણા મુસ્લિમ લીગની સાથે છે. શ્રી ચુંદરીગર પણ મહાસભાને અને હિંદુઓને ખૂબ જ ઝાટકયા પણ આશ્ચર્ય તો ત્યારે થયું
જ્યારે એક આગેવાન વકીલ શ્રી શ્યામજી બોલવા ઊભા થયા અહીંની પ્રજા ઉપર અત્યાર સુધીની એમના વિશે એવી છાપ હતી કે તેઓ કોમવાદમાં માનતા નથી પણ તે મૂળ સાફ કરનાર ગણાતા હતા કારણ કે અત્યાર સુધી ઘણી પ્રવૃતિઓ કરતા સાથ આપી રહ્યા છે એથી અહીંની પ્રજા એમાં સાથ આપે છે પણ જ્યારે આ પ્રસંગે બોલવા ઊભા થયા ત્યારે હિન્દુઓ તો ઠીક પણ ઘણા મુસ્લિમોને પણ એમના વલણથી ઘણું લાગી આવ્યું.
રાત્રે દોઢ વાગે સભા વિસર્જન થઇ તારીખ ૨૮ મે પોલિટિકલ એજન્ટ મુલાકાત લઈ ગયા. તેમના આ જલસા જોઈને તેમણે કહ્યું કે આ રીતે જલસામાં પૈસાનું પાણી નહીં કરતા ગરીબ મુસ્લિમ કુટુંબોને મદદ આપતા હોત તો રાજ્ય તરફથી રાહત ફંડ શરૂ થવાનું હતું પણ ઝીણાનુ આગમન થતાં તે બંધ રહેલ હતું.
પાનેલી ઝીણાના વડવાઓનું વતન હતું એમ તેમના પ્રવાસ વખતના કથન પરથી સહુએ જાણ્યું હતું. ઝીણા પોતે ૪૫ -૫૦ વર્ષના ગાળા બાદ પાનેલી ગયા અહી એક બે બુજુર્ગ ડોસા મહમદઅલી ઝીણાને મળ્યા તેમાંના એક ૮૦-૮૫ વયના હતા એ કિસાને આવી પોતાની આંખો ઉપર છાજલી કરી મહમદઅલી ઝીણાને જોઈને કહ્યું. ઓહો આ તો ઝીણાભાઇનો મહમદ,હે બાપલા કેટલા વર્ષે ભાઈ ભાળ્યો તું નાનો હતો ને તારી જાન જોડી હરિયાણે ગયા તા ઇ દી સાંભરે અમને, તારા બાપુએ લોંઠાયે જાનમાં બેસાડ્યા,ઈ જાનનો ઠઠારો ને ગાડાની કતારુંપણ ઈને તો જુગ વીતી ગયા. હવે તો તમે થઈ ગયા મોટા માણસને અમે એનાએ રહ્યા ઠીક બાપલા આટલા વર્ષે તને જોઈને આંખ્યું ઠરી. અમારો નાતો ઝીણાભાઈ હારે ઘરવટનો.એવું માણસ થાવું નથી ક્યાંય. હવે તો એના દીકરા આવા મોટા થયા તો ગામને લાવ શું? તો ગામને થાય કે ઝીણાભાઇ નો દીકરો મલકમા વખણાય એવો થયો તો ગામને ભૂલ્યો નથી.
મહમદઅલી ઝીણાને પણ જરૂર આ હદય સ્પર્શી વાર્તાલાપથી ખાતરી થઈ હશે અને કંઈક અંશે થયાનું માનવાને કારણ છે કે ગ્રામ જનતાની પ્રતિમારૂપ પોતાની સાથે ૫૦ વર્ષના ગાળા બાદ પણ કોઈપણ પ્રકારના ક્ષોભ વગર કે એમની મોટાઇથી ડઘાયા વગર કેટલા પ્રેમથી અને કેવી વિશુદ્ધ ભાવનાથી વાર્તાલાપ કરી રહ્યો હતો હિંદુ-મુસ્લિમ ઘર્ષણ આ યુગમાં ચાલે છે અને મુસ્લિમ નેતા દરજ્જે આ વ્યક્તિ પોતે જ હિન્દુ જોડે કરી રહ્યા છે એથી બિલકુલ અજ્ઞાન આ ડોસાને જોયા અને જાણ્યા બાદ મહમદઅલી ઝીણાને પણ થશે જ કે પણ ના ના ન થાય દેશનું દુર્ભાગ્ય હજી જોરમાં છે એમ ત્યારે લાગ્યું હતું.
