નરોતમ પલાણ ‘હુ હુ’ નવલકથાની ઐતિહાસિકતા

નરોતમ પલાણ ‘હુ હુ’ નવલકથાની ઐતિહાસિકતા
ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર એવા મુરબ્બીશ્રી નરોતમભાઈ પલાણે જૂનાગઢ રાજ્યમાં હિંદુ મુસ્લિમ એકતાના સંબંધો (ઇ.સ.૧૯૨૫ થી ૧૯૪૮)ને વર્ણવતી સુંદર અને ચોટદાર ભાવવાહી નવલકથા લખેલ છે જેમાંથી  ઈતિહાસ કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અથવા તેમણે ઈતિહાસને કેટલા પ્રમાણમાં વફાદાર રહીને ભાવવાહી અર્થસભર કૃતિનું સર્જન કર્યું છે તેને અહી આપની સમક્ષ ઉદઘાટીત કરવા રાણાવાવની સરકારી કોલેજના સહયોગથી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત ‘નવલકથા અને ઈતિહાસ’ શીર્ષકવાળા  રાષ્ટ્રીય સેમિનારમાં આ નવલકથા  ‘હુહુ’ ના લેખકશ્રી નરોતમ પલાણની ઉપસ્થિતિમાં જ આ વક્તવ્ય તા.૩-૩-૨૦૧૮ને શનિવારના રોજ આપુ છું,એ મારે મન  ઇતિહાસના માણસને વક્તવ્ય માટે પસંદ કરવાથી ગૌરવની વાત અને આયોજકોની દિલેરી સમજુ છું.
લેખક ગોધરાકાંડથી હચમચી ગયા હતા કે અરર આવું કેમ થાય છે રાજકીય લોકોને ઝઘડામાં  રસ હોય છે,બાકી સામાન્ય હિંદુ મુસ્લિમ લોકોને તો ભાઈચારાને એકતામાં રસ છે ઇતિહાસના કેટલા બધા એવા દાખલાઓ કાઠિયાવાડની ધરતી ઉપર પડ્યા છે,તેને પોતે ઇતિહાસના સારા જાણકાર અને અચ્છા કલમબાજ હોવાથી એ બધી વાતોને હિંદુ મુસલમાન બને ને બોધ આપવા માટે ૧૦ મહિનાનો પરિશ્રમ  વેઠી રોચક અને સુંદર નવલકથાનું સર્જન કર્યું. જેને પુસ્તાકાકારે છપાતા પહેલા ફૂલછાબ દ્વારા અનેક વાચકો સુધી એ પહોચી હતી. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ ઇ.સ.૨૦૦૭માં થઇ અને પુનમુદ્રણ ઇ.સ.૨૦૧૩માં હર્ષ પ્રકાશન અમદાવાદ દ્વારા થયું છે. આ નવલકથા ૪૦૦ પૃષ્ઠમાં આલેખવામાં આવી છે.જેમાં લેખકે મુખ્યત્વે જૂનાગઢ અને કોટડા,કાલાવડ,કેશોદ,ધોરાજી, ઉપલેટાના નાગનાથ પરબ વાવડી, ગાદોઈ અનેક ગામોની હિંદુ મુસ્લિમ એકતાની રોચક અને બોધદાયક વાતો સુંદર રીતે વણી લીધી છે.
નવલકથાએ સાહિત્યની આધુનિક વિદ્યા છે તેના વિકાસનો ઈતિહાસ લગભગ બે ત્રણ શતાબ્દિથી થયો છે, નવલકથાકારને જે કઈ કહેવું છે તે ભાવવસ્તુ છે. જેમાં તે દેશકાળ,વાતાવરણ,ધાર્મિક, સામાજિક,સાંસ્કૃતિક રાજનૈતિક પરિસ્થિતિ અને આચાર વિચાર ને રીતરિવાજને આલેખે છે નવલકથાનું પણ એક શિલ્પવિધાન હોય છે એ મુજબ તેની રચના થાય  છે,પણ આપણે અહી તેની નહિ પણ નવલકથાની ઐતિહાસિકતાની ચર્ચા કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
નવલકથાની નોધવાલાયક ઈતિહાસ પ્રસિદ્ધ વાતો : –
લેખક આ નવલકથામાં નવેય રસને ભેગા કરવામાં અને  કેટલાક ઐતિહાસિક તથ્યોને ઉજાગર કરવામાં પોતે સફળ રહ્યા છે જેમાં તેમણે નવાબીની સહિષ્ણુતા,ઉદારતા અને કાઠિયાવાડના હિંદુ મુસલમાનની એકતાના પ્રસંગો, બહાઉદીન કોલેજના અધ્યાપકો અને વિધાર્થીઓનું વર્ણન જે વિધાર્થીઓ સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેતા એ ,જૂનાગઢના રસ્તાઓના નામો, જૂનાગઢની હોસ્પિટલોના જ્ઞાતિ મુજબ વોર્ડના નામો, નવાબની નવ બેગમો, અરે પોતાના પોરબંદરની ખાજલી અને એગમાર્ક ઘી ને પણ કોઈક સંવાદમાં સમાવી લીધેલ છે.આમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની વાતોને પણ જ્યાં તક મળી છે ત્યાં અછડતી નોધી છે જેમકે ત્રિપુરા કોંગ્રેસના અધિવેશન બાદ સુભાષચંદ્ર બોઝનું રાજીનામું, રાજકોટ સત્યાગ્રહની વાત,કાઠિયાવાડ રાજકીય પરિષદનો ઉલ્લેખ, સરદાર પટેલ પર ભાવનગર પર થયેલ હુમલો,નવાબના શરીરનું આબેહૂબ વર્ણન મેઘવર્ણા નવાબ, નવાબોએ કરેલ ગિરનારની વ્યવસ્થાનું અમુક વર્ણન,પરકમ્માની વાત, ભાગલા સમયનું જૂનાગઢ,સિંધુપુર નામના નવા ગામનું નિર્વાસિતો માટે સર્જન  વગેરે વગેરે લેખકની ઈતિહાસ પ્રત્યેની જાળવણી અને નવલકથામાં એ વાતોને ગુંથી મૂકવાની આવડત બતાવે છે.જે અભિનંદનીય અને વાચકોના રસને વધારનારી સાબિત થઇ છે. લેખક વતન પ્રેમી અને ઈતિહાસપ્રેમી જણાય છે તેથી જ કદાચ તેમણે નવલકથાના સૌપ્રથમ વાક્યની શરૂઆત પોતાના પોરબંદર શહેરના નામથી અને સોમનાથ અને જૂનાગઢ નામથી કરી છે તે આપણને રૂચે છે.આ નવલકથા સર્જી  લેખકે જૂનાગઢ રાજ્યના  સહિષ્ણુ ઈતિહાસને ગુજરાતી પ્રજામાં વહેતો ફરતો કર્યો છે.
નવલકથામાં લેખક ના શબ્દોમાં જે  ઈતિહાસને આધારે આલેખાયું તે : -
સૌપ્રથમ તો આ નવલકથામાં તેમણે જે વર્ણવ્યું છે એ એમના જ શબ્દોમાં ટૂંકમાં વર્ણવી મારે જે કહેવું છે કે ઉમેરવું છે તેની ચર્ચા પાદનોંધમાં  કરશું. આ સિવાય આ નવલકથાના નીચેના આ વાક્યોને ઇતિહાસની પાદનોંધથી વિભૂષિત કરીશ, જેથી વાચકોને વધુ રસ અને સો ટચનો વિશ્વાસ પડે ને લેખકને જાજેરો યશ મળે કે તેમણે એક ઉમદા કૃતિનું સર્જન કર્યું છે.આ બધી વિગતો ઐતિહાસિક છે.
જૂનાગઢના નવાબસાહેબે હજારો રૂપિયાની સહાય કરી અને બચેલા (પાલીતાણા ભક્તિ પ્રદર્શક નાટક મંડળીના)માણસોને જૂનાગઢ બોલાવી લઇ તેમને રહેવા માટે ડેલાબંધ મકાનો૧બાંધી આપ્યા ! નાટક મંડળીના આ ઉતારાના લોકો ધર્માલય તરીકે ઓળખતા હતા. પૃ.૪.
કોમી હુલ્લડ કરાવવા માટે દીવાન મહમદભાઈને અંગ્રેજ સરકાર પકડી૨ ગઈ ! પૃ.૬
વંથલીમાં બે ગાયોને ઘાસતેલ છાંટીને સળગાવી દેવામાં આવી છે.! પૃ.૭
જૂનાગઢના નગરશેઠ રૂગનાથભાઈ રાજાના સ્વતંત્ર સાહસથી જૂનાગઢમાં વીજળી આવી ગઈ હતી. પૃ.૧૪.
સંતોક્બાએ નવાબસાહેબની જુદી જુદી નવ બેગમો૩ વિશે વાત માંડી. પૃ.૧૫
અસ્સલ નવાબી ફ્રેમમાં જુવાન મોતીબુની રાણી સાહેબા તરીકેની તસવીર ભીત ઉપર લટકતી હતી. પૃ.૧૫.
જૂનાગઢ રાજકોટ રોડ ઉપરનો સોનરખનો પુલ બની ગયો છે,રામ અને રજુ માઇગઢેચીથી સોનરખના પટમાં ઉતર્યા પૃ.૧૭
માંગરોળના શેખ બદરુદીને આપઘાત કરવા દરિયામાં ઝંપલાવેલુ,પણ મારા (રજુ) દાદા બહુ મોટા તારું હતા,તેમણે શેખને બચાવી લીધેલા.શેખ ઉપર જૂનાગઢના નવાબે અને અંગ્રેજ સરકારે બનાવટ કર્યાનો મુકદમો માંડેલો એટલે નાલેશી જોવી પડે તેના કરતા મોતને વ્હાલું ગણેલું. પૃ.૧૭
પાંચેક વર્ષનું જૂનાગઢના રાજકારણનું એક ભયંકર કાવતરું તે સુખનાથ મંદિર.જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના થઇ તેની પહેલાથી સુખનાથના મહંતો૪ લોકહદયમાં ઊંચું સ્થાન ધરાવતા આવ્યા છે. રાજા મહારાજા કરતા પણ એના આદર સત્કાર વિશેષ હતા.મેસગરબાપુના દેહવિલય પછી શિષ્યોમાં અંદરો અંદરના ઝઘડામાં મંદિર નીચેની જમીન હિંદુ મુસ્લિમ વેપારીઓએ વેચાતી લઇ લીધી. પૃ.૨૩
જૂનાગઢના જે દીવાન (પટેલ હરિદાસ વિહારીદાસ)સાથે વિવેકાનંદને સંબંધ૫હતો. પૃ.૨૫.
જમિયતના કારનામા!૬ હિંદુ મુસ્લિમ વચ્ચેના વેરના વાવેતર કરવાની બદદાનત અને ધર્મ સંપ્રદાયનો ઉપયોગ કરીને સતા લાલસા સંતોષવાના હવાતિયા. પૃ.૨૬.
રાજકોટ રાજયે ગરાસદારો અને મુસલમાનોને પોતાના પક્ષે કરી લીધા,આથી ગાંધીએ ચુકાદો માન્ય ન રાખ્યો.૭ પૃ.૩૭
રામાનંદજી એ છેલ્લા બે ચાર વર્ષથી ગિરનાર ઉપર જટાશંકરની ધર્મશાળા૮  બંધાવી છે. પૃ.૩૯
વાયકા એવી છે કે મોટા મહાબતખાનજી હતા ને? એણે કોકની ખોટી ઉશ્કેરણીથી દીવાનનું ખૂન કરાવેલું!૯ પાછળથી એમને પસ્તાવો થતો હતો કે અમે દીવાનને ખોટા મરાવી નાંખ્યા! પૃ.૪૩
ઈતિહાસના પ્રોફેસર હોડીવાળા૧૦ એની રાહ જોતા હતા,બુચા આવી ગયો! પૃ.૫૨
સ્વામી વિવેકાનંદના કહેવાથી દીવાન હરિદાસભાઈએ ઉપરકોટ રીપેર કરાવેલો! પૃ.૫૨
મુસલમાન પણ ચોપડા પૂજન૧૧ કરે છે! જૂનાગઢના મુસ્લિમ રાજ્યનું વરસ પણ દિવાળીએ પૂરું થાય છે !પૃ.૭૨
જંગલ માંથી સુકાય ગયેલા લાકડાં લેવાનો હક્ક પરંપરાગત કઠિયારાને છે,૧૨તે ત્યાં જ્યાં સુધી એમની આજીવિકાની બીજી વ્યવસ્થા નામદાર સરકાર ન કરી આપે ત્યાં સુધી રોકટોક વિના ચાલુ રહે છે. પૃ.૭૫.