જામ સાહેબ સાથે મહમદઅલી ઝીણા ને સારો સંબંધ હતો છતાં મહમદઅલી ઝીણા જામનગર કેમ ન ગયા એ પ્રશ્ન ત્યારે બધાને સતાવતો હતો.ગોંડલ મહારાજા ભગવતસિંહજીને મળ્યા તો જુનાગઢ નવાબ સાથે કેમ મુલાકાત ન કરી ?( જેને આઝાદી બાદ કોમવાદી ચીતર્યા એ ઝીણા ને નહોતા જ મળ્યા !!!!) આ પ્રશ્ન સ્વાભાવિક ઊઠયો હતો.એનો જવાબ આજે આપણે સમજી શકીએ છીએ કે જૂનાગઢ નવાબ બિલકુલ કોમવાદી ન હતા.
પ્રવાસ દરમિયાન મહમદઅલી ઝીણાની યોજના દ્વિમુખી રહી હતી બેવડે દોરે કામ લેવામાં આવે એવું પણ એક અનુમાન હતું. રાજકોટ, પોરબંદર, જેતપુર મુકામે મેળવેલી સભામાં હિંદુ ભાઈઓને પણ નિમંત્રણ મળ્યા હતા અને મળેલી સભામાં હિન્દુઓની સારી હાજરી હતી, જ્યારે બીજે ઠેકાણે હિન્દુઓની લગભગ છાંટ પણ નહોતી બીજે ઠેકાણે સભા શુદ્ધ કોમી હતી એમ લાગતુ હતું.
કારણ એમ લાગે છે કે જ્યાં જ્યાં હિંદુઓની મોટીને કેળવાયેલી વસતિ છે ત્યાં ત્યાં મહમદઅલી ઝીણાએ પોતાના આગમનનું ધ્યેય કોમી નહિ પણ રાજકારણી છે એવું ઠસાવવાનો ને પોતાને તમામ લઘુમતીઓના પક્ષકાર તરીકે રજૂ કરવાનું પ્લેટફોર્મ ઉભું કરવાનો હતો. નિમંત્રેલાઓ હિન્દુઓએ આ ત્રણ સ્થળોમાં મોડી રાતની કડકડતી ટાઢ વેઠીને પણ મહાસભા સામેના એક પક્ષની રજૂઆત થશે એવી આશાએ હાજરી આપેલ પણ ત્યાં થયેલા ભાષણમાં રાજકારણની રજૂઆત થવાને બદલે ગાળાગાળી રાજનેતાઓ પ્રત્યેના જૂઠા આક્ષેપો વગેરે સાંભળીને હિન્દુઓ સભા છોડી ગયા હતા.
શુદ્ધ કોમી સભાઓમાં તો રાજકારણનો કોઈ પોશાક રાખવાની જરૂર જ નહોતી એટલે આ પ્રવાસનો ઉદ્દેશ લીગના અખબારો ઉભા કરવાના નાણા મેળવવાનો કે રાજકારણી રીતે મહાસભા વિરોધી કોઈ પક્ષ રજૂ કરવાનો ફક્ત નહોતો પણ એથી વિશેષ પણ હતો.
મહમદઅલી ઝીણાનો આ પ્રવાસ રાજકીય નહિ પણ કોમી હતો પણ કાઠિયાવાડના સમજુ રાજવીઓ અને સમજુ મુસ્લિમો તેમને ઓળખી ગયા હતા,તેથી તેની દિવાસળી સુરસુરિયું થઇ ગઈ હતી.આ પ્રવાસ અંગે અખબારો એ લખ્યું હતું કે નહિ દાખલા,નહિ દલીલો,નહિ પુરાવા.ભાષણોમાં એક જ વાત હતી આક્ષેપો આક્ષેપો. ને મિત્ર ગણાતા જામસાહેબ અને નવાબ મહાબતખાનજીને જૂનાગઢ ગયા તો પણ કેમ ન મળ્યા ?.
‘શિવ શક્તિ’ વાલાણીનગર પ્લોટ નં ૧૪ શેરી નં ૨ જૂનાગઢ -ઈમેલ pkhachar@gmail.com
Comments
Post a Comment