એક મુલ્લાના કહેવાથી નવાબ સાહેબે મહિનામાં તલાક કહીને મારી બેનને રુખસદ આપી દીધી ! રામભાઈ મોતીબુ બે પાંચ દિવસ નહિ,વર્ષો સુધી રડ્યા અને આજેય હજુ ઘરની બહાર નીકળતા નથી ! આ તે કેવો સિતમ ? પૃ.૮૯
અમારા અબ્બાજાન તો હિંદુ સંત સાધુઓના આશીર્વાદથી જ પોતે ગાદીનસીન થયા એમ વારેવારે કહેતા હતા.આ રંગમહેલ૧૩ પણ હિંદુ ધર્મગુરુ શ્રીજી મહારાજની પ્રસાદી છે !અહી જ મરહૂમ નવાબ હામદખાનજીના કપાળે શ્રીજી મહારાજે સ્વહસ્તે ચંદન તિલક કરી આશીર્વાદ આપેલા ! પૃ.૧૩૧
હજુ હમણાં જ એક નવા ખ્રિસ્તી દેવળનું ખાતમુહૂર્ત અમારા હાથે સંપૂર્ણ ખ્રિસ્ત રિતરિવાજથી થયું, હિંદુ મુસ્લિમ ખ્રિસ્ત કોઈ ભેદ નથી.અમારા કબીલામાં આજે પણ ચારપાંચ હિંદુ કન્યાઓ બીબી તરીકે છે. હિંદુ નાગરોના ઘર પણ મુસ્લિમ કન્યાઓએ માંડ્યા છે.પીરજાદા કબીલો તો હજુ હમણાં જ હિંદુ માંથી મુસલમાન બન્યો છે. પૃ.૧૩૧
મરહૂમ નવાબસાહેબ હામદખાનજીને બે ખબર રાખીને એક શણગારેલ ગાયને દાતારની તળેટીમાં૧૪ લઇ જઈને ત્યાં તેની કુરબાની લેવામાં આવેલી એવો જ ગુનો અમે અમારા જનાનખાનામાં આચરેલો છે. પૃ.૧૩૧
નવાબ સાહેબે ગાદી ઉપર બેસતા મહાત્મા ગાંધીજીને પોતાનો આદર્શ ગણાવ્યા હતા૧૫ અને પોતાના રાજ્યમાં લોકો દ્વારા ચૂંટાયેલા માણસો જ વહીવટ કરશે એવા ફરમાનો બહાર પાડ્યા હતા ! પૃ.૧૩૨
જૂનાગઢના રાયજાદા રજપૂતોની માતા નુરબીબી હતા !૧૬ આપણે ત્યાં ખુદ નવાબસાહેબ ગાય માતાને ચાંદલો કરે છે અને હિંદુ પૂજાવિધિમાં બેસે છે. પૃ.૧૬૫ અને ૨૬૧
મેઘવર્ણા ભર્યાભર્યા મહાબતખાનજીએ પોતાનું આસન લીધું.આજ એમણે ધારણ કરેલો  ભગવા રંગનો રેશમી ઝભ્ભો સૌ માટે આશ્ચર્યનું કારણ હતો !૧૭પાસે બેઠેલા વયોવૃદ્ધ હકીમ સાહેબના કાનમાં મોટા મિયાએ પૂછ્યું આ ઝભ્ભો ? નવાબ રસુલખાનજીનો છે. પૃ.૧૮૨
અમે ગાદીનસીન થયા કે બીજા જ વર્ષે અયોધ્યાના રામમંદિરના પૂજારીશ્રી પિતાંબરદાસજી એમના બસ્સો સાધુઓને લઈને ગિરનારની યાત્રાએ આવેલા ત્યારે એમની આગતા સ્વાગતા અને મહેમાનગત કરવાનો અમને અવસર મળેલો તેને અમે અમારા જીવનનું ધર્મ કર્મ સમજીએ છીએ. પૃ.૧૮૪
પોરબંદરની ગાદીએ છે તે મૂળમાં કણબી પુત્ર છે૧૮ ને બેગમ આ છે વગેરે  પણ આમાં કઈ સાચું હોતું નથી  પૃ.૧૯૦
અમારા નાગરવાડામાં નીચી બારી વિસ્તારમાં એક નાગરબાઈ પોતાના ઘરમાં જ સતી૧૯ થયેલા પૃ.૨૦૮
મિણદ આયર નામના એક શિક્ષકે વિસાવદરમાં ગાડી રોકાવી દીધી છે !પૃ.૨૧૪ (જે લુશાળાના મેણદભાઈ ચાવડા હોય શકે.)
પાલનપુર નવાબસાહેબ તાલેમહમદખાન સાહેબે જોન ફોકનેટર નામની યુરોપિયન લેડી સાથે લગ્ન કર્યા છે.૨૦પૃ.૨૧૯
મેં  સોરઠ સરકારને સુઝાવ આપ્યો છે કે આજે  મુસ્લિમ વોર્ડ,બ્રાહ્મણ વોર્ડ,વાણિયા વોર્ડ છે૨૧ દૂર કરવા અને હાડકાના દર્દીઓ એમ રોગ મુજબ વોર્ડ પાડવા.પૃ.૨૨૬
ગાયોનું માન તો જૂનાગઢમાં જ હો !નવાબ પોતે૨૨ આવીને ગાયોને ચાંદલા કરે ! પૃ.૨૪૬.
ગાદોઇમાં પેલા ચમત્કારિક માતાજી અને ખુંભડીમાં રોગ મટાડી દેતા મુંજાવર હવે છે કે ? પૃ.૨૫૬
જૂનાગઢના દીવાન જેને હિંદુ મુસલમાન વચ્ચે ઝઘડા કરાવવા બદલ હદપાર  કરવામાં આવેલા અને પછી મુંબઈમાં મૃત્યુ પામ્યા ત્યારે સગાસંબંધીઓ એમના શબને દફનાવવા માટે જૂનાગઢ લઇ આવ્યા ત્યારે નવાબ સાહેબે હુકમ ફરમાવેલો૨૩ કે કોમવાદ જગાડનાર જૂનાગઢમાં ન જોઈએ એટલું જ નહિ એની દફનક્રિયા પણ જૂનાગઢની  પવિત્ર માટીમાં નહિ! પૃ.૨૫૯.
આજે પણ હિંદુઓ ઢે.ભ.ને અડતા નથી ત્યારે નાગબાઈએ એમને પોતાના ખોળામાં બેસાડેલા૨૪ અને દાત્રાણા,ધણફૂલીયા વગેરે મુસલમાન ફકીરો સાથે પણ સંબંધો રાખેલા,સિરાજીશાહ અને નાગબાઈ એકબીજાને જમાડ્યા વિના જમતા નહિ.! પૃ.૨૬૨.
નવાબસાહેબ થોડીવાર શાંત રહ્યા અને પછી બોલ્યા,મારે મન જૂનાગઢની પ્રજા મારું કુટુંબ૨૫ છે. પૃ.૨૮૮
જૂનાગઢમાં હિંદુ મુસલમાનને છુટા પાડી શકાય તેમ નથી,આવી સ્થિતિમાં દીવાન પદ૨૬ છોડવું તે જ મારા માટે એક રસ્તો છે.પૃ.૨૯૦
નવાબ સાહેબ એના અબ્બાજાનની માફક ઓલિયા રાજપુરુષ છે !માટે જ કહું છું !આવા પુરુષને તમારા જેવા તટસ્થ દીવાનની જરૂર છે,જૂનાગઢના હિતમાં પણ તમે હોદો ન છોડો એવી વિનંતી છે. પૃ.૨૯૧
રામ,તમને ખબર છે આ બુઢાબાવાની સેવા અકબરે પણ કરેલી છે,છેલ્લા મુઘલ શાસકે આ લિંગ રાવ બહાદુર છબીલારામ નાગરને૨૭ આપેલું,ત્યાંથી દીવાન રણછોડજી પાસે આવ્યું અને એમણે આ મંદિર બંધાવી સ્થાપના કરી. પૃ.૩૧૧
કુરાનેશરીફના અભ્યાસી અને ઇતિહાસના જાણકાર પાકદિલ ખાનબહાદુર અબ્દુલકાદરસાહેબની વાત આ ટોળકી ઝીલી શકે તેમ નો’ તી,તેઓ આગળ ચાલતા થયા ત્યારે ઘવાયેલા વાઘ જેવો તાજુદીન પાછળ રાડો પાડતો હતો. પૃ.૩૫૬.
જૂનાગઢના દીવાન શાહનવાઝ ભૂટોએ ગેઝેટનો ખાસ અંક બહાર પાડીને જૂનાગઢનું  પાકિસ્તાન સાથેનું જોડાણ  જાહેર૨૮ કર્યું છે,હિંદુ જ નહિ સમજુ મુસલમાનો પણ જૂનાગઢ છોડી રહ્યા છે.આ જુઓ,ખુદ મુસ્લિમ લીગના કચ્છ કાઠિયાવાડના પ્રમુખે દીવાન ભૂટોના નિર્ણયનો વિરોધ કર્યો છે. પૃ.૩૬૧
નાથ દલીચાના મહંત શ્રી ભાગીનાથજી છે,દશેરાના દિવસે હજુરસાહેબને આશીર્વાદ આપવા અને વર્ષભરનું પેટીયુ લેવા આવે છે. પૃ.૩૭૩
કરાંચીથી આવેલા એક સંદેશામાં નવાબસાહેબ,જૂનાગઢના દીવાનને તાકીદ કરે છે કે પોતાની વહાલી પ્રજાની ખૂનામરકી અટકાવવી૨૯ અને એને પડતી તમામ પ્રકારની  મુશ્કેલીઓ માંથી એને રાહત મળે તે માટે વધુ સારા પગલા લેવા. પૃ.૩૭૯
ભાદરને સામે કાંઠે  સિંધુપુર૩૦ નામનું નવું ગામ વસાવવાની કામગીરી ચાલી રહી છે. પૃ.૩૮૫
નવલકથામાં જૂનાગઢ રાજ્યની સહિષ્ણુતા ભરી છૂટી ગયેલી મહત્વની વાતો –
જૂનાગઢ રાજ્યના નવાબો એવા જબરદસ્ત અને ઇસ્લામી શરિયતથી પણ આગળ જઈને સહિષ્ણુ રહ્યા હતા કે તેમણે શરિયતની સજીવને કોતરવાની ચુસ્ત મનાઈ હોવા છતાં પોતાના રાજમહેલમાં હાથી, ઘોડા, મોર અને ચોકીદાર કોતરાવ્યા હતા,જે આજે પણ સર્કલ ચોકના ઝરૂખામાં મૂક સાક્ષી બની ઉભા છે અને જાણે કે એમ કહે છે કે જોવો જૂનાગઢમાં આમ હતું હો એ કોઇકને કહેજો,માત્ર નવાબ પાકિસ્તાનમાં ભળ્યા એ વાત જ વધુ વગોવતા નહિ.
જૂનાગઢ રાજ્યએ બેનમૂન અને  પૂરી દુનિયામાં અલભ્ય એવું નવાબ રસુલખાનજીનું બાવલું૩૧ બનાવ્યું છે જે પણ તેમની સહિષ્ણુતાને ચાર ચાંદ લગાડે છે.
નવાબ મહાબતખાનજી ત્રીજા પર આમજનતા માંથી કોઈ કોઈ પ્રસંગે મોટાભાગના હિન્દુઓએ ૪૦૦થી વધુ ગીતો રચી રાજમહેલમાં મોકલ્યા હતા તેમાંથી કોઈક ગીતને આમાંના એકાદ પાત્રના મોઢે લલકારી શકાત.કેટલીક પંક્તિ મૂકી છે તેમ ત્યાં ગીતોની કડીઓ રોચકતા વધારત.
જૂનાગઢ રાજ્યએ ચાંદીનું એક તાળું બનાવ્યું છે જેના ઉપર શંકર,પાર્વતી અને ગણેશજી કોતરવામાં૩૨ આવ્યા છે એ એક મુસ્લિમ શાસક માટે વંદન લાયક ઘટના ગણાય,આ તાળું આજે પણ જૂનાગઢના મ્યુઝિયમમાં મોજુદ છે. આ સિવાય જયારે બહાઉદીન કોલેજનું જયારે લોર્ડ કર્ઝને ઉદઘાટન કર્યું ત્યારે એ તાળાની ચાવીમાં સરસ્વતીમાતા૩૩ કોતરવામાં આવ્યા હતા.જૂનાગઢના રાજ્ય ચિન્હમાં ગિરનાર ઉગતો સૂર્ય અને સિંહ મૂકેલ છે જે મુસલમાનો ચંદ્ર વર્ષને માને છે તો ચાંદ નહિ પણ હિંદુ દેવ સૂર્ય રાખેલ ને દાતાર ને બદલે ગિરનાર અને સજીવ સિંહ મૂકી પણ સહિષ્ણુતાના દર્શન કરાવ્યા છે.
જૂનાગઢના નવાબો ભવનાથના મેળામાં લોકો માથે રાજ્ય તરફથી મફત અન્ન ક્ષેત્ર ચલાવતા હતા,૩૪આ સિવાય જૂનાગઢના ડાંગરા ચોકમાં લંગરના ડેલામાં રોજ હિંદુ અને મુસલમાનોને અલગ અલગ મફત ૪૦૦ -૫૦૦ માણસોને ભોજન મળતું હતું.૩૫  જોકે લંગરનો થોડો ઉલ્લેખ જરૂર કર્યો છે.
નવાબને હિંદુ જ્યોતિષમાં ખૂબ વિશ્વાસ હતો તેમના રાજ જ્યોતિષી શંભુપ્રસાદ જોશી દરેક બાબતના શુભ મુહુર્ત કાઢી આપતા અને નવાબના દરેક (૨૪ સંતાનો) સંતાનના જન્માક્ષરો૩૬ બનાવવામાં આવતા હતા.આનો પણ લેખકે પૃ. ૨૦૪ પર એક ઉલ્લેખ કરેલ છે.
નવાબ રોજ કાળી ગાયના દર્શન કરી પોતાના દિવસની શરૂઆત કરતા અને જયારે નજીકના વિસ્તારમાં નવાબ બહાર જાય ત્યારે એ ગાયને ભેગી જ ફેરવવામાં આવતી હતી,આ ગાયના ચારાના ખર્ચના બીલો દફતરમાંથી૩૭ પ્રાપ્ત થાય છે.
વઝીર બહાઉદીનભાઈ હિંદુ સંતો પર ખૂબ જ આસ્થા રાખતા ને તે સ્વામિનારાયણના સંત ગુણાતીતાનંદ સ્વામી ને જૈન જેઠમલ્લજી મહારાજ સાથે સંબંધો ધરાવતા ને આ વઝીરના હાથે પ્રભાસપાટણમાં લક્ષ્મીનારાયણ મંદિરનો પાયો નાંખ્યો હતો ને તેમણે તેમને ત્યાં પુત્ર જન્મતા ગિરનાર ઉપર પાણીનો કુંડ બંધાવ્યો હતો.
નવાબ મહાબતખાનજી એ જૂનાગઢના વિલીન્ગડન ડેમનો પાયો ગણેશપૂજા કરી નાખ્યો હતો.નવાબે ગિરનાર,પ્રાચીનો પોતે ગાદીએ બેઠા ત્યારે મૂંડકાવેરો કાયમ માટે માફ કર્યો હતો.જૂનાગઢ રાજ્યના ઘણાખરા હિંદુ ધર્મ સ્થળોને રાજ્ય તરફથી સહાયની રકમ જે પેટીયા તરીકે ઓળખાતી તે બાંધી આપી હતી જે આજે નવાબી ગયાને  ૭૧ વર્ષ વીત્યા છતાં હજુ પણ જૂનાગઢ મામલતદાર દ્વારા૩૮ અપાય છે એ નવાબીની દેન છે.
આવી અનેક વાતોને આ શબ્દના સાધક અને શબ્દોને ડોલાવનાર ક્યાંક ક્યાંક કોઈક પ્રસંગ કોઈક પાત્રને મોઢે બોલાવી  આલેખી તેમાં મૂકી શક્યા હોત પણ તેમણે અભિલેખાગારના જૂનાગઢ ઉપરના બધા દફતરો ને પુસ્તકો તપાસ્યા નહિ હોય? તેથી એ છુટી ગયું છે તો હજુ લેખક શ્રી આ નવલકથાની પુન:આવૃત્તિમાં આ વિગતો ઉમેરી શકે છે તો વધુ રૂડું દેખાશે અને આ માધ્યમથી લોકો સત્ય નજીકથી રોચક રીતે જાણશે.
મારી નજરે નવલકથામાં ઈતિહાસને ચાતરીને કલ્પનાના રંગો પુરાયા છે તે મુદાઓ : –
• અમરેલીનો કાઠી ડાયરો મહાત્માજી નો બોલ જીલવા તૈયાર છે, (પૃ.૩૩) આ વાક્યનો કોઈ આધાર સાંપડતો નથી.
• ચોકીના બંગલામાં હિંદુ મુસલમાન ધર્મગુરૂઓનું સંમેલન બોલાવેલું એ કલ્પના ? (પૃ.૪૪)
• દીવાન ચોકમાં બહાઉદીન મંજિલના દ્વાર આગળ જ હરપ્રસાદ ઉભા હતા. (પૃ.૫૭) જૂનાગઢમાં આ નામનું કોઈ મકાન નથી.
• જેટલી જોઈએ એટલી હિન્દુડીઓ આજે દામોકુંડ ન્હાતી હશે !ક્યેમ હુ જી ગમે તેનો હાથ પકડી લે !પછે ? હવામાં ભડાકો કરહુ !આ ભગતડા કે પૂજારી પંડામાંથી એકેય ઉભો રિયે તો કે જે !એક લઠે મંદિરમાં જતી એક દેખાવડી બાઈનો હાથ પકડ્યો !બધાએ ચીસાચીસ કરી મૂકી ત્યાં તો હવામાં બંદુકનો ફેર થયો અને ચારેબાજુ નાસભાગ !જોતજોતામાં બધા મંદિરમાં ભરાય ગયા !પેલા લઠે પકડેલી સ્ત્રીને જાહેરમાં જ –થોડીવાર પછી એક સ્ત્રીનો ગાભો કુંડના પગથિયે પડ્યો હતો ! પૃ.૧૨૪ આ ઘટના કલ્પના લાગે છે.
• હરપ્રસાદએ અફીણના વાઢ જેવી ઘેઘુર નાભી નીચે એવા શબ્દો વાપરી  એ લવગીની પર બળાત્કાર કર્યો  ઘટના કાલ્પનિક જણાય છે, પૃ. ૧૩૯ પણ તેનું મભમ અને શ્રુંગારિક વર્ણન રોચક છે.

• નવાબ સાહેબે ગાદી ઉપર બેસતા જ મહાત્મા ગાંધીજીને પોતાના આદર્શ ગણાવ્યા હતા. (પૃ.૧૩૨) નવાબ આવું બોલ્યા નથી૩૯ અલબત નવાબને મહાત્મા ગાંધીજી ઉપર માન હતું અને એકવાર પેશાવરથી ગાંધીજી એ હરિજન ઉદ્ધાર માટે પૈસા મંગાવતા નવાબે તરત ૭૫૦ મોકલી આપ્યા હતા,આ સિવાય જયારે નવાબ ગાંધીજીને મળ્યા ત્યારે ગાંધીજીએ નવાબને પોતે પહેરતા તે ચશ્માં ભેટ૪૦ આપેલા તે ચશ્માં પોતે પાકિસ્તાન પણ ભેગા લઇ ગયેલા અને જીવની જેમ તેમની ત્રીજી પેઢી સુધી સચવાયા હતા અને ૨૦ લાખ તેની કીમત આંકવામાં આવી હતી.૪૧

• રાજકોટના પોલીટીકલ એજન્ટ ગિબ્સન સાહેબ પોતાના રસાલા સાથે ગિરનારની તળેટીમાં પડ્યા છે. એક નાથ સાધુ જીવતા સમાધિ લે છે તેને અટકાવવા માટે ખુદ પોતે આવ્યા છે !આ અગાઉ આ જ સાધુએ રાજકોટમાં પણ સમાધિ લીધી હોવાનું કહેવાય છે ! (પૃ.૧૮૦) આ કલ્પના હોય શકે ?.

• શાહી મકબરા પાસે એક વધુ મકબરો ગયા વર્ષે અમે તૈયાર કરાવ્યો છે,પાક પરવર દિગારની મરજી હશે તેમ થશે,પરંતુ અમારી ગુજારીશ છે કે યા ખુદા અમારી સજા પૂરી થઇ હોય તો જૂનાગઢની મિટ્ટી અમને નસીબ હજો એમ લેખક (પૃ.૧૮૫) લખે છે.પણ આ અર્ધ સત્ય છે આવો કોઈ નવો મકબરો બંધાયો નહોતો પણ એ બાંધવાનો પ્લાન૪૨ અને એસ્ટીમેટ તૈયાર કરાવેલ ત્યાં તો આઝાદી આવી જતા એ કામ અધરું રહ્યું હતું.
• સિંહનો શિકાર કરવા અંગ્રેજ અમલદારો રાજકોટના દીવાન૪૩ અમરાવાળા સાથે ખાસ ટ્રેનમાં રાજકોટથી સાસણ જઇ રહ્યા છે,ક્રાંતિકારીઓએ કણસલ્યાના જંગલમાં પાટા કાઢી નાખ્યાના સમાચાર છે. પૃ.૨૧૨ આ દીવાન અમરાવાળા નહિ પણ વીરાવાળા હતા એ શરતચૂક છે.

• ચિતાખાના ચોક થી ઢાલ  (સાચો શબ્દ ઢાળ રોડ) ઉપર ચડતું સરઘસ દીવાન સાહેબની કચેરી તરફ જઈ રહ્યું છે એમ લખાયું(પૃ.૨૧૭)  છે પણ એ સરઘસો કાયમ ઢાલ રોડ ઉતરી કિંગ્સ રોડ પર થઇ જતા હતા.
• આપણે સોરઠ સરકારની બધી શાળાઓમાં હિંદી દાખલ થાય એમ કરીએ છીએ,આમેય નવાબ સાહેબ ખુદ હિન્દીનો આગ્રહ રાખતા આવ્યા છે. (પૃ.૨૮૩) આવું બન્યું નહોતું હા નવાબ રાજમહેલમાં હિંદી બોલતા હતા એ સત્ય છે.
• હિન્દુસ્તાની એવો પ્રથમ શબ્દ આપનાર પ્રાણનાથજી (લોહાણા) પણ સૌરાષ્ટ્રના છે. (પૃ.૨૮૪) આ વાક્યનો કોઈ ઐતિહાસિક આધાર નથી હિન્દુસ્તાની શબ્દ તો હતો જ.
• જૂનાગઢના પ્રખ્યાત આંબલી વાળા ઓટા ઉપર નવાબની ચાંદી તુલા થઇ. (પૃ.૩૫૦) આ વાક્ય ભૂલભરેલું છે નવાબની ચાંદી તુલા ત્યાં નહિ પણ સરદારબાગમાં ૧૯૪૫માં થઇ હતી.એ આંબલી વાળા ઓટા ઉપરનો નવાબો ગાદીએ૪૪ બેસે ત્યારે ત્યાં પ્રથમ બેસાડી રાજ્યાભિષેક કરવામાં આવતો હતો એવી બાબી કુળની પરંપરા હતી.
• જનાબ વકીલ નૌતમલાલ વ્યાસનો હદપારીનો ખોટો ઓડર્ર કાઢવામાં૪૫ આવ્યો છે અને બામાસાહેબ ઉમરાવબખ્તની હત્યા થઇ છે. (પૃ.૩૬૦) હા વકીલને હદપાર કરવામાં આવ્યા હતા પણ ઉમરાવબખ્તની હત્યાના કોઈ ઐતિહાસિક પ્રમાણો નથી.
• મોતીબુ સરૂરભાઈ સીદી એ નવાબના બેગમ હતા, તેના લગ્ન તા.૭-૭-૧૯૨૫ના રોજ થયા હતા. જેને અહી ખૂબ વર્ણવ્યા છે તેના માટે લખે છે કે મોતીબુ તો ઘણા વર્ષોથી અલ્લાને પ્યારા થઇ ગયા. (પૃ.૩૯૬) આ વિગતો માં હકીકત દોષ છે, હકીકતે મોતી બેગમ છેક તા.૧૬-૩-૧૯૮૧ના રોજ મૃત્યુ પામ્યા હતા.૪૬
ટુંકમાં આ નવલકથામાં કેટલાક ઠેકાણે આવી ગેરસમજ કે અસ્પષ્ટતા કે ભૂલો રહી જવા પામી છે,તેની ઈતિહાસના માણસ તરીકે પૂર્તતા કરું છું અને જોકે  આટલી સાહિત્યકારને છુટછાટ હોય છે પણ ઈતિહાસમાં તે ચાલે નહિ માટે નમ્ર ભાવે આપને કાને આ વાત ધરી ઇતિહાસકારનો ધર્મ બજાવું છું.
નવલકથા વિશેનો અભિપ્રાય : -
લેખકની વર્ણન શક્તિ અને એકસુત્રતા  કાબિલેદાદ રહી છે અને તેઓ સૌદર્યનું અને બળાત્કાર જેવી ઘટનાનું પણ રોચક ને મભમ વર્ણન કરી સુરુચિભંગ થવા દેતા નથી.આ કૃતિમાં પોતે જૂનાગઢનો નવાબી કાળનો ઈતિહાસ સાંગોપાંગ વર્ણવ્યો છે,જોકે  નવાબીને ચાર ચાંદ લગાડતી પાંચ સાત મહત્વની વાતો તેઓ જાણતા નથી કે તેમણે એ વાતો નવલકથામાં વર્ણવી નથી,પણ એ વાતો અને મુદાઓ ભૂલવા જેવા નહોતા એના વિના સહિષ્ણુ નવાબીની વાત અધ્રુરી ગણાય તેમ છે એવી એ જરૂરી હતી.
અંતે –
શ્રી નરોતમ પલાણે આ નવલકથાનું સર્જન કરીને હિંદુ મુસ્લિમ એકતાની મશાલમાં દીવેલ પુરવાનું કાર્ય કર્યું છે કે જે  લોકો આ નવલકથા વાંચશે તેમના મનમાં અવશ્ય એવું લાગશે કે મુસ્લિમોની કટ્ટરતા અને ધર્માન્ધતા વચ્ચે પણ આવા કેટલાક પ્રસંગો અને રાજવીઓ,સાધુઓ ને ફકીરો  અને ઉમદા લોકો થયા છે તેને ધ્યાને લેવાની જરૂર છે,બાકી તો આપણે નબળું છે એને વધુ વાગોળીએ છીએ અને ઉમદા બાબતો ઇતિહાસના પાનાઓમાં દટાયેલી પડી રહી છે કે ઉમદા અને પ્રેરણાદાયક વાતોના પાનાં ઉધઈના શિકાર બન્યા છે. આથી લેખક આખા કાઠિયાવાડ નહિ પુરા ભારતના લોકોના અભિનંદનના અધિકારી બન્યા છે.
હા આ નવલકથાની ભૂમિકામાં (પૃ.૮) લેખક લખે છે કે મેં દફતર ભંડારની ફાઈલો તપાસી છે,પણ એ વાત મારા ગળે બહુ  ઊતરતી નથી કારણ કે મેં(પ્રદ્યુમ્ન ખાચર) જૂનાગઢ દફતર ભંડારની ૮૯ ઓરડાની  ફાઈલો બે મહિનાથી વધુ સમય સુધી તલેતલની તપાસી છે,તેથી અનુભવાય છે કે આ નવલકથામાં એ બધા દફતરોના લખાણો સામેલ નથી પણ આ નવલકથા લખવામાં લેખકે દેસાઈ શંભુપ્રસાદનું ‘જૂનાગઢ અને ગિરનાર’ ‘તારીખે સોરઠ વ હાલાર’ અને ડૉ.જે.પી.સોઢાનું પુસ્તક ‘સોરઠના અંતિમ બાબી શાસક’નો ભરપૂર ઉપયોગ કર્યો દેખાય છે. પણ લેખક એ કોઇપણ ઈતિહાસ ગ્રંથના લેખકોનું નામ આ નવલકથાની આગળની ભૂમિકામાં લખવાનું ચૂક્યા છે કે એ નામ આપવાનું જ ટાળ્યું છે. જે કોઈ પુરોગામી લેખકને માટે નહિ ગમતું અને સૌજન્ય વિહોણું જણાય છે.આ બાબતમાં આપ અન્ય ઐતિહાસિક નવલકથા જોશો જેમાં લેખક પ્રસ્તાવનામાં કે અલગ ઐતિહાસિક આધારો કે ગ્રંથોની યાદી અવશ્ય મુકે જ છે.જુઓ મેઘાણી,ગોકુલદાસ રાયચુરા,ક.મા.મુનશી વગેરે
મારા મતે સૌથી સારી પૂર્ણ કહી શકાય એવી ઐતિહાસિક નવલકથા વિલિયમ ડેલરિન્પલ એ  ‘ધ લાસ્ટ મુગલ’ લખી છે જેમાં વિલિયમ ડેલરિન્પલે દરેક પ્રકરણોને અંતે મૂળ અસલ દસ્તાવેજની ફાઈલોના નંબર અને ઐતિહાસિક ગ્રંથોના પૃષ્ઠ નંબર ટાંકી વધુ મજબૂતને વિશ્વાસપાત્ર બનાવી છે.એ આ વિષયના રસિકોને એકવાર જોવા વાંચવા ભલામણ છે.
અંતે પલાણ સાહેબની આ નવલકથાના જ એક વાક્યથી મારા વક્તવ્યને વિરામ આપું છું કે “શામળદાસના હસ્તે જૂનાગઢમાં ત્રિરંગો લહેરાયો ત્યારે હિંદુ મુસલમાન ખ્રીસ્તી પારસી  બાજુ બાજુમાં ઉભા હતા પણ તેમના ગળામાંથી સર્વ ધર્મ સમભાવનો નવલખો હાર ચોરાઈ ગયો હતો. માણસ કુંટુંબભાવથી બંધાયેલો રહે છે,ધરમના ચિંથરાથી નહિ”. આવું માનવા માંડીએ તો દુનિયાના અનેક પ્રશ્નો ઉકેલાય જાય તેમ છે.અસ્તુ આભાર,આભાર,આભાર.
                                 પાદનોંધ
(૧)  ફાઈલ નં.૪૩ વણઝારી ફળિયામાં છાપખાના પાછળ આવેલ પાઠશાળાના નામથી ઓળખાતું સરકારી મકાન રાજ્યગોર મણિશંકર પોપટલાલને ઇનામ તરીકે આપતા તેને લગતા કાગળો.
(૨)  દીવાન મહમદભાઈને બ્રિટીશ સરકારના દબાણથી હોદેથી જ દૂર કરવામાં આવ્યા હતા.
(૩)   નવાબ મહાબતખાનજી ત્રીજાને કુલ ૯ બેગમથી કુલ ૨૪ સંતાનો થયા હતા. સોરઠ સરકાર નવાબ પૃ.૨૨
(૪)   ખાચર પ્રદ્યુમ્ન અને વાળા ડી.પી. ‘તસવીરોમાં જૂનાગઢ’ રાજકોટ,પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૧૧,પૃ.૧૮૧
(૫)   થાનકી જ્યોતિ (લેખ) ‘સ્વામી વિવેકાનંદ અને જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈ’ પૃ.૪૯.
(૬)   ફાઈલ નં.૪૩ જમીયતુલ મુસલમીન તરફથી નેક નામદાર હજુરશ્રીને આપેલ નકલ.
(૭)   જાની એસ.વી.’સૌરાષ્ટ્રનો ઈતિહાસ’અમદાવાદ, પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૦૩,પૃ.૫૨૬
(૮)   ખાચર પ્રદ્યુમ્ન ‘ગિરનારનો ઈતિહાસ’જૂનાગઢ, પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૦૩,પૃ.૫
(૯)   જોશીપુરા જ.પુ.યુદ્વવીર ‘દીવાન અમરજી’ રાજકોટ, પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૧૯૧૬,પૃ.૬૭
(૧૦)  ખાચર પ્રદ્યુમ્ન ‘સોરઠની વિધાપીઠ બહાઉદીન કોલેજ ’જૂનાગઢ, પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૦૨,પૃ.૬૯
(૧૧)  સોઢા જયસુખલાલ ‘સોરઠના અંતિમ બાબી શાસક’ પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૦૨,પૃ.૮૭.
(૧૨)  ખાચર પ્રદ્યુમ્ન ‘ગિરનારનો ઈતિહાસ’જૂનાગઢ, પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૦૩,પૃ.૫૨૨૨
(૧૩)  દેસાઈ શંભુપ્રસાદ ‘જૂનાગઢ અને ગિરનાર’રાજકોટ,બીજી આવૃત્તિ.ઇ.સ. ૧૯૯૦,પૃ.૧૮૯
(૧૪)  સ્ટેટ પબ્લીકેશન ‘બાબી રુલર્સ ઓફ સોરઠ ’જૂનાગઢ,પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૧૯૦૩,પૃ.૪૫
(૧૫)  ફાઈલ નં.૩૪ ખુદાવિંદ નેક નામદારને ગાદી સોંપાણી તે વખતના ફરમાનો
(૧૬)   આ બાબત એક દંતકથા જ છે તેના કોઈ ઐતિહાસિક આધારો નથી.
(૧૭)  નવાબ રસુલખાનજી ઓલિયા પુરુષ હતા અને એ ઝભ્ભો પહેરી રાજમહેલને બદલે જમાલવાડીમાં ફકીરો સાથે વધુ રહેતા હતા.
(૧૮)   કાઠીયાવાડના અનેક રાજવીઓ માટે હાથ પગ વગરની ટાઢાપોરના ગપ્પા જેવી વાતો ચાલે છે તેને અહી ઉલ્લેખવાની જરૂર નહોતી.
(૧૯)   દેસાઈ શંભુપ્રસાદ ‘જૂનાગઢ અને ગિરનાર’રાજકોટ,બીજી આવૃત્તિ.ઇ.સ. ૧૯૯૦,પૃ.૧૯૪
(૨૦)   સૈયદ અઝમતભાઈ પાલનપુરની માહિતીને આધારે
(૨૧)  સોઢા જયસુખલાલ ‘સોરઠના અંતિમ બાબી શાસક’ પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૦૨,પૃ.૯૧.
(૨૨) અદાણી રતુભાઈ ‘સોરઠની લોક્ક્રાંતિના વહેણ અને વમળ’અમરેલી,બીજી આવૃત્તિ ઇ.સ.૧૯૮૯,પૃ.૨૭૩-૨૭૪
(૨૩)  ખાચર પ્રદ્યુમ્ન અને વાળા ડી.પી.‘તસવીરોમાં જૂનાગઢ’ રાજકોટ,પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૧૧,પૃ.૭૯ આ પછી મહમદભાઈને પોતાના જીવાઈમાં મળેલા ગામ અગતરાયમાં દફનાવવામાં આવ્યા,જ્યાં આજે પણ તેની કબર છે.
(૨૪)  પરમાર જયમલ્લ ‘ભાગું તો ભોમકા લાજે’રાજકોટ,પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૧૩,પૃ.૧૨૯
(૨૫)  જૂનાગઢ નવાબને લોકો સોરઠ સરકાર અને કુટુંબના મોભીના સ્થાને ગણતા હતા.
(૨૬) અબ્દુલકાદર ખૂબ જ  પ્રમાણિક અને સજ્જન માણસ હતા પણ એ સારવાર માટે અમેરિકા ગયા તેથી દીવાન શાહનવાજ ભૂટો આવ્યો.
(૨૭) જોશીપુરા જ.પુ.યુદ્વવીર ‘દીવાન અમરજી’ રાજકોટ, પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૧૯૧૬,પૃ.૨૪
(૨૮) દસ્તુરલ અમલ સરકાર અંક તા.૧૫-૮-૧૯૪૭ ખાસ વધારો
(૨૯)  આ તારના શબ્દો નીચે મુજબ હતા. “Unless Your Wire you are already in possession of instruction from authorities so far better act to then using your judicious discretion as situation demands to avoid bloodshed of my beloved subjects. I appreciate your séance of duty and pray almighty give you strength. Your wire plane reaching this afternoon”.
(૩૦)  તા.૩-૫ -૧૯૪૯  નૂતન સૌરાષ્ટ્ર, રાજકોટ
(૩૧)  નવાબ રસુલખાનજીના બાવલાને આધારે
(૩૨)  એ ચાંદીના તાળાને આધારે
(૩૩)  ખાચર પ્રદ્યુમ્ન ‘સોરઠની વિધાપીઠ બહાઉદીન કોલેજ ’જૂનાગઢ, પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૦૨,પૃ.૩૬
(૩૪)  ફાઈલ નં.૨૮ દશેરા તથા કાળી ચતુર્દશી ને દિવસે ઉપરકોટ દેવસ્થાન તથા દુધની ધારાવાડી દેવાય છે તેને લગતા કાગળો.
(૩૫)  ખાચર પ્રદ્યુમ્ન અને વાળા ડી.પી.‘તસવીરોમાં જૂનાગઢ’ રાજકોટ,પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૧૧,પૃ.૧૩૫
(૩૬)  ફાઈલ નં.૩ શાહજાદા સાહેબ ગુલામઅલી સાહેબના જન્માક્ષર બાબતના કાગળો
(૩૭)  હિસાબ કિતાબના રોજમેળના કાગળને આધારે
(૩૮)  મામલતદાર જૂનાગઢ ઓફીસના કાગળોને આધારે
(૩૯)  ફાઈલ નં.૩૧ નેક નામદાર બહાદુરને માનપત્ર આપ્યું તે વખતના ભાષણો
(૪૦)  ખાચર પ્રદ્યુમ્ન ‘સોરઠ સરકાર નવાબ મહાબતખાનજી ’જૂનાગઢ, પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૧૨,પૃ.૭૩
(૪૧)  ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તા.૧૯-૨-૨૦૦૯
(૪૨)  ફાઈલ નં.૮ મહાબત મકબરા પાસે નવો મકબરો બનાવવાને લગતા કાગળો.
(૪૩)  ખાચર પ્રદ્યુમ્ન ‘કાઠીઓ અને કાઠિયાવાડ’સણોસરા,પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૦૬,પૃ.૩૫૬.
(૪૪)  સંવંત ૧૯૩૮ આસો ‘દસ્ત્તુરલ અમલ સરકાર’પૃ.૧૨.
(૪૫)  ફાઈલ નં.૫૮ વકીલ નૌતમલાલ વ્યાસને જૂનાગઢ રાજ્યની હદમાંથી પાછા નહિ આવવાની શરતે હદપાર કરવામાં આવ્યા તેને લગતા કાગળો.
(૪૬)  ખાચર પ્રદ્યુમ્ન ‘બાબીરાજવંશના ગીતો’ જૂનાગઢ,પ્રથમ આવૃત્તિ,ઇ.સ.૨૦૦૭,પૃ.૩૫.
                       સરનામું -  ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
‘શિવશક્તિ’ વાલાણીનગર પ્લોટ નં.૧૪ શેરી નં ૨ જૂનાગઢ મો.૯૮૭૯૪ ૨૧૦૨૫

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